સુરત: સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા વરાછા વોટર વર્ક્સ ખાતે નવી બનાવેલી અન્ડરગ્રાઉન્ડ ટાંકીના ઇન્ટર-કનેક્શન અને સફાઈની કામગીરી કરવામાં આવશે. જેથી વરાછા, સરથાણા, કતારગામ અને સેન્ટ્રલ ઝોનમાં શુક્રવારે 13મી જૂને પાણી પુરવઠો બંધ રહેશે.
- મનપાએ નાગરિકોને પાણીનો સંગ્રહ કરવાની અપીલ કરી
આ કામગીરી શુક્રવારે શરૂ થઈને શનિવારે સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેના કારણે સરથાણા, વરાછા-એ, સેન્ટ્રલ ઝોન (ઉત્તર વિભાગ) અને કતારગામ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરંભે પડશે. આશરે 10 લાખ નાગરિકો આ પાણીકાપથી પ્રભાવિત થશે. ભારે ગરમીને ધ્યાનમાં રાખીને, મનપાએ નાગરિકોને પાણીનો સંગ્રહ કરવાની અપીલ કરી છે.
સરથાણા ઝોનની ટી.પી. સ્કીમ નં.38 (નાના વરાછા), ટી.પી. સ્કીમ નં.20 (નાના વરાછા-કાપોદ્રા), નાના વરાછા ગામતળ અને આસપાસની સોસાયટીઓમાં બપોરે અપાતો પાણી પુરવઠો બંધ રહેશે. વરાછા-એ ઝોનમાં રેલવે સ્ટેશન, સુમુલ ડેરી, એ.કે.રોડ, ફૂલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા, ટી.પી. સ્કીમ નં. 34 (મગોબ-ડુંભાલ), સીતારામ સોસાયટી અને આઈ માતા રોડના વિસ્તારોમાં બપોરના પાણી પુરવઠા પર અસર થશે.
સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિભાગ અને કતારગામ ઝોનમાં સાંજે પાણી પુરવઠો મેળવતા વિસ્તારો, જેમ કે રેલવે સ્ટેશન, સુમુલ ડેરી, દિલ્હી ગેટથી ચોક બજાર, રાજમાર્ગથી મહિધરપુરા, રામપુરા, હરિપુરા, સૈયદપુરા અને નાણાવટ-શાહપોરનો વિસ્તાર અસરમાં રહેશે.