વડોદરા:
અત્યારના સમયમાં સીસીટીવી કેમરા સામાન્ય રીતે સલામતી માટે રાખવા એ એક તાતી જરુરીયાત છે, તેમજ એક અનિવાર્ય પ્રકારનું સુરક્ષા સ્તર પણ છે ,પરંતુ જો આજ સુરક્ષાને જ જો કોઈ ભેદી દે અને કોઈની અંગત બાબતને જયારે જાહેર ડોમેઈન પર મૂકી દેવામાં આવે તો તે બાબત ખૂબ જ ભયાનક બની જાય છે,ત્યારે એક પ્રશ્ન એ ઉદ્દભવે કે સીસીટીવી કેમરાને સુરક્ષીત કેવી રીતે કરવા, જયારે તે ઈન્ટરનેટ સાથે જોડાયેલ હોય ત્યારે.
સીસીટીવી હેક કરવા માટે હેકરો ધ્વારા ઉપયોગમાં આવતી વિવિધ પધ્ધતિઓ :
(1) બ્રુટ ફોર્સ એટેક
(2) મેન એન મીડલ એટેક
(3) બેકડોર એટેક
(4) ફીશીંગ એટેક
(5) સોશ્યિલ એન્જિનિયરિંગ એટેક
(6) માલવેર એટેક
મીરાઈ નામના માલવેરનો ઉપયોગ :
અત્યારના સમયમાં સીસીટીવી હેક કરવા માટે મીરાઈ નામના માલવેરનો ઉપયોગ આખા વિશ્વમાં થઈ રહયો છે, જેનું મુખ્ય કાર્ય જે આઈ ઓ ટી ડિવાઇસ સુરક્ષા શૃંખલામાં નબળા હોય તેના આઈ પી સરનામાં ને સતત સ્કેન કરે છે, અને પછી તે ડિવાઇસને બોટ્સમાં ફેરવે છે ,પછી તે ડિવાઇસનો ઉપયોગ મોટા પાયે નેટવર્ક હુમલાઓ માટે બોટનેટના ભાગ રૂપે હેકરો કરતા હોય છે, વધુમાં આવા પ્રકારના હુમલાઓ શોધવા ઘણીવાર મુશ્કેલ બની જાય છે.
સીસીટીવી કેમરા હેક થયેલા હોય ત્યારે સામાન્ય રીતે પાંચ પ્રકારના જોવા મળતા સંકેતો :
(1) લોગ માં એવા પબ્લિક આઈ.પી જોવા મળે ,જેને આપણે અધિકૃત કરી શકતા નથી અથવા ઓળખી શકતા નથી તો.
(2) નેટવર્ક ટ્રાફીક ને મોનીટર કરતા તેમાં અસાધારણ વધારો જોવા મળે તો.
(3) કેમેરા ઈન્ડિકેટરની લાઈટ સતત ઝબ્ક્યા કરે અથવા ફ્લેશ થાય તો.
(4) લોગીન થવામાં જો મુશ્કેલી થાય તો.
(5) જો તમને તમારા સીસીટીવી કેમેરામાંથી કોઈ વિચિત્ર અવાજ આવતો સંભળાય,
સીસીટીવી કેમરા ને સલામત કરવા માટે ત્રણ બાબત મહત્વની બની જાય છે
(1) કેમેરાની સુરક્ષા માટેના પગલાંઓ
કેમરાના ડિફોલ્ટ યૂઝરનેમ અને પાસવર્ડ ને હંમેશા બદલતા રહેવું જોઈએ, મજબૂત અને અનન્ય પાસવર્ડનો ઉપયોગ કરો, વધુમાં પાસવર્ડ ને નિર્ધારીત કરવા માટે પાસવર્ડ માટેની માર્ગદર્શિકાનું પાલન કરવું અત્યંત જરુરી છે,અને સાથે એ બાબતનું પણ ધ્યાન રાખવું કે સીસીટીવી કેમરાના પાસવર્ડ માત્ર એક જ વ્યકિતના નિયંત્રણમાં હોય.
* ફર્મવેર અપડેટ્સ કરવી જરુરી હોય છે,તેનાથી હેકરો માટે અપડેટેડ ફર્મવેર કેમરાઓને હેક કરવા મુશ્કેલ બની જાય છે,સીસીટીવી કેમરાના ઉત્પાદકો સુરક્ષા નબળાઈઓને મજબૂત કરવા માટે જ અપડેટ્સ રિલીઝ કરતા હોય છે,વધુમાં એ બાબતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ.ફર્મવેર એ એક પ્રકારનું હાર્ડવેરને ચલાવવા માટેનું સોફ્ટવેર છે.ફર્મવેરને માટે ઓટો અપડેટ વિકલ્પ જો ઉપલબ્ધ હોય તો તેને પણ ઓન રાખવો અત્યંત જરુરી છે જેનાથી ફર્મવેર ઓટો અપડેટ થઈ જાય.
* તમારા રાઉટર પર યુનિવર્સલ પ્લગ એન્ડ પ્લે (યુ પી એન પી ) જેવી સુવિધાઓ ડીસેબલ કરવી અત્યંત જરુરી છે, કારણકે તે સુરક્ષા જોખમો પેદા કરી શકે છે.
જો તમને સીસીટીવી ના રિમોટ એક્સેસની જરૂર ન હોય, તો તેને પણ ડીસેબલ કરો. પરંતુ જો તમને સીસીટીવી ના રિમોટ એક્સેસની જરૂર હોય, તો સુરક્ષા પદ્ધતિઓનો ઉપયોગ કરવો અત્યંત જરુરી છે.
* એ બાબતની પણ ખાતરી કરો કે તમારા કેમેરા અને રેકોર્ડિંગ સિસ્ટમના વિડિઓ અને ડેટા ટ્રાન્સમિશન માટે એન્ક્રિપ્શન પધ્ધતિનો ઉપયોગ કરે છે કે કેમ,અને હંમેશા એચ ટી ટી પી એસ અને તેના જેવા સુરક્ષિત પ્રોટોકોલનો જ ઉપયોગ કરવો હિતાવહ છે, તે બાબત ને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.
* જો સીસીટીવી કેમેરા સિસ્ટમ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન લાક્ષણિક્તાને સપોર્ટ કરે છે, તો તેને પણ એનેબલ કરો , જે સીસીટીવી કેમેરાને એક વધારાનું સુરક્ષા સ્તર ઉમેરે છે.
(2) તમારા નેટવર્કને સુરક્ષિત કરો :
તમારા વાઈ -ફાઈ નેટવર્ક માટે એક જટિલ, અનન્ય પાસવર્ડનો ઉપયોગ કરો,વધુમાં વાઈ -ફાઈ નેટવર્ક માટે “ડબ્લ્યુ પી એ 2” અથવા “ડબ્લ્યુ પી એ 3” એન્ક્રિપ્શન આવશ્યક છે.
* ડિફોલ્ટ વાઈ -ફાઈ નેટવર્કનું નામ બદલો.
* ડિફોલ્ટ રાઉટર યૂઝર નેમ અને પાસવર્ડ બદલો.
* તમારા રાઉટરના ફર્મવેરને અપડેટ રાખો.
* રાઉટરના ફાયરવોલને એનેબલ કરો.
* તમારી સીસીટીવી કેમરા સિસ્ટમ સિવાયના ઉપકરણો માટે એક અલગ ગેસ્ટ નેટવર્ક બનાવવાનું વિચારો અથવા જો તમારા વાઈ-ફાઈ નેટવર્ક પરના અન્ય ઉપકરણો સાથે ચેડા થાય અથવા તેના પર સાઈબર એટેક થાય તો સીસીટીવી પર પણ તેની અસર થાય , તે અસર ને ઘટાડવા માટે તમારા સીસીટીવી કેમરા સિસ્ટમને નેટવર્ક સેગમેન્ટ થકી અલગ કરો.
3. નિયમિત અંતરાલ પર સીસીટીવીના લોગની સમીક્ષા કરો:
નિયમિત અંતરાલ પર સીસીટીવી ના લોગની સમીક્ષા કરવી અત્યંત જરુરી છે, કારણકે તેનાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે સીસીટીવી યોગ્ય રીતે કામ કરી રહયું છે કે નહીં સાથે જ તપાસ દરમ્યાન જો કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો ત્વરીત જ યોગ્ય પ્રકારની સુરક્ષા માપદંડ લાગુ પાડી શકાય છે.
મયુર ભુસાવળકર
(સાઈબર એક્સપર્ટ)