National

બહેનને પામવા ભાઈએ તેના પ્રેમીની હત્યા કરી, ત્રિપુરામાં લવ ટ્રાયેન્ગલની ચોંકાવનારી ઘટના બની

ત્રિપુરાની રાજધાની અગરતલાથી લગભગ 120 કિલોમીટર દૂર ધલાઈ જિલ્લાના ગંદચેરા બજારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુમ થયેલા એક યુવકનો મૃતદેહ આઈસ્ક્રીમ ફ્રીઝરમાંથી ટ્રોલી બેગમાં છુપાયેલી હાલતમાં મળી આવ્યો છે. ખાસ કરીને પડોશી રાજ્ય મેઘાલયમાં થયેલી ‘હનીમૂન મર્ડર’ની ઘટના બાદ આ ઘટનાએ ત્રિપુરામાં હડકંપ મચાવી દીધો છે.

24 વર્ષીય સરિફુલ ઈસ્લામ જે અગરતલાના સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઇલેક્ટ્રિશિયન હતો, તેની હત્યા એક જટિલ પ્રેમત્રિકોણનું પરિણામ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કેસમાં મુખ્ય આરોપી 28 વર્ષીય ડોક્ટર દિબાકર સાહા છે.

વેસ્ટ ત્રિપુરાના વરિષ્ઠ પોલીસ અધિકારી કિરણ કુમાર કે.એ જણાવ્યું, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે સરિફુલ ઈસ્લામ અને એક મહિલા વચ્ચે પ્રેમસંબંધ હતો, જે મહિલા દિબાકર સાહાની પિતરાઈ બહેન છે. દિબાકર સાહા પોતાની પિતરાઈ બહેનને પ્રેમ કરતો હતો. આ લવ ટ્રાયેન્ગલ જ હત્યાનું કારણ બન્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. નવાઈની વાત છે કે દિબાકર સાહાના માતાપિતાએ પણ આ મર્ડરમાં તેનો સાથ આપ્યો છે.

પોલીસે આ કેસમાં ડોક્ટર દિબાકર સાહા, તેમના માતા-પિતા અને અન્ય ત્રણ વ્યક્તિઓ સહિત કુલ છ લોકોની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓમાં 20 વર્ષીય જોયદીપ દાસ, 21 વર્ષીય અનિમેષ યાદવ અને 25 વર્ષીય નબનીતા દાસનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 8 જૂનની સાંજે દિબાકર સાહાએ સરિફુલને ભેટ આપવાના બહાને જોયદીપ દાસના ઘરે, સાઉથ ઇન્દ્રનગર કબરખલા વિસ્તારમાં બોલાવ્યો હતો. સરિફુલ ત્યાં પહોંચ્યો ત્યારે દિબાકર, અનિમેષ અને નબનીતાએ તેની પર હુમલો કર્યો અને ગળું દબાવીને તેની હત્યા કરી. ત્યારબાદ તેનો મૃતદેહ બે દિવસ પહેલા ખરીદેલી ટ્રોલી બેગમાં ભરી દેવામાં આવ્યો.

બીજા દિવસે સવારે, દિબાકરના માતા-પિતા, દીપક અને દેબિકા સાહા, ગંદચેરા બજારથી અગરતલા આવ્યા અને મૃતદેહવાળી ટ્રોલી બેગ લઈ ગયા. આ મૃતદેહને તેમની ગંદચેરા બજારની દુકાનમાં આઈસ્ક્રીમ ફ્રીઝરમાં છુપાવી દેવામાં આવ્યો.

પોલીસે ગંભીર તપાસ બાદ મંગળવારે રાત્રે છ આરોપીઓની ધરપકડ કરી અને બુધવારે બપોરે મૃતદેહ બહાર કાઢ્યો. પોલીસે ડિજિટલ પુરાવા પણ મેળવ્યા છે, જેમાં મોબાઈલ મેસેજનો સમાવેશ થાય છે, જે હત્યાનું કારણ લવટ્રાયેન્ગલ સાથે જોડાયેલું હોવાની પુષ્ટિ કરે છે.

Most Popular

To Top