Comments

કડી અને વિસાવદરની પેટાચૂંટણીનું મહત્ત્વ

ગુજરાતમાં વરસાદ કરતાં પણ ધારાસભાની બે પેટા ચૂંટણીની બહુ ચર્ચા છે. કડી અને વિસાવદર બન્ને બેઠકો ભાજપને જીતવી છે અને એ માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આપને વિસાવદરમાં જીતવું છે કારણ કે, અહીં એમના ધારાસભ્યે ચૂંટાયા બાદ પાટલી બદલી હતી અને કોંગ્રેસની બંને બેઠકો પર સ્થિતિ નબળી છે અને હા, આ બંને બેઠકોનાં પરિણામો બાદ ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી અને મંત્રીમંડળનું વિસ્તરણ જે અટકી પડેલું છે એ થવાની પૂરી શક્યતા છે.

કડી બેઠક ભાજપના રાજેન્દ્ર ચાવડા લડે છે અને સામે કોંગ્રેસના રમેશ ચાવડા અને આપના જગદીશ ચાવડા લડી રહ્યા છે. ભાજપ માટે હકારાત્મક વાતાવરણ છે અને અહીં નીતિન પટેલ સક્રિય છે. ભલે એ બેઠકના પ્રભારી નથી પણ એ મહેનત કરી રહ્યા છે. એમના રાજકીય વજનનો પણ પ્રશ્ન છે. બીજી બાજુ કોંગ્રેસમાં ઘણી બધી સમસ્યા છે. જીગ્નેશ મેવાણીએ પ્રભારી બનવાની ના પાડી. એ નારાજ છે. ગેનીબહેન ઠાકોરને હવાલો સોંપાયો છે. આપ વિસાવદરમાં જેટલા બળથી લડે છે એટલો ઉત્સાહ કડીમાં દેખાતો નથી.

કડી કરતાં પણ બધાની નજર વિસાવદર પર મંડાયેલી છે. કારણ કે, અહીં મુખ્ય જંગ ભાજપ અને આપ વચ્ચે છે. બંને માટે આ બેઠક મહત્ત્વની છે, પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. કારણ એ છે કે, કેશુભાઈ પટેલ પછી અહીં ભાજપનો ઉમેદવાર ક્યારેય જીત્યો નથી. ૧૮ વર્ષથી આ બેઠક ભાજપને મળી નથી. એટલે આ બેઠક જીતવા ભાજપ તત્પર છે અને એટલે જ એમણે ગઈ ચૂંટણીમાં જીતેલા ભૂપત ભાયાણીને પલોટી લીધા અને સામે લડેલા કોંગ્રેસના હર્ષદ રાબડિયાને પણ પડખામાં લીધા છે.

જો કે, આ બંનેમાંથી કોઈને ટિકિટ ના આપી કિરીટ પટેલ પર પસંદગી ઢોળી છે. કિરીટ પટેલ આ વિસ્તારના સહકારી આગેવાન છે. આર્થિક રીતે જોરૂકા છે અને પ્રદેશ નેતાગીરી સાથે સંબંધ ધરાવે છે. પૂર્વ મંત્રી જયેશ રાદડિયા પ્રભારી બન્યા છે અને એ ખરા અર્થમાં મહેનત કરી રહ્યા છે અને ભાજપમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ અહીં જીત્યો તો રાદડિયાને મંત્રીપદ જરૂર મળશે. હા, ભાયાણી અને રાબડિયા નારાજ હોય એ સ્વાભાવિક છે પણ એમને ચૂપ કરતાં ભાજપને આવડે છે.

બીજી બાજુ, આપે ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઊતાર્યા છે. સુરતમાં ઈટાલિયા હાર્યા હતા પણ અહીં એમની પસંદગી બહુ વહેલી થઇ ગઈ અને એમણે ગ્રાઉન્ડ વર્ક કરી લીધું છે. ભાયાણી અહીં આપમાંથી ચૂંટાયા અને પછી ભાજપમાં ગયા એટલે આપની ઈમેજને અસર થઇ. એ અસર ભૂંસવી જરૂરી છે અને અરવિંદ કેજરીવાલ અને આતીશી જેવાં આપના ટોચનાં નેતા ઉમેદવારી નોંધાવતી વેળા હાજર રહ્યા અને હજુય આવવાના છે. એ જ રીતે ભાજપના ટોચના નેતાઓ સક્રિય છે, મુખ્યમંત્રી એક વાર આવ્યા અને બીજી વાર આવવાના છે. કોંગ્રેસ જાણે ચિત્રમાં નથી એવું ચિત્ર ઉપસ્યું છે. ઉમેદવાર નીતિન રાણપરિયા સારી છબી ધરાવે છે અને ત્રણેયમાં એ એક જ સ્થાનિક ઉમેદવાર છે. એ એક જ વાત એમના પક્ષમાં જાય છે. કોંગ્રેસ અહીં જીતે એવી શક્યતા ઓછી છે.

આ બન્ને બેઠકોનાં પરિણામો બાદ કેટલીક ઘટના ભાજપ સંદર્ભે ઘટવાની છે. ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી ઘણા સમયથી ટાળવામાં આવે છે. પરિણામ બાદ નવા પ્રમુખ જાહેર થવાના છે અને મંત્રીમંડળનું વિસ્તરણ ઘણા સમયથી અટકેલું છે એ પણ થશે. કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા અને સી. જે. ચાવડા વેઈટિંગમાં છે અને જયેશ રાદડિયાને બહુ અપેક્ષા છે. હા, ગુજરાતમાં આ એક જ બેઠક એવી છે જ્યાં ૫૦ ટકા મતદારો પટેલ છે અને અહીંથી પલાયન કરી સુરત વસેલાં પટેલો આજે ધનપતિઓ છે અને એમાંના ઘણા બધા ચૂંટણીમાં પડદા પાછળ સક્રિય છે અને એમાં ખોડલધામ સાથે સંકળાયેલા પટેલો પણ હોઈ શકે છે.

બિહારમાં ચિરાગ પાસવાન ફરી મેદાનમાં
બિહારમાં ચૂંટણી નજીક આવતી જાય છે એમ ફણગાં ફૂટતાં જાય છે. નીતીશ કુમાર નબળા પડ્યા છે એવી વાતો વહેતી થઇ છે પણ ભાજપે એમના વડપણમાં જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. સામા પક્ષે લાલુ યાદવે મોટા પુત્રને પક્ષ અને પરિવારમાંથી બેદખલ કર્યા બાદ ચર્ચાઓ છે. ચૂંટણીના વ્યૂહકાર પ્રશાંત કિશોર પણ મેદાનમાં છે અને હવે નવું નામ ઉમેરાઈ રહ્યું છે  ચિરાગ પાસવાનનું.

ચિરાગ પાસવાન બિહારના રાજકારણનો એક ચહેરો છે પણ એ અત્યારે કેન્દ્રીય મંત્રી છે અને વિધાનસભાની ચૂંટણી નહિ લડે એવું નક્કી હતું પણ તાજા સમાચાર એ છે કે, એ બિહારની ચૂંટણી લડશે. એ પાછળનાં કારણો શું હોઈ શકે? ચિરાગ પાસવાન લાંબા સમયથી ‘બિહાર ફર્સ્ટ’ નો નારો લગાવે છે સાથે તેમની મુખ્યમંત્રીપદની આકાંક્ષાનો સ્પષ્ટ સંકેત આપે છે. તેઓ રાજ્યના નેતૃત્વમાં પોતાની ભૂમિકા સ્થાપિત કરવા માંગે છે.

પોતાના પિતા રામવિલાસ પાસવાનના અવસાન બાદ અને કાકા પશુપતિ પારસ સાથેની રાજકીય તિરાડ પછી, ચિરાગ પાસવાને પોતાની પાર્ટી (લોજપા – રામ વિલાસ) ને ફરીથી મજબૂત કરવા માટે સખત પ્રયાસ કર્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નીતીશ રાજી હોય કે ના હોય ભાજપ આ માટે રાજી છે. એનું સૌથી મોટું કારણ એ હોઈ શકે છે કે બિહારમાં જાતિગત સમીકરણો બહુ ચાલે છે અને એમાં ચિરાગ પાસવાન ફીટ એટલે બેસે છે. એ એનડીએનો ભાગ તો છે જ અને કેન્દ્ર સરકાર દ્વારા જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત થઇ છે અને આવતા વર્ષે એ શરૂ થશે એનું સમયપત્રક પણ જાહેર થઇ ગયું છે.

ચિરાગ દલિત સમાજમાંથી આવે છે અને એ રીતે એનું મહત્ત્વ છે. ઉપરાંત ભાજપ તેમને બિહારમાં એક સંભવિત પ્લાન બી તરીકે જોઈ રહી છે. ખાસ કરીને નીતીશકુમારની JD(U) સાથેના તેમના સંબંધોને જોતાં ભાજપ ચિરાગ પાસવાનને બિહારમાં એક મજબૂત યુવા દલિત નેતા તરીકે પ્રોજેક્ટ કરવા માંગે છે અને ચિરાગ પાસવાન એક યુવા અને ગતિશીલ નેતા તરીકે ઓળખાય છે. તેઓ બિહારના યુવાનોમાં લોકપ્રિયતા ધરાવે છે. વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવવાથી તેઓ આ મતોને એકત્રિત કરી શકે છે. ચિરાગ પાસવાન ભૂતકાળમાં નીતીશકુમારની કાર્યશૈલીના કટ્ટર વિરોધી રહ્યા છે. વિધાનસભામાં તેમનો પ્રવેશ નીતીશ કુમારના રાજકીય વર્ચસ્વ માટે એક સીધો પડકાર બની શકે છે. એટલે આ વેળા ચૂંટણી બહુ રસપ્રદ બનવાની છે.
કૌશિક મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top