Business

પ્લેન ક્રેશઃ મૃતકોના સગાના અમદાવાદ સિવિલમાં DNA સેમ્પલ લેવાશે, હેલ્પલાઈન નંબર જાહેર

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલાની ઓળખ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.

હાલ 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા ( માતા પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવન માં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે. સગા – સ્નેહી જનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે 6357373831, 6357373841જાહેર કર્યા છે.

રાજ્ય સરકારે 4 IAS અધિકારીઓને આરોગ્ય વિભાગના હવાલે મુક્યા
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની દુર્ઘટનાના કારણે ઊભી થયેલી આપાતકાલીન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી ચાર આઈએએસ અધિકારીઓની સેવાઓને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે અગ્ર સચિવ આરોગ્ય વિભાગ પરિવાર કલ્યાણના ધનંજય દ્વિવેદી હસ્તક મૂકવાના આદેશો કરવામાં આવ્યા છે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પડાયેલા આદેશમાં ગાંધીનગરના રોજગાર અને તાલીમ નિયામક નીતિન સાંગવાન (આઈએએસ), ગૃહ વિભાગના સંયુક્ત સચિવ હર્ષિત ગોસાવી, (આઈએએસ), ગુજરાત ઇન્ફોર્મેટીક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ વી. (આઈએએસ) અને કમિશનર ઓફ મ્યુનીસિપાલિટી, અમદાવાદના ડો. પ્રશાંત જીલોવા (આઈએએસ)ને તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગ હેઠળ મૂકવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓએ તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીના પરામર્શમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ફરજ બજાવવાની રહેશે.

અમદાવાદ એરપોર્ટ બંધ
અમદાવાદ વિમાની મથકને અનિશ્ચિત મુદત માટે બંધ કરાયું તમામ ઉડાણો રદ કરી દેવામાં આવી, અમદાવાદ વિમાની મથકે લેન્ડ થનાર તમામ ફ્લાઈટને અન્ય એરપોર્ટ ઉપર ડાઈવર્ટ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે. ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલરૂમ કાર્યરત કર્યો છે આ કંટ્રોલરૂમ ના ફોન નંબર 079 23251900 અને મોબાઈલ નંબર 99784053304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે શક્તિસિંહ ગોહિલએ દુઃખ વ્યક્ત કર્યું
અમદાવાદ વિમાન દુર્ઘટના અતિશય કરુણ અને ન કલ્પી શકાય એવા દુઃખદ સમાચાર મળ્યા. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને ઘાયલ થયા છે તેવા સમાચારોથી ખુબ વ્યથિત છું. તેવું પ્રદેશ કોગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતુ.

શકિતસિંહ ગોહિલેએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત લોકોને મદદરૂપ બનવા, બ્લડ ડોનેટ કરવા અને પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થવા કોંગ્રેસ કાર્યકર્તાઓને વિનંતી કરું છું. વિસાવદર અને કડીની પેટા ચુંટણીઓ ચાલી રહી છે ત્યારે આજના દિવસની તમામ જાહેર સભાઓ, સ્વાગત સમારોહ, રેલીઓ રદ્દ કરવાની ઘોષણા કરું છું. સમગ્ર કોંગ્રેસ પરિવાર શોકગ્રસ્ત પરિવારોની સાથે દુઃખમાં સહભાગી છે. ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરું છું અને મૃતકોને શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા પ્રાર્થના અને રાહત સેવા કાર્ય
આજે અમદાવાદ ખાતેથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના થતાં ખૂબ મોટી તારાજી સર્જાઈ છે. આ દુર્ઘટના અંગે મહંત સ્વામી મહારાજ અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો-હરિભક્તોએ અસરગ્રસ્તો માટે પ્રાર્થના કરી છે. દિવંગત આત્માઓને શાંતિ પ્રાપ્ત થાય, તેમના સ્વજનોને આ આપત્તિ જીરવવાનું આત્મબળ પ્રાપ્ત થાય, ઇજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સ્વસ્થ બને તે માટે સૌએ પ્રાર્થના કરી છે. બી.એ.પી.એસ. સંસ્થાએ આ પ્રસંગે દુર્ઘટનાગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને સેવા માટે હાથ લંબાવ્યો છે.

Most Popular

To Top