Columns

૨૦૨૭ની વસ્તી ગણતરી પછી અનેક નવા વિવાદો પેદા થવાની સંભાવના રહેશે

ભારતમાં ૧૮૭૨ થી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધી ચાલુ છે.ભારતને સ્વતંત્રતા મળી ત્યાર બાદ પહેલી વસ્તી ગણતરી ૧૯૫૧માં થઈ હતી. ત્યાર બાદ દર ૧૦ વર્ષે સરકાર દ્વારા વસ્તી ગણતરી થયા કરે છે અને તેના આંકડાઓ પણ નિયમિત બહાર પડ્યા કરે છે. ૨૦૨૧માં કોરોનાને કારણે ભારતમાં વસ્તી ગણતરી થઈ શકી ન હતી. કોરોના પછી વિપક્ષો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કોરોનાને કારણે ભારતમાં જે જાનહાનિ થઈ હતી તેના સાચા આંકડાઓ સરકાર જણાવવા માગતી નથી; માટે વસ્તી ગણતરી ટાળવામાં આવી રહી છે.

કોરોના પછી ૨૦૨૪માં ભારતમાં લોકસભાની ચૂંટણીઓ પણ આવી ગઈ. સરકારે ધાર્યું હોત તો તે ચૂંટણી પહેલાં વસ્તી ગણતરી કરાવી શકી હોત; પણ તેણે કોઈ અકળ કારણોસર વસ્તી ગણતરી કરાવી નહીં. હવે કોરોનાને પાંચ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે ત્યારે સરકારે આખરે વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત કરી છે. આ વસ્તી ગણતરી પણ આશરે બે વર્ષ પછી કરાવવામાં આવશે. આ વખતની વસ્તી ગણતરી અનેક રીતે અલગ પ્રકારની બની રહેશે. દેશમાં પહેલી વાર ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવનાર છે અને સ્વતંત્ર ભારતમાં પહેલી વાર જાતિઓના આધારે થતી વસ્તી ગણતરી પણ તેમાં સામેલ કરવામાં આવશે.

ભારતમાં ૧૬ વર્ષ પછી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે ૧ માર્ચ, ૨૦૨૭ વસ્તી ગણતરી માટેની સંદર્ભ તારીખ હશે. વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં વસ્તી ગણતરી માટે સંદર્ભ તારીખ ૧ ઓક્ટોબર, ૨૦૨૬ હશે. બીજો તબક્કો ૧ માર્ચ, ૨૦૨૭ થી મેદાની વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે. સંદર્ભ તારીખ એ સમય છે જેના માટે વસ્તીની માહિતી એકત્રિત કરવામાં આવે છે. સરકારે હજુ સુધી વસ્તી ગણતરી ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે તેની તારીખ જાહેર કરી નથી. જાતિના આધારે વસ્તી ગણતરીના આંકડાઓ બહાર આવ્યા પછી દલિતો અને આદિવાસીઓ માટે અનામતનો ક્વોટા વધારવાની માગણી બળવત્તર બનશે.

કોઈ ચોક્કસ દેશ અથવા પ્રદેશની વસ્તી વિશે વસ્તીવિષયક, આર્થિક અને સામાજિક ડેટા એકત્રિત કરવા, સંકલન કરવા, વિશ્લેષણ કરવા અને જાહેર કરવાની પ્રક્રિયાને વસ્તી ગણતરી કહેવામાં આવે છે. વસ્તી ગણતરીમાં માત્ર આંકડાઓ જ નથી ભેગા કરવામાં આવતાં પણ પ્રજાના આર્થિક, સામાજિક, શૈક્ષણિક, આરોગ્યવિષયક, વ્યવસાય, ભાષા, ધર્મ વગેરે માહિતી પણ એકઠી કરવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને દેશની નીતિઓ પણ નક્કી કરવામાં આવે છે.

દેશના ક્યા રાજ્યમાં કે ક્યા જિલ્લામાં સ્ત્રી-પુરુષોની વસ્તીના ગુણોત્તર પરથી ત્યાંની સામાજિક પરિસ્થિતિનો પણ ખ્યાલ આવે છે. વસ્તી ગણતરી દ્વારા દેશના જન્મ અને મરણ દરનો પણ ખ્યાલ આવે છે. દેશના વિકાસ માટે એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે દેશમાં રહેતાં લોકો કોણ છે, તેમનો દરજ્જો શું છે, તેઓ કેટલા શિક્ષિત છે, કોણ શું કરે છે, કેટલાં લોકો પાસે રહેવા માટે ઘર છે, કેટલાં લોકો પાસે ઘર નથી. તેઓ આર્થિક રીતે સમૃદ્ધ છે કે કંગાળ? તેમનો સામાજિક દરજ્જો શું છે? તેઓ ક્યો ધર્મ પાળે છે? વસ્તી ગણતરી એ આ બધી માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા છે.

ભારતની વસ્તી ગણતરી ૧૯૪૮ના વસ્તી ગણતરી અધિનિયમની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની કચેરી વસ્તી ગણતરીનું સંચાલન કરે છે. ભારતમાં દર ૧૦ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧ માં બે તબક્કામાં કરવામાં આવી હતી. આ વર્ષે ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા બજેટમાં વસ્તી ગણતરી માટે ૫૭૪.૮૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જ્યારે ૨૦૨૧-૨૨ના બજેટમાં આ માટે ૩,૭૬૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી છે કે  વસ્તી ગણતરી ૨૦૧૧ માં થવાની હતી અને વસ્તી ગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. જો કે, દેશભરમાં કોવિડ-૧૯ રોગચાળો ફાટી નીકળવાના કારણે, વસ્તી ગણતરીનું કાર્ય મુલતવી રાખવું પડ્યું. કોવિડ-૧૯ ની અસર લાંબા સમય સુધી ચાલુ રહી. કોવિડ-૧૯ પછી તરત જ વસ્તી ગણતરી હાથ ધરનારા દેશોને વસ્તી ગણતરીના ડેટાની ગુણવત્તા અને કવરેજ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

હવે સરકારે વસ્તી ગણતરીની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે વસ્તી ગણતરીની સંદર્ભ તારીખ એટલે કે ૦૧ માર્ચ, ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થશે. વસ્તી ગણતરી માટે બજેટ ક્યારેય અવરોધરૂપ રહ્યું નથી, કારણ કે સરકાર દ્વારા હંમેશા ભંડોળની ફાળવણી સુનિશ્ચિત કરવામાં આવી છે. ભારતમાં વસ્તી ગણતરી માટે ખાસ વિભાગ હોય છે, જેને સેન્સસ વિભાગ કહેવામાં આવે છે. તેના વડાને સેન્સસ કમિશનર ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. તેઓ આઈએએસ સ્તરના સનદી અધિકારી હોય છે. વસ્તી ગણતરીના ડેટા પરથી ભારતમાં શહેરીકરણ કેવી રીતે વધી રહ્યું છે અને ગામડાંમાંથી વસ્તીનું સ્થળાંતર થઈ રહ્યું છે તેનો પણ ખ્યાલ આવે છે.

આઝાદી પછી અથવા ૧૯૩૧ પછી આ પહેલી વાર છે જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી વસ્તી ગણતરીનો ભાગ હશે. વિપક્ષી પક્ષો દ્વારા લાંબા સમયથી જાતિગત વસ્તી ગણતરી કરાવવાની માંગ કરવામાં આવી રહી હતી. આ વર્ષે એપ્રિલમાં, સરકારે જાહેરાત કરી હતી કે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો પણ સમાવેશ કરવામાં આવશે. ૧૯૩૧થી અત્યાર સુધીની વસ્તી ગણતરીમાં પૂછાયેલા પ્રશ્નો લગભગ સમાન છે, પરંતુ એક પ્રશ્ન જે ૧૯૫૧ થી પૂછવામાં આવ્યો ન હતો તે સંબંધિત વ્યક્તિની જાતિ સાથે સંબંધિત હતો. જો કે તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંબંધિત માહિતી હતી, પરંતુ અન્ય જાતિઓ વિશે માહિતી આપવામાં આવી ન હતી. આ વસ્તી ગણતરીમાં દરેક વ્યક્તિને તેની જાતિ જાહેર કરવાનો વિકલ્પ આપવામાં આવશે, જેને એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે. પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે ૨૦૨૭ ની વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમ દ્વારા કરવામાં આવશે.

આ વસ્તી ગણતરી લોકસભા અને રાજ્ય વિધાનસભા બેઠકોના આગામી સીમાંકન અને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતને અસર કરશે. મહિલા અનામત કાયદા મુજબ, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકોની અનામત તેના અમલ પછીના પ્રથમ વસ્તી ગણતરીના ડેટાના આધારે સીમાંકન પ્રક્રિયા શરૂ થયા પછી અમલમાં આવશે. વસ્તી ગણતરી પછી એક સીમાંકન પંચની સ્થાપના કરવી પડશે.

દક્ષિણનાં ઘણાં રાજ્યો ફક્ત વસ્તીના આધારે સીમાંકનનો વિરોધ કરે છે, તેથી તે બાબતમાં સઘન વિચારવિમર્શની જરૂર પડશે. ભારતનાં બંધારણ મુજબ વસ્તી ગણતરી પછી દર વખતે સીમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. આ પ્રક્રિયા ૧૯૫૧, ૧૯૬૧ અને ૧૯૭૧ ની વસ્તી ગણતરીના આધારે હાથ ધરવામાં આવી હતી. જ્યારે ૧૯૭૧ની વસ્તી ગણતરીના આધારે ૧૯૭૬માં સીમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે મોટો વિવાદ ઊભો થયો હતો. દક્ષિણ ભારતમાં વસ્તી ધીમી ગતિએ વધી રહી હતી જ્યારે ઉત્તર ભારતમાં તે ઝડપથી વધી રહી હતી.

દક્ષિણનાં રાજ્યો ચિંતિત હતાં કે તેમની વસ્તી ઘટી રહી છે અને તેના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે લોકસભા અને વિધાનસભાની બેઠકોની સંખ્યા નક્કી કરવામાં વસ્તીની ઘનતા એક મોટો માપદંડ હોય છે. આ વિવાદને કારણે ૧૯૭૬ પછી સીમાંકન બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હવે સીમાંકન ૨૦૦૧ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવશે. વિવાદને કારણે તે પણ શક્ય નહોતું બન્યું. હવે ૨૦૨૭ માં વસ્તી ગણતરી કરવામાં આવશે પણ તેનો અંતિમ ડેટા આવવામાં સમય લાગશે. તેને કારણે ૨૦૨૯ ની લોકસભાની ચૂંટણી સુધી આ વસ્તી ગણતરીને કારણે કંઈ બદલાશે નહીં, પરંતુ તે પછીની ચૂંટણીઓમાં આ વસ્તી ગણતરી નવા સીમાંકનનો આધાર બનશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top