SURAT

સુરતના લોકો ગજબ છે, બાયો ડાયવર્સિટી પાર્કમાં એન્ટ્રી ટિકિટ રાખવા સામેથી પાલિકાને સૂચન કર્યું, જાણો કેમ?

સુરત : સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં ૧૪૪ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત બાયોડાયવર્સિટી પાર્ક સ્વાસ્થ્ય પ્રેમીઓ અને સ્થાનિકો માટે મુખ્ય આકર્ષણ બન્યું છે. વિશાળ વોકવે, આકર્ષક વૃક્ષો અને છોડ મુલાકાતીઓને મોહિત કરી રહ્યા છે.

જો કે, ૮૭ હેક્ટરના વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલા આ પાર્કમાં ૧૫ જેટલા પ્રવેશદ્વાર હોવાથી જાળવણી પાલિકા તંત્ર માટે મોટો પડકાર બની રહે છે. આ મુદ્દે જાગૃત નાગરિકોએ મેયર અને સ્થાયી સમિતિ ચેરમેન સમક્ષ રજૂઆત કરીને આ પાર્કને જાળવણી માટે કોઇ સંસ્થાને સોંપવા અને વિનામૂલ્યે પ્રવેશને બદલે ટિકિટ રાખવા સામેથી સુચન કર્યુ છે.

  • મેયર-ચેરમેન સહિતના શાસકોની મુલાકાત દરમિયાન લોકો સામેથી કહેવા આવ્યા
  • લોકોએ કહ્યું બાયોડાવર્સિટી પાર્ક જાળવવો હોય તો ટિકિટ રાખજો
  • 145 કરોડના ખર્ચે 87 હેકટરમાં સાકાર થયેલા બાયોડાયવર્સિટી પાર્ક અસામાજિક તત્વોનો અડ્ડો ના બની જાય તેવી તકેદારી રાખવા શહેરીજનોએ સૂચનો આપ્યા

સોમવારે સવારે મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને ઝોન-વિભાગના અધિકારીઓએ બાયોડાયવર્સિટી પાર્કની રૂબરૂ મુલાકાત લીધી. તેમણે સાઇકલ સવારી દ્વારા પાર્કની વિશેષતાઓની જાણકારી મેળવી હતી.

આ દરમિયાન, ત્યાં આવેલા જાગૃત નાગરિકો અને સ્વાસ્થ્ય પ્રેમીઓએ પાર્કની જાળવણી માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મેયર અને ચેરમેનને જણાવ્યું હતું કે, હાલ પાર્કમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે, જેનાથી ભવિષ્યમાં જાળવણીના પ્રશ્નો ઊભા થઈ શકે છે.

શહેરના અન્ય ગાર્ડન અને પાર્કોમાં પણ મફત પ્રવેશને કારણે છોડ, રમતગમતના સાધનો અને અન્ય સુવિધાઓને બેજવાબદાર તત્વો દ્વારા નુકસાન કરા છે, અસામાજિક તત્વો પણ પડયા પાથર્યા રહે છે. તેથી ભારે જહેમતે બનેલા આ બાયોડાયવર્સિટી પાર્કની જાળવણી માટે યોગ્ય પગલાં જરૂરી છે.

તેમણે સૂચવ્યું કે, પાલિકાએ પ્રવેશ માટે ચાર્જ વસૂલવો જોઈએ, જેથી જાળવણીની મુશ્કેલી દૂર થાય અને મુલાકાતીઓમાં સજાગતાની ભાવના જાગે. આ ઉપરાંત, વિઝિટર પાસની જોગવાઈ પણ કરવામાં આવે. અત્રે ઉલ્લખનીય છે કે હાલ ૫૩ સુરક્ષાકર્મી તૈનાત છે, પરંતુ વિશાળ વિસ્તારને ધ્યાને લઈ ન્યૂનતમ ચાર્જ દ્વારા એક સંસ્થા કે ઇજારદારને જાળવણીની જવાબદારી સોંપવાથી પાર્કની રોનક અને આકર્ષણ અકબંધ રહેશે.

Most Popular

To Top