(પ્રતિનિધિ) વડોદરા તા.11
વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલમા બુધવારે બપોરે આશરે ત્રણ વાગ્યાની આસપાસ અચાનક વીજપુરવઠો ખોરવાયો હતો જેના કારણે પંદર મિનિટ સુધી હોસ્પિટલમાં દર્દીઓ તથા સ્ટાફને ગરમીથી પરેશાન થવાનો વારો આવ્યો હતો.


મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમા બુધવારે બપોરે આશરે ત્રણ વાગ્યાની આસપાસ અચાનક વીજ પુરવઠો ખોરવાયો હતો જેના કારણે અચાનક અંધારું છવાઈ ગયું હતું સાથે જ સારવાર લેવા માટે આવેલ દર્દીઓ તથા તેમના સગાઓ સાથે હોસ્પિટલ સ્ટાફને પણ વિજળી ગુલ થતાં પરેશાન થઇ ગયા હતા. બુધવારે વિજ કંપનીના એમ.સી.ઓ.ટી. માં અચાનક ફોલ્ટ થતાં એસ.એસ.જી.હોસ્પિટલમા પંદર મિનિટ સુધી વીજપુરવઠો ખોરવાયો હતો.એસ.એસ.જી.હોસ્પિટલમા બુધવારે બપોરના ગરમીના સમયે વીજ પુરવઠો ખોરવાતા આઇસીયુ સહિતના વિભાગોમાં લાઇટો સહિતના વીજ ઉપકરણો બંધ થઇ જતાં વેન્ટિલેટર બંધ થયા હતા જેના કારણે વેન્ટિલેટર પરના દર્દીઓને માસ્ક પંપ વડે ઓક્સિજન આપવાની ફરજ પડી હતી. દર્દીઓ ની સાથે સાથે તેઓના સગાં તથા હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે પણ કામગીરી અટકી હતી જો કે દસ મિનિટ સુધી લાઇટ ન આવતા હોસ્પિટલમાં ઇમરજન્સી જનરેટર શરૂ કરવામાં આવ્યું હતું. પંદર મિનિટ બાદ વીજપુરવઠો ફરીથી યથાવત થતાં દર્દીઓ તથા સ્ટાફ સહિત સૌને રાહત જણાઇ હતી.
