Vadodara

નોકરી પરથી ઘરે જતા યુવકની બાઇક વડસર બ્રિજ પર ડિવાઈડરના થાંભલા સાથે અથડાતા મોત

*વડસર બ્રિજ પર મોડી રાત્રે નોકરી પરથી ઘરે જતા યુવકે મોટરસાયકલ બુલેટ પરનો કાબૂ ગુમાવતા મોત નિપજ્યું*

*વડસર બ્રિજ પર ડિવાઇરના થાંભલા સાથે અથડાતાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી*


(પ્રતિનિધિ) વડોદરા તા.

ગઈ રાત્રે મકરપુરા જીઆઈડીસીમાં ફરજ બજાવી મોડી રાત્રે અઢી વાગ્યે પરત મોટરસાયકલ બુલેટ પર ઘરે જતા યુવકે બુલેટ મોટરસાયકલ પરનો કાબુ ગુમાવતા વડસર બ્રિજ પરના ડિવાઇડર વચ્ચે વીજ પોલ સાથે અથડાતાં શરીરના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને 108 મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું સમગ્ર મામલે માંજલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માંજલપુર વિસ્તારમાં અલવાનાકા,કોતરતલાવડી સ્થિત તુલજાનગર -2 માં મૂળ આણંદના ગણેશ ચોકડી સ્થિત શ્રીનાથજી પાર્ક સોસાયટીના કિશન મહેન્દ્રભાઇ ગોહેલ પોતાના ભાઇ વિશાલ અને ભાભી સાથે છેલ્લા ત્રણ મહિનાથી ભાડે રહેતા હતા અને બંને ભાઇઓ મકરપુરા જીઆઈડીસીમાં શેડ નં.974/3 રોનક રેડિયેટર નામની કંપનીમાં ફરજ બજાવતા હતા. વિશાલના નામે રોયલ એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -23-ઇસી-3665 નો ઉપયોગ બંને ભાઇઓ જોબ પર જવા આવવા તથા અંગત રીતે કરતા હતા. કિશન ગોહેલ રાત્રે આશરે નવેક વાગ્યે કંપનીમાં નોકરી જવા માટે બુલેટ મોટરસાયકલ પર ગયો હતો અને શુક્રવારની રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ કંપનીમાંથી પોતાની ફરજ પરથી છૂટીને ઘરે જવા માટે નિકળ્યો હતો. તે દરમિયાન સુશેન સર્કલ તરફથી વડસર બ્રિજ પર આશરે અઢી વાગ્યે બુલેટ મોટરસાયકલ પરથી કાબૂ ગુમાવતા રોડ વચ્ચેના ડિવાઇડરમા વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બનાવને પગલે રાહદારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત કિશન ગોહેલને એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ 03:20 કલાકે મૃત જાહેર કર્યો હતો અને બુલેટ નંબર પરથી તપાસ કરી સમગ્ર મામલે મૃતકના ભાઇને જાણ કરતાં વિશાલ ગોહેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top