એક જમાનામાં આ શહેરમાં સાયકલની બોલબાલા હતી. આજીવિકા માટે સાયકલ સસ્તું અને સારું ઉત્તમ વાહન હતું. પ્રત્યેક વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં સાયકલનો ઉપયોગ કરતાં. શ્રમજીવી લોકો રોજીરોટી કમાવા માટે સાયકલ પર હેરાફેરી ફરીને રોજેરોજનું પોતાનું ગુજરાન ચલાવતા. એ સમય પર પુરુષો માટે 400 રૂા.થી 500 રૂા.માં હરક્યુલસ અને ફિલિપ્સ ન્યુ બ્રાન્ડ સાયકલ મળતી. મહિલાઓ માટે સાયકલ મળતી. ભૂલકાંઓ માટે ત્રણ પૈંડાંની સાયકલ મળતી. ધર્માદા સંસ્થાવાળા ગરીબ એવાં વિકલાંગો માટે મફતમાં સાયકલ વિતરણ કરતાં. આપણા શહેરના જાણીતા શ્રી યઝદીભાઈ કરંજીયા પોતાના શિક્ષણક્ષેત્રમાં જવા આવવા માટે સાયકલનો ઉપયોગ કરતા.
આ શહેરના રસ્તા સાંકડા હોવા છતાં ક્યારેય સાયકલ અકસ્માત થતા નહોતા. મને બરોબર યાદ છે અમારા વિસ્તારમાં યંગમેન નામની એક સાયકલની દુકાન હતી. એ દુકાનની ભાડાની સાયકલ એક કલાકના હિસાબે ચાર આને ભાડે મળતી. સાયકલની શારીરિક તંદુરસ્તી જળવાઈ રહેતી. શહેરમાં પ્રદૂષણ પણ થતું નહીં. કિલ્લાના મેદાનમાં 72 કલાકના સાયકલ પ્રયોગ થતા. મોતી ટોકીઝ પાસે એક સેન્ડો નામનો મજબૂત બાંધાવાળો માણસ સાયકલ પર દંતમંજન વેચતો. બચપનની આવી તો કંઈ કેટલીય યાદો આવે છે. ખેર, સાયકલસવારોને શુભેચ્છા સાથે સલામ.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અતિ સર્વત્ર વર્જયેત્
અતિરેકનો અર્થ થાય છે ખૂબ મોટા પ્રમાણમાં, ક્યાં તો જરૂર કરતાં વધારે. ઘણી વાર ક્રોધ પણ વધારે પ્રમાણમાં કરવામાં આવે તો નુકસાનકર્તા પુરવાર થાય છે અને આ ક્રોધના અતિરેકમાં તો માનવી માનવીનું ખૂન પણ કરી નાંખે છે તેવી જ રીતે આનંદનો અતિરેક પણ હાનિ પહોંચાડે છે. અમારે ત્યાં અમારી સોસાયટીની 25 વર્ષ પહેલાંની વાત કરું ત્યારે અમારા પડોશમાં રહેતા ભાઈ પોતાના ઘરમાં ટી.વી. સામે બેસીને ક્રિકેટની વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોતા હતા. અંતે ઈન્ડિયાની ટીમ જીતી ગઈ. આ જીતનો આનંદ એમનામાં એટલો બધો વધી ગયો કે એમને હાર્ટએટેક આવી ગયો અને એ ભાઈ દુનિયા છોડીને પ્રભુને પ્યારા થઈ ગયા. એટલે ક્રોધ અને આનંદના અતિરેક સાવ નકામા પુરવાર થયા છે. ફક્ત ક્રોધ અને આનંદનો જ અતિરેક હાનિકર્તા છે એવું નથી પરંતુ દરેક વસ્તુનો અતિરેક નુકસાનકર્તા જ હોય છે. દરેક વસ્તુ પ્રમાણમાં જ શોભે. એટલે જ કહ્યું છે ને કે અતિ સર્વત્ર વર્જયેત્.
સુરત – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.