મેઘાલયના રાજા રઘુવંશી હત્યા કેસમાં સોનમ રઘુવંશીના ભાઈ ગોવિંદ રઘુવંશી બુધવારે તેમના મૃત બનેવી રાજાના પરિવારને મળવા માટે ઇન્દોર પહોંચ્યો હતો. ગોવિંદે રાજાની માતા ઉમા દેવી સાથેની વાતચીતમાં પોતાની બહેન સોનમના કૃત્ય પર શરમ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ પોતે કેસ લડશે અને તેમની હત્યારી બહેનને ફાંસી અપાવશે.
ગોવિંદે ઉમા દેવીને કહ્યું હતું કે તેઓ ગાઝીપુર (ઉત્તર પ્રદેશ)માં સોનમને માત્ર બે મિનિટ માટે મળી શક્યા હતા. કારણ કે પોલીસ તેમને મળવા દેતી ન હતી. આ દરમિયાન ગોવિંદે તેની બહેન સોનમને પૂછ્યું, શું આ હત્યામાં તારો હાથ છે?, સોનમે પહેલા ઇનકાર કર્યો હતો, પરંતુ જ્યારે ગોવિંદે દબાણ કરીને કહ્યું કે ત્રણ કોન્ટ્રાક્ટ કિલર્સ આકાશ રાજપૂત, વિશાલ ઉર્ફે વિકી ઠાકુર અને આનંદ કુર્મી અને રાજ કુશવાહાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે, ત્યારે સોનમે પોતાની આંખો નીચી કરી અને ગોવિંદની આંખોમાં જોઈ શકી નહીં.
ગોવિંદે આગળ કહ્યું, મેં તેને બાળપણથી જોઈ છે. તેણે મારી સામે જે રીતે જોયું તેના પરથી મને ખબર પડી કે તે હત્યામાં સામેલ છે. ગુસ્સામાં ગોવિંદે સોનમને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેને રોક્યો.
રાજાની માતાનું નિવેદન
ઉમા દેવીએ મીડિયાને જણાવ્યું હતું કે, ગોવિંદ તેની બહેનના કૃત્યથી ખૂબ ગુસ્સે છે. તેણે કહ્યું કે તે સોનમને સજા અપાવવા માટે અમારી સાથે છે. ઉમાએ જણાવ્યું કે ગોવિંદ મંગળવારે ઇન્દોર પહોંચ્યો અને સીધો તેમના ઘરે આવ્યો. તેણે કહ્યું, અમે ગોવિંદને માફ કરી દીધો કારણ કે તેને કાવતરા વિશે કોઈ જાણકારી નહોતી. હવે અમે બધા સાથે મળીને સોનમ અને અન્ય હત્યારાઓને સજા અપાવીશું. ગોવિંદે વચન આપ્યું કે તે રાજાના પરિવાર સાથે મળીને ન્યાય માટે લડશે.
હત્યા અને કાવતરું
મેઘાલય પોલીસના ‘ઓપરેશન હનીમૂન’માં ખુલાસો થયો છે કે સોનમે 23 મેના રોજ શિલોંગના સોહરામાં રાજાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેણીએ તેના પ્રેમી રાજ કુશવાહા અને ત્રણ હત્યારાઓ સાથે મળીને રાજાને એકાંત સ્થળે લલચાવીને તેની હત્યા કરી દીધી હતી. પોલીસને 42 સીસીટીવી ફૂટેજ, લોહીથી લથપથ જેકેટ અને સોનમનો રેઈનકોટ જેવા પુરાવા મળ્યા છે. સોનમે 9 જૂને ગાઝીપુરમાં આત્મસમર્પણ કર્યું હતું.