ahemdabad : રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઝંઝાવતી ચૂંટણીપ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની આગેવાનીમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ભાજપની જન સંપર્ક યાત્રા યોજાઇ હતી. આ રેલી ( rally) માં સંખ્યાબંધ કાર્યકરો મોટરસાયકલ લઈ જોડાયા હતા. ભાજપની આ રેલીના પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અસારવા વિસ્તારમાં એમ્બ્યુલન્સ વાન કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડી, તેમજ એસટી બસ સહિત નાગરિકો ટ્રાફિકમાં અટવાઇ જતાં ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. તો વળી ચૂંટણીના ઉત્સાહ અને ઉન્માદમા સિનિયર નેતાઓની હાજરીમાં જ સોશ્યલ ડિન્ટન્સીંગ ( social distnsing) અને કોરોનાની ( corona) ગાઈડલાઈનના ધજાગરા ઉડયા હતા.
આજે સવારે 9:30 નરોડાના જી વોર્ડ વિસ્તારમાંથી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ( c r patil) , ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ( pradipsinh jadeja) , સિનિયર ભાજપ આગેવાન આઈ.કે. જાડેજા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભાજપની વિશાળ જન સંપર્ક યાત્રા શરૂ થઈ હતી. શહેરના કોટ વિસ્તારમાં લગભગ સાત કલાક સુધી 25 કિલોમીટર લાંબી જન સંપર્ક યાત્રા યોજાઈ હતી. ભાજપની જનસંપર્ક યાત્રાનોને પગલે સમગ્ર પૂર્વ અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી, અને ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની રેલી અસારવા સિવિલ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રાફિકમાં એમ્બ્યુલન્સવાન ફસાઇ ગઇ હતી, જોકે પોલીસે ભારે જહેમત બાદ એમ્બ્યુલન્સને ટ્રાફિકમાંથી બહાર કાઢી હતી.
ભાજપની જન સંપર્ક યાત્રા રેલીને પગલે મોટાભાગના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના પગલે લોકો અટવાઈ પડયા હતા. કલાકો સુધી લોકો રસ્તામાં -ટ્રાફિકમાં અટવાવું પડ્યું હતું. ભાજપની જનસંપર્ક યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત અનેક સિનિયર આગેવાનોની ઉપસ્થિતિ હોવા છતાં જાણે કોરોના ભુલાઈ ગયો હોય તેમ સોશિયલ ડિન્ટન્સીંગ સહિતના કોરોનાની ગાઈડલાઈનનું કોઈ જ પાલન થયું ન હતું. સાથે જ રેલીમાં મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યા નહોતા. રેલીમાં આવેલા તમામ લોકો ઉત્સાહ અને ઉન્માદમાં કોરોના ભૂલી ગયા હતા
રાજ્યની ભાજપ સરકાર કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે લોકોને સુફિયાણી સલાહ આપી રહી છે, પરંતુ તેમની જ પાર્ટીના સિનિયર આગેવાનો કાર્યકરો નિયમો તોડી રહ્યા છે, તેમ છતાં સરકાર કોઇ જ પગલાં લેતી નથી. જેને કારણે સામાન્ય જનતામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. જો સામાન્ય વ્યક્તિ માસ્ક પહેર્યા વગર નીકળે તો તેની પાસેથી એક હજારનો દંડ વસૂલવામાં આવે છે, પરંતુ રેલીમાં ભાજપ અને કોંગ્રેસના ખેસ પહેરેલા કાર્યકરો ખુલ્લેઆમ રેલીઓમાં જોડાય છે તો તેમની સામે કોઈ જ પગલા કે દંડ લેવામાં આવતો નથી, સામાન્ય લોકોમાં તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.