ભારતની વસ્તી વર્ષ ૨૦૨૫માં ૧.૪૬ અબજ પર પહોંચી હોવાનો અંદાજ છે, જે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ચાલુ રહ્યો છે એમ યુએનનો એક નવો ડેમોગ્રાફીક અહેવાલ જણાવે છે. હાલ કેટલાક સમય પહેલા જ ભારતે ચીનને પાછળ મૂકી દઇને વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા દેશ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને હાલ તો લાંબા સમય સુધી કોઇ દેશ તેને વસ્તીની બાબતમાં પાછળ મૂકી દે તેવી શક્યતા દેખાતી નથી.
ભારતમાં દાયકાઓથી પૂરઝડપે વધતી રહેલી વસ્તીએ વસ્તી વધારાની ઘણી સમસ્યાઓ ઉભી કરી છે અને હજી પણ આ વસ્તીવધારાને કારણે દેશની વસ્તીનો ઘણો મોટો ભાગ પાયાની જરૂરિયાતો પણ યોગ્ય રીતે પૂરી કરી શકતો નથી. જો કે આ અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે દેશનો કુલ ફળદ્રુપતાનો દર રિપ્લેસમેન્ટ રેટ કરતા ઓછો થયો છે. એટલે કે હવે જન્મદરનું પ્રમાણ ઘટયું છે અને થોડા દાયકાઓ પછી દેશમાં વસ્તી વધારાને બદલે વસ્તી ઘટાડાનો પ્રવાહ શરૂ થશે.
UNFPAનો ૨૦૨પનો વિશ્વ વસ્તીની સ્થિતિનો રિપોર્ટ જેને ધ રિયલ ફર્ટિલિટી ક્રાઇસીસ નામ આપવામાં આવ્યું છે તેમાં આ વખતે તો વસ્તી વધારાને બદલે વસ્તી ઘટાડાને લગતી અને કુટુંબના સર્જનને લગતી બાબતોની ચર્ચા વિશેષ છે. ઘટતી ફળદ્રુપતા અંગે ગભરાટ રાખવાને બદલે હાંસલ કરાયા વિનાના કુટુંબ સર્જન લક્ષ્યોને હાથ ધરવાની હાકલ આ અહેવાલ કરે છે. લાખો લોકો પોતાના ખરેખરા ફર્ટિલિટી લક્ષ્યો પ્રાપ્ત કરી શકતા નથી એ મુજબ અહેવાલમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. આ ખરેખરી કટોકટી છે, અને નહીં કે ઓછી વસ્તી અથવા વધારે પડતી વસ્તી. અને જવાબ વધુ મોટી રિપ્રોડક્ટિવ વ્યવસ્થામાં છે – જેમાં એક વ્યક્તિ સેક્સ, કુટુંબનિયોજન અને કુટુંબ શરૂ કરવા અંગે મુક્ત અને માહિતીયુક્ત ૧૫૦ ટકા પસંદગીઓ ધરાવી શકે એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
લોકોને યોગ્ય માહિતી અને સંસાધનોના અભાવે પોતાની મરજી મુજબના કુટુંબનું સર્જન કરી શકતા નથી. આ અહેવાલ જણાવે છે કે વસ્તીના ઘટકો, ફળદ્રુપતા અને અપેક્ષિત જીવન કાળમાં મોટો ફેરફાર થયો છે અને તે એક મોટા વસ્તીલક્ષી પરિવર્તનનો સંકેત આપે છે. આ રિપોર્ટમાં જણાયું છે કે ભારતનો ફળદ્રુપતાનો દર ઘટીને પ્રતિ મહિલા ૧.૯ થયો છે, જે ૨.૧ના રિપ્લેસમેન્ટ લેવલની નીચે ગયો છે. આનો અર્થ એ થયો કે એક પેઢીથી બીજી પેઢી સુધી વસ્તીનું કદ જાળવી રાખવા માટે જેટલા બાળકોની જરૂર હોય તેના કરતા ઓછા બાળકો ભારતીય મહિલા ધરાવે છે. આ વસ્તીનું કદ સ્થળાંતરોના પ્રવાહ વિના ધ્યાનમાં લેવામાં આવે છે.
ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, જેમાં લગભગ ૧.૫ અબજની સંખ્યાની નજીકના લોકો છે – જે સંખ્યા લગભગ ૪૦ વર્ષ પછી ઘટવાનું શરૂ થશે, તે પહેલા તે ૧.૭ અબજ સુધી જવાની ધારણા છે, એમ અહેવાલમાં જણાવાયું છે. યુએનના અંદાજ મુજબ, ભારતની વસ્તી હાલમાં ૧૪૬ કરોડ અને ૩૯ લાખ છે. ભારતમાં જન્મ દર ઘટવાનું કારણ એ છે કે હવે વધુ પ્રમાણમાં યુગલો બાળકો પેદા કરવાનું ટાળી રહ્યા છે અને આનુ એક મહત્વનું કારણ આર્થિક સમસ્યા છે. એક સર્વેમાં ૩૮ ટકા લોકોએ જણાવ્યું હતું કે આર્થિક સમસ્યાને કારણે તેઓ ઇચ્છિત પરિવાર બનાવવાનું ટાળી રહ્યા છે. આ પણ એક મહત્વની બાબત છે. થોડા દાયકા પહેલા આર્થિક તંગી વાળા કુટુંબોમાં વધુ બાળકો જન્મતા હતા, હવે આર્થિક તંગીના કારણે લોકો બાળકો જન્માવવાનું ટાળે છે.
જો કે ધીમા જન્મ દર છતાં, ભારતની યુવા વસ્તી હજી પણ નોંધપાત્ર રહી છે, 0-14 વર્ષની વય જૂથમાં 24 ટકા, 10-19 વર્ષની વય જૂથમાં 17 ટકા અને 10-24 વર્ષની વય જૂથમાં 26 ટકા છે. દેશની 68 ટકા વસ્તી કામ કરી શકે તેવા વય જૂથ (15-64) ની છે, જે પર્યાપ્ત રોજગાર અને નીતિ સહાય દ્વારા મેળ ખાતી વખતે સંભવિત વસ્તી વિષયક લાભાંશ પૂરો પાડે છે. વૃદ્ધ વસ્તી (65 અને તેથી વધુ ઉંમરના) હાલમાં સાત ટકા છે, જે આગામી દાયકાઓમાં આયુષ્યમાં સુધારો થતાં વધવાની ધારણા છે.
2025માં, જન્મ સમયે આયુષ્ય પુરુષો માટે 71 વર્ષ અને સ્ત્રીઓ માટે 74 વર્ષ રહેવાનો અંદાજ છે. અત્યારે ભારતમાં ઉત્પાદક કામો કરી શકે તેવી યુવા વસ્તીનું પ્રમાણ વધારે છે. પરંતુ જન્મ દર ઘટતો જતા અને સરેરાશ આયુષ્યમાં વધારો થતા વૃદ્ધ વસ્તી વધતી જતા વૃદ્ધ વસ્તી મોટી થવાની સમસ્યા, જેનો સામનો હાલ જાપાન જેવા દેશો કરી રહ્યા છે, ચીનમાં પણ આ સમસ્યાની શરૂઆત થઇ છે તેનો સામનો થોડા દાયકાઓ પછી ભારતે પણ કરવો પડશે. વસ્તી વૃદ્ધિ પણ એક સમસ્યા છે, વસ્તીમાં ઘટાડો પણ એક સમસ્યા છે.