વલસાડઃ વલસાડ શહેરમાં આજે શનિવારે તા. 7મી જૂનના રોજ COVID-19 નો એક નવો પોઝિટિવ કેસ નોંધાયો છે. તિથલ રોડ પર શાંતિનિકેતન સોસાયટી ખાતે રહેતી 32 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ તાજેતરમાં અમદાવાદ મુસાફરી કરી આવ્યા છે અને હાલ તેઓ હોમ આઇસોલેશનમાં છે.
આજના આ નવા કેસ સાથે વલસાડ જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 8 થઈ ગઈ છે. જેમાંથી અત્યાર સુધીમાં 4 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. હાલ 4 સક્રિય કેસો છે, જેમાંથી 1 દર્દી હોસ્પિટલમાં દાખલ છે જ્યારે 3 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે.
આરોગ્ય વિભાગ દ્વારા ફરીથી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોને સાવચેતી જાળવવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સૂચના અપાઈ છે.
કોરોનાના કેસોની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે અને તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે સૌથી પહેલા વાપી વિસ્તારમાં એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ મેડિકલ કોલેજના ત્રણ ડોક્ટર્સ વાયરસના શિકાર બન્યા હતા. એક ગર્ભવતી મહિલા પણ કોરોનાનો શિકાર બની હતી.
જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી કોરોના સંક્રમણ ન વધે તે માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને જનતાને પણ વિનંતીY કરવામાં આવી છે કે તેઓ સ્વસ્થ્ય રહેવા માટે સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરે.