Columns

ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચેના સુપરહિટ મુકાબલામાં કોની જીત થશે?

અમેરિકાના બે બળિયા ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક હવે બાથે વળગ્યા છે. દુનિયાના સૌથી તાકાતવાન દેશના રાષ્ટ્રપતિ અને દુનિયાના સૌથી શ્રીમંત ઉદ્યોગ સાહસિક વચ્ચેનું હનિમૂન પૂરું થયું છે અને ડિવોર્સ પછીનો તણાવ વધી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તે પછી તેમણે મોટે ઉપાડે એલોન મસ્કને સરકારના ખર્ચા ઘટાડવાની મોટી જવાબદારી સોંપી હતી. એલોન મસ્કે ખર્ચા ઘટાડવાના નામે એવો સપાટો બોલાવ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ જે જમીન પર ઊભા હતા તે જમીન જ ધ્રૂજવા લાગી હતી.

વધુ નુકસાન થાય તે પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કની ટાઢા પાણીએ ખસ કાઢી હતી, પણ મસ્ક હવે બે રતલ માંસ માગી રહ્યા છે. ૧૩૦ દિવસ સરકારમાં રહીને એલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પનાં કેટલાંક એવાં રહસ્યો જાણી ગયા છે, જેનો ઉપયોગ કરીને તેઓ ટ્રમ્પને પોતાની હથેળી પર નચાવી શકે છે, એમ તેઓ માને છે પણ ટ્રમ્પ પણ ઓછી માયા નથી. એલોન મસ્ક તેમની પર હુમલો કરે તે પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે પહેલો ઘા રાણાનો સમજીને સરકારની નીતિમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દીધી છે, જેને કારણે મસ્કની કંપનીના શેરોના ભાવો ગગડી ગયા છે. સોશ્યલ મિડિયામાં તો ટુચકા વહેતા થઈ ગયા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે યુદ્ધવિરામ કરાવી શકે તેવી ક્ષમતા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં જ છે.

જો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક અને વિશ્વના સૌથી શક્તિશાળી નેતા ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગંભીર સંઘર્ષ થાય તો શું થશે? આખી દુનિયા હવે આ તમાશો જોઈ રહી છે અને આ કોઈ સુંદર ચિત્ર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક પાસે સૌથી મોટા સોશ્યલ મિડિયા મેગાફોન છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે ટ્રુથ નામનું સાધન છે તો એલોન મસ્ક પાસે X છે. તેનો ઉપયોગ કરીને બંનેએ એકબીજા પર નિશાન સાધ્યું છે.

બંને વચ્ચેનો મતભેદ હવે ખુલ્લા શબ્દયુદ્ધમાં ફેરવાઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કના ફેડરલ સરકાર સાથેના મોટા વ્યાપારિક સોદાઓને રદ કરવાની ધમકી આપી છે, જે તેમના સ્પેસએક્સ કાર્યક્રમોની જીવનરેખા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સોશ્યલ મિડિયા વેબસાઇટ પર લખ્યું કે જો આપણે બજેટમાં પૈસા બચાવવા માંગતા હોઈએ તો સૌથી સહેલો રસ્તો એ છે કે એલોન મસ્કને મળતી અબજો ડોલરની સબસિડીનો અંત લાવી દેવામાં આવે. આ શબ્દયુદ્ધ એકતરફી નહોતું. ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા પછી મસ્કે ટ્રમ્પ સામે મહાભિયોગની માંગણી કરી છે. મસ્કે કહ્યું કે ટ્રમ્પે તેમની કંપનીઓના ભંડોળમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

આમ કરવા દ્વારા મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર સીધો આક્ષેપ કર્યો છે કે તેઓ રાષ્ટ્રપતિના હોદ્દાનો ઉપયોગ પોતાના વેપારી હિતોને આગળ વધારવા માટે કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવા માટે મસ્ક પાસે અમર્યાદિત દારૂગોળો છે. આમાં આગામી વર્ષની ચૂંટણીઓમાં અને પ્રાઇમરીમાં બળવાખોર રિપબ્લિકન ઉમેદવારોને ભંડોળ પૂરું પાડવા જેવા વિકલ્પોનો સમાવેશ થાય છે. ગુરુવારે તેમણે કહ્યું કે તેઓ શાબ્દિક રીતે એક મોટો બોમ્બ ફેંકી રહ્યા છે. એલોન મસ્કે કોઈ પણ પુરાવો આપ્યા વિના દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સેક્સ અપરાધી જેફરી એપસ્ટેઇન (એપસ્ટેઇન હવે મૃત્યુ પામ્યા છે) સંબંધિત ફાઇલમાં સામેલ હતું.

આ સુપરહિટ મુકાબલો ગયા અઠવાડિયે ધીમે ધીમે શરૂ થયો અને પછી બુધવારે તે ઉગ્ર બન્યો હતો. ગુરુવારે બપોરે આખી દુનિયાએ ઓવલ ઓફિસમાં આ મુકાબલો જોયો. તે દિવસે જર્મનીના નવા ચાન્સેલર ફ્રેડરિક મેર્ટ્ઝ ઓવલ ઓફિસની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક હતાશ પ્રેમી જેવા દેખાતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કના પ્રચારનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો કે જો તેમને મસ્ક પાસેથી લાખો ડોલર ન મળ્યા હોત તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા હોત.

તેમણે કહ્યું કે મસ્કે હવે પોતાનો સૂર બદલી નાખ્યો છે કારણ કે રિપબ્લિકન પાર્ટી દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ક્રેડિટ સમાપ્ત કરવાના પ્રયાસથી તેમની કાર કંપની ટેસ્લાને નુકસાન થશે. મસ્કે સોશ્યલ મિડિયા સાઇટ પરના તેમના ૨૨ કરોડ ફોલોઅર્સને જનરેશન-X શૈલીમાં લખ્યું કે તેમને કાર સબસિડીની પરવા નથી. તેઓ દેશ પરનું દેવું ઘટાડવા માંગતા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો તેમણે છેલ્લી ચૂંટણીમાં ટ્રમ્પને ટેકો ન આપ્યો હોત તો ડેમોક્રેટ્સ ચૂંટણી જીતી ગયા હોત. પછી મસ્કે બપોર દરમ્યાન સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ પર અભૂતપૂર્વ હુમલાઓ શરૂ કર્યા અને ઝઘડો ચાલુ રહ્યો હતો. આ બે મહાન વ્યક્તિત્વો ક્યારે અને કેવી રીતે ટકરાશે તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. 

ગયા અઠવાડિયે જ્યારે મસ્કે ખાસ સરકારી કર્મચારી તરીકેનો ૧૩૦ દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો ત્યારે તેમને ઓવલ ઓફિસમાં ભવ્ય વિદાય આપવામાં આવી હતી. આમાં તેમને વ્હાઇટ હાઉસની સોનાની ચાવી આપવામાં આવી હતી. આ એક સંકેત હતો કે મસ્ક ગમે ત્યારે વ્હાઇટ હાઉસ પરત ફરી શકે છે. જો કે, આવા કોઈ પણ આમંત્રણને હવે રદ કરવામાં આવ્યું છે અને વ્હાઇટ હાઉસનાં તાળાંઓ પણ બદલાઈ ગયાં  છે. કેટલાંક લોકો માનતાં હતાં કે બુધવારે રાત્રે ટ્રમ્પ દ્વારા અનેક દેશોનાં લોકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત, હાર્વર્ડ પર વધારાના પ્રતિબંધો અને જો બિડેન સામે તપાસ મસ્કની ટીકા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ હતો.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સંઘર્ષ આગળ કઈ દિશામાં જશે. એલોન મસ્કનાં સતત નિવેદનો વચ્ચે કોંગ્રેસમાં રિપબ્લિકન નેતાઓ માટે ડોનાલ્ડ ટ્રમ્પના ફાઈનાન્સ બિલને ટેકો આપવો મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને જ્યારે મસ્ક તેનો વિરોધ કરનારાંઓને નાણાંકીય સુરક્ષા પણ પૂરી પાડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાંથી જ ચેતવણી આપી છે કે તેઓ મસ્ક સાથેના સરકારી કરારો સમાપ્ત કરશે. તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીમાં મસ્કના ભૂતપૂર્વ સાથીદારોને નિશાન બનાવી શકે છે અથવા જો બિડેનના પ્રમુખપદ દરમિયાન મસ્કની કંપનીઓના વ્યવહારોની તપાસ ફરીથી ખોલી શકે છે. હાલમાં, તેમની પાસે બધા વિકલ્પો ઉપલબ્ધ છે. દરમિયાન, બંને વચ્ચે ચાલી રહેલા રોમાંચક મુકાબલા પર નજર રાખતા ડેમોક્રેટિક સેનેટરો હજુ પણ કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે નક્કી કરી શકતા નથી.

બહુ ઓછા ડેમોક્રેટ નેતાઓ મસ્કને તેમના કેમ્પમાં પાછા આવકારવા માંગે છે. મસ્ક અગાઉ ડેમોક્રેટિક પાર્ટીના દાતા રહ્યા છે, પરંતુ એક જૂની કહેવત છે કે દુશ્મનનો દુશ્મન મિત્ર હોય છે. હાલ પૂરતું એવું લાગે છે કે ડેમોક્રેટો આ મુદ્દા પર મૌન રહેવા માંગે છે અને બંને વચ્ચેનો મુકાબલો જોવા માગે છે. જ્યાં સુધી બંને વચ્ચેનો આ સંઘર્ષ શાંત ન થાય ત્યાં સુધી અમેરિકન રાજકારણમાં બાકીનું બધું ઢંકાઈ જશે. એવી અપેક્ષા રાખવી જોઈએ નહીં કે આ સંઘર્ષ જલ્દી સમાપ્ત થઈ જશે. આ વાતનો સંકેત આપતાં મસ્કે લખ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે રાષ્ટ્રપતિ તરીકે સાડા ત્રણ વર્ષ બાકી છે, પરંતુ મારી પાસે હજુ ૪૦ વર્ષથી વધુ સમય બાકી છે.

નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પછીના મહિનાઓમાં ટેસ્લાના શેરમાં ઉછાળો આવ્યો કારણ કે રોકાણકારોને ખાતરી થઈ ગઈ હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સૌથી મોટા નાણાંકીય સહાયક ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક માટે મોટા પાયે લાભ કરવાના છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ મસ્કનાં ઘણાં વ્યાવસાયિક હિતોને પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે. ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના ખૂબ જ ખરાબ અને જાહેર ઝઘડા પછી ગુરુવારે ટેસ્લાના શેર ૧૪% ઘટ્યા તેનું એક કારણ નુકસાનનું જોખમ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક વચ્ચેના સંઘર્ષને કારણે ફક્ત ટેસ્લા જ જોખમમાં મુકાઈ શકે છે તેમ નથી.

એલોન મસ્કની બીજી કંપની સ્પેસએક્સ તેની આવકના નોંધપાત્ર હિસ્સા માટે સરકારી કરારો પર આધાર રાખે છે અને ટેસ્લા, સ્પેસએક્સ અને મસ્કની અન્ય કંપનીઓ, જેમાં સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની XAI અને બ્રેઈન કમ્પ્યુટર ઇન્ટરફેસ કંપની ન્યુરાલિંકનો સમાવેશ થાય છે. તે બધી કંપનીઓ સરકારના નિયમનનો સામનો કરી શકે છે. આ ઉપરાંત મસ્કને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન જેવી એજન્સીઓ તરફથી તેમની પોતાની પ્રવૃત્તિઓની સંભવિત તપાસનો સામનો કરવો પડી રહ્યો છે, જે કંપની માટે તેમની ટેકઓવર બિડ શરૂ કરતાં પહેલાં X માં તેમનો પ્રારંભિક હિસ્સો ખરીદતી વખતે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું કે કેમ તેની તપાસ ચાલી રહી છે. એલોન મસ્કે બહુ મોટું જોખમ ઉઠાવ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top