Top News Main

નાસાનું પર્સવરન્સ રોવર મંગળ પર ઉતર્યું: ત્યાં જીવનના સંકેતોની શોધ કરશે

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાનું સૌથી મોટું અને સૌથી આધુનિક માર્સ રોવર, પર્સવરન્સ આજે સફળતાપૂર્વક મંગળના ગ્રહની ધરતી પર ઉતર્યું હતું જે આ લાલ ગ્રહ પર પ્રાચીન સૂક્ષ્મ જીવોના અસ્તિત્વના સંકેતોની શોધ કરશે.

અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ માર્સ ૨૦૨૦ મિશનને ગયા વર્ષે ૩૦ જુલાઇના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ફ્લોરિડાના કેપ કાર્નિવલ સ્પેસ ફોર્સ સ્ટેશન પરથી રવાના થયું હતું. અવકાશમાં 203 દિવસો સુધી 472 મિલિયન કિમીની મુસાફરી કરીને આ યાન મંગળના ગ્રહ સુધી સાડા છ મહિનાના સમયગાળા પછી પહોંચ્યું હતું અને આજે તેણે મંગળની ધરતી પર સલામત ઉતરાણ કર્યું હતું. આ યાનના ઉતરાણનું પ્રસારણ પ્રમુખ જો બિડેન વ્હાઇટ હાઉસમાં બેસીને જોઇ રહ્યા હતા અને સફળ ઉતરાણની જાહેરાત થતાં જ તેમણે નાસાની ટીમને અભિનંદન આપ્યા હતા અને ટ્વીટર પર ટ્વીટ કરીને આને એક ઐતિહાસિક બાબત ગણાવી હતી.

2.2 અબજ ડૉલરનું આ રોવર કારના કદ જેટલું, 3.5 અબજ વર્ષો અગાઉ સરોવર હતું એ ખાડામાં જીવન શોધશે

એક મોટર કારના કદનું, 1026 કિલો વજનનું અને 2.2 અબજ ડૉલરનું રોવર કેટલીક ચકાસણીઓમાંથી પસાર થયા બાદ હવે મંગળના ગ્રહ પર પ્રાચીન સમયમાં કોઇ સૂક્ષ્મ જીવોનું અસ્તિત્વ હતું કે કેમ તેના સંકેતો અને અવશેષોની તપાસ કરશે. તે મંગળના ગ્રહ પરથી સેમ્પલો ભેગા કરશે અને બે મહિનાની તપાસ પછી પૃથ્વી પર પરત ફરશે. 3.5 અબજ વર્ષો અગાઉ જ્યાં સરોવર હોવાનું મનાય છે ત્યાં જીવન શોધશે. આનાથી ભવિષ્યની સમાનવ મંગળ યાત્રાઓનો માર્ગ પણ મોકળો થવાની આશા છે.

ઉતરાણની કટોકટીની ક્ષણો
દરેક અવકાશયાનનું ગ્રહ પર ઉતરાણ થવાનું હોય છે તે ક્ષણો ભારે કટોકટી અને ઉત્તેજનાની હોય છે અને તેવું જ આ પર્સવરન્સ યાનની બાબતમાં પણ બન્યું હતું. તે મંગળના વાતાવરણમાં પ્રવેશ્યું તે પછીની સાત મિનિટો ત્રાસની હતી એમ નાસાના એક અધિકારીએ જણાવ્યું હતું. ક્યુરિયોસિટી યાનની માફક આ યાનના પણ ઉતરાણ માટે પેરાશૂટ પદ્ધતિ અપનાવવામાં આવી હતી અને મુખ્ય યાનમાંથી જુદુ થયેલું રોવર નાયલોનના દોરડાઓ વડે પેરાશૂટ પર લટક્યું હતું અને ધીમે રહીને સલામત ઉતરાણ કર્યું હતું.

નાસાના માર્સ રોવરના લેન્ડિંગમાં ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક સ્વાતી મોહને મહત્વની ભૂમિકા ભજવી
અમેરિકાનું રોવર પર્સવરન્સ જેવું લાખો માઇલ દૂર મંગળની સપાટી પર ઉતર્યું કે અમેરિકી અવકાશ એજન્સી નાસાના કન્ટ્રોલ રૂમમાં એક નારી સ્વર ગુંજી ઉઠ્યો: ટચડાઉન કન્ફર્મ્ડ! આ અવાજ હતો ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક સ્વાતી મોહનનો, જેમણે અમેરિકાના આ મંગળ મિશનના ગાઇડન્સ, નેવિગેશન અને કન્ટ્રોલ ઓપરેશનોમાં આગેવાની લીધી હતી અને ફ્લાઇટ ઓપરેટર તરીકે તેમણે આ યાનના મંગળ પર ઉતરાણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ યાન મંગળની ધરતી પર ઉતર્યું તેની સૌપ્રથમ જાહેરાત સ્વાતી મોહને કરી હતી. ટચડાઉન કન્ફર્મ્ડ! પર્સવરન્સ મંગળની સપાટી પર સલામત રીતે ઉતર્યું છ, અને તે હવે ભૂતકાળના જીવનના સંકેતો શોધવા માટે તૈયાર છે એવી તેમણે જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાત સાથે નાસાના કન્ટ્રોલ રૂમમાં તેમના સાથીદારો ખુશીથી ઉછળી પડ્યા હતા. સ્વાતી મોહનની એક વાત ભારતીયોને આકર્ષી રહી છે તે એ કે તેમણે કન્ટ્રોલ રૂમમાં પણ કપાળે બિંદી લગાડી હતી. ભારતીયો ટ્વીટર પર સ્વાતી મોહનના બિંદી સાથેના ફોટાઓ ટ્વીટર પર શેર કરી રહ્યા છે અને બિંદીને કન્ટ્રોલ રૂમમાં પણ લઇ જવા માટે વખાણ કરી રહ્યા છે.

સ્વાતી મોહન માત્ર એક વર્ષના હતા ત્યારે કુટુંબ સાથે અમેરિકા જતા રહ્યા હતા અને ત્યાં જ ઉચ્ચ અભ્યાસ કરીને ડૉ. સ્વાતી મોહન બન્યા. તેઓ હાલ તો નાસાના એક અગ્રણી વૈજ્ઞાનિક બની ગયા છે તથા અનેક કામગીરીઓમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top