Comments

RBI મોનીટરી પૉલિસી કમિટીની સારી રાહતો, છતાં અર્થવ્યવસ્થાનું મૂળ ખાસ બદલાશે નહીં

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની મોનીટરી પૉલિસી કમિટીની બેઠક વિશ્વ પર્યાવરણ દિવસની સાથોસાથ ભારતીય અર્થવ્યવસ્થા માટે એક અગત્યની ઘટના બની રહી. ખાસ કરીને આ વખતની મોનીટરી પૉલિસી કમિટી મિટિંગ માટે રેપોરેટમાં કાપ મૂકાય તેવી મજબૂત શક્યતાઓ બાબતે લગભગ બધા જ નિષ્ણાતો એકમત હતા. ગઈ વખતે રિઝર્વ બૅન્કના ગવર્નર મલ્હોત્રા નવા નિમાયેલ હોવાથી વધુ અપેક્ષાઓ નહોતી. આમ છતાંય સંજય મલ્હોત્રા ખાસ્સો ૫૦ બેઝિસ પોઇન્ટ જેટલો રેપોરેટમાં કાપ મૂકશે તેવી અપેક્ષા અપવાદરૂપ એસબીઆઈ અને મોર્ગનસ્ટેન્લી સિવાય કોઈ રાખતું નહોતું. ૪-૬ જૂન, ૨૦૨૫ના ગાળામાં મળેલ મોનીટરી પૉલિસી કમિટી દ્વારા નિર્ણીત થયા મુજબ રેપોરેટમાં ૫૦ બેઝિસ પોઇન્ટ્સનો કાપ મૂકવામાં આવ્યો છે.

આની સાથોસાથ ૨૦૨૫ના વર્ષમાં અત્યાર સુધીમાં ૧૦૦ બેઝિસ પોઇન્ટ્સ એટલે કે એક ટકાનો કાપ મૂકી નવો રેપોરેટ હવે સાડા પાંચ ટકા સુધી નીચે લાવવામાં આવ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષના પહેલા છ મહિનામાં ૧૦૦ બેઝિસ પોઇન્ટ્સ એટલે કે એક ટકાનો કાપ મૂકવામાં આવ્યો તેનાથી હાઉસિંગ, કાર લોન વગેરે કોઈ પણ પ્રકારનું ધિરાણ બૅન્ક પાસેથી લેનારને ફાયદો થશે. સાથોસાથ કેશ રિઝર્વ રેશિયોમાં પણ સો બેઝિસ પોઇન્ટ્સનો ઘટાડો કરી વધારાના અઢી લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં ફરતા થાય તેવો નિર્ણય રિઝર્વ બૅન્ક દ્વારા લેવાયો એ પાછળના ટેક્નિકલ કારણોની ચર્ચા પછી કરીશું પણ મૂળભૂત રીતે દેશનાં બજારોમાં પ્રવર્તતો નકારાત્મક સેન્ટીમેન્ટ, ટેરીફની શક્યતાની અવળી અસરો બાબતે સેવાતો ભય તેમજ વપરાશકારની ખરીદીમાં આવી ગયેલ સ્થગિતતા કારણભૂત જણાય છે. આ ત્રણેય મુદ્દે દેશની અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકી એમાં આશાનો સંચાર કરવાનો પ્રયત્ન કરવાનો નાણાં મંત્રાલયનો ઇશારો પણ સંજય મલ્હોત્રાએ કદાચ થોડી વધારે પડતી હકારાત્મક કહી શકાય તે રીતે ઝીલ્યો છે તેમાં કંઈ નવાઈ સરખું લાગતું નથી.

ચીલાચાલુ રેટકટથી અર્થવ્યવસ્થાની હાલની પરિસ્થિતિ નહીં સુધરે, એને માટે વધુ આક્રમક નીતિ અપનાવી બંને મોરચે વ્યાજના દરોમાં રાહત તેમજ વધારાની કેશ લિક્વિડિટી ઉપલબ્ધ કરી પ્રમાણમાં અર્થવ્યવસ્થામાં વધુ નાણાં ફરતાં થાય તે બેવડા હેતુથી રિઝર્વ બૅન્કની મોનીટરી પૉલિસી કમિટીએ ક્રિઝ બહાર જઈને રમવાની નીતિ અપનાવી હોવાનું કહેવું ઉચિત જણાય છે. સાથોસાથ જે હેતુઓ માટે આ પ્રકારની આક્રમક નીતિ રિઝર્વ બૅન્કે અપનાવી છે, તે હેતુઓની સફળતા માટે બૅન્કોથી માંડી સંબંધિત અન્ય એજન્સીઓ કેટલી અસરકારકતાથી એનો લાભ મૂળ વપરાશકાર સુધી પહોંચાડે છે તેના ઉપર રહે છે.

આ રિઝર્વ રેશિયોમાં ઘટાડો થવાથી બૅન્કો દ્વારા રિઝર્વ બૅન્ક દ્વારા ફરજિયાત રાખવી પડતી ડિપોઝિટમાં પણ ઘટાડો થશે અને એને કારણે બૅન્કો પોતાના ધિરાણમાં વધારો કરી શકશે તેમ કહી શકાય. સાથોસાથ એવું પણ કહી શકાય કે, રિઝર્વ બૅન્કે તો એનું કામ કર્યું છે પણ વધારાનાં નાણાં છૂટાં થશે તો જે ખરેખર નાણાંભીડનો અનુભવ કરી રહ્યા છે તેમને જો ફાયદો થાય તો જ રિઝર્વ બૅન્કનું આ પગલું લેખે લાગશે. રેપોરેટમાં ૫૦ બેઝિસ પોઇન્ટનો ઘટાડો અને સાથોસાથ કેશરિઝર્વ રેશિયોમાં પણ ૧૦૦ બેઝિસ પોઇન્ટ્સનો ઘટાડો પાંચ વિરુદ્ધ એક મતથી પસાર કરવામાં આવ્યો હતો.

ઉપલબ્ધ માહિતી પ્રમાણે સ૨કા૨ દ્વારા મૂકવામાં આવેલ ૭.૪ ટકાના અંદાજ સામે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના છેલ્લા ત્રૈમાસિકી ગાળામાં અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર પ્રમાણમાં સારો રહ્યો હતો. જો કે આ બધી હકારાત્મક ઘટનાઓ વચ્ચે પણ વિત્તીય અને સેન્સેકસમાં જે વધારો દેખાવો જોઈએ તે જોવા મળ્યો નહોતો, જેનું કારણ કદાચ યુદ્ધની અનિશ્ચિતતા અને અમેરિકાના ટેરીફ અંગેના વલણમાં પણ હજુ કોઈ ચોક્કસ દિશા પકડાતી નથી એ હોઈ શકે. દેશની રાજનીતિ પણ હજુ ડામાડોળ ચાલે  છે અને એક વરસ પૂરું થવા આવ્યું છતાં શાસક પક્ષની સરકાર ઉપર કોઈ પકડ હોય એવું દેખાતું નથી, એટલું જ નહિ પણ દેશની સંસદ ખોડંગાતી ચાલે ચાલે છે, એ કારણ હોઈ શકે.

આના કારણે એનએસઈ નિફટી માત્ર ૧૩૦.૭૦ પોઇન્ટ અથવા ૦.૫૩ ટકા જેટલો જ વધ્યો જ્યારે શરૂઆતમાં ૯૦૦ પોઇન્ટ કરતાં વધારે વધીને બૉમ્બે સ્ટોક એક્ષચેન્જ સેન્સેક્સ ૪૪૩.૭૯ અથવા ૦.૫૫ ટકા નીચો સ્થિર થયો જે હજુ પણ શૅરબજારના આ પગલાંની અસરકારકતા તેમજ અર્થવ્યવસ્થા ઊંચકાઈ જવાની બહુ મોટી શક્યતાઓમાં વિશ્વાસનો અભાવ દર્શાવે છે. કદાચ ૬ તારીખે જ્યારે આ બધું જાહેર થયું ત્યારે સાપ્તાહિક એક્સપાયરીને કારણે પણ બજા૨માં વધુ અસર જોવા ન મળી હોય એવું બની શકે.

વૈશ્વિક બજારો પણ તેજીતરફી રૂખ નથી બતાવતાં તેમ હોવા છતાં ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ દ્વારા લગભગ ૧૦૭૬ કરોડનું શેરોમાં રોકાણ કરવામાં આવ્યું. જો કે રોયલ્ટી સેક્ટર દ્વારા આ જાહેરાતને વધુ આશાસ્પદ ગણી વધાવવામાં આવી તેની સાથોસાથ સેવાકીય, હેલ્થકેર, કન્ઝ્યુમર ક્ષેત્ર, ઔદ્યોગિક ઉત્પાદનો, કોમોડિટી વગેરે ક્ષેત્રોમાં મર્યાદિત હકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો, જે સામે તેલ અને ગૅસ ઘટવામાં રહ્યાં. રશિયાએ યુક્રેન પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલ્સથી હુમલો કરી રહેણાંક વિસ્તારોને પણ ઝપટમાં લીધા એ આ બે દેશો વચ્ચે સંઘર્ષ વધુ વકરે તેનાં એંધાણ ગણી શકાય.

આમ, ઇઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ શાંત પડે તેવા તબક્કે પહોંચ્યું હોય એવું નથી દેખાતું એટલે દુનિયા સામેનો ખતરો જેમનો તેમ રહ્યો છે એવી ધારણાથી પણ શૅરબજારો હજુ દબાયેલાં રહેશે એવું માનવાને કારણ છે. આમ, ૪-૬ જૂન વચ્ચે મળેલ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની મોનીટરી પોલીસી કમિટીએ અપેક્ષા કરતાં પણ વધુ રાહતો આપી છે અને તેમ છતાંય બજારોના સેન્ટીમેન્ટમાં એનો જોઈએ તેવો પ્રત્યાઘાત નથી પડ્યો એની પાછળ દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અને રાજકીય સ્થિતિથી માંડીને વૈશ્વિક ક્ષેત્રે યુદ્ધનાં વાદળો હજુ પણ વિખરાવાનું નામ નથી લેતાં, એ બધું જવાબદાર ગણી શકાય.
ડૉ.જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top