કોલંબિયાના સેનેટર મિગુએલ ઉરીબે ટર્બે પર તા.7જૂન 2025ના રોજ શનિવારે ગોળીબાર થયો હતો. આ ઘટના રાજધાની બોગોટા નજીક ફોન્ટીબોનમાં બની હતી. ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય મિગુએલ એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા ત્યારે સશસ્ત્ર લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.
કોલંબિયાના રાષ્ટ્રપતિએ આ હુમલાની તપાસ કરવા આદેશ આપ્યો છે.જોકે, ગોળી માર્યા પછી મિગુએલની હાલત કેવી છે? આ અંગે અધિકારીઓ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
39,વર્ષીય મિગુએલ ઉરીબે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અલ્વારો ઉરીબે દ્વારા સ્થાપિત વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે. ડેમોક્રેટિક પાર્ટીએ પણ તેના સાંસદ પરના હુમલાની નિંદા કરી છે.
માથા અને પગમાં ત્રણ ગોળી વાગી : સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ, ગોળીબારમાં મિગુએલને ત્રણ ગોળીઓ વાગી હતી. બે ગોળી માથાના ભાગમાં અને ત્રીજી ગોળી પગમાં વાગી હતી. માથામાં ગોળી વાગવાને કારણે હાલત ગંભીર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પાછળથી થયો હુમલો: ડેમોક્રેટિક પાર્ટીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “મિગુએલ શનિવારે રાજધાનીથી થોડે દૂર ફોન્ટીબોનના પાર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, ત્યારે કેટલાક સશસ્ત્ર માણસોએ તેમને પાછળથી ગોળી મારી દીધી હતી “
રાષ્ટ્રપતિએ તપાસના આદેશ આપ્યા: પાર્ટીએ આ હુમલાના બનાવને ગંભીરતાથી લીધો છે. પાર્ટી સહિત કોઈપણ અધિકારીએ મિગુએલની સ્થિતિ વિશે કંઈપણ કહ્યું નથી. કોલંબિયાના રાષ્ટ્રપતિએ એક નિવેદન જારી કરીને હુમલાની તપાસના આદેશ આપ્યા છે.
પૂર્વ ઇતિહાસ: માતાની હત્યા થઈ હતી: તમને જણાવી દઈએ કે મિગુએલની માતા, પત્રકાર ડાયના ટર્બેનું 1991માં પાબ્લો એસ્કોબારના મેડેલિન કાર્ટેલ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, ડાયનાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણીની હત્યા કરી દેવામાં આવી હતી.