બકરી ઇદના તહેવાર દરમિયાન પોલીસ સહિત 3 હજાર કર્મચારીઓ ખડેપગે
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની હાજરીમાં ફુટ પેટ્રોલિંગ
પ્રતિનિધિ વડોદરા તા.6
વડોદરા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદની ભારે ધામધુમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. જેને લઇને વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર પણ ફૂટ પેટ્રોલિંગમાં હાજર રહ્યા હતા.સીપીએ કોઈપણ પ્રકારની અફવાઓમાં નહી આપવા સાથે અફવાઓ તમને મળે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા માટેની અપીલ કરી હતી. ઉપરાંત ઇદના તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને માટે એડીશનલ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઇ પીએસઆઇ, હોમગાર્ડ સહિતના 3 હજાર ઉપરાંત કર્મચારીઓ બંદોબસ્તમાં ખડેપગે ફરજ બજાવશે. ઉપરાંત એસઆરપીની કંપનીઓ પણ તૈનાત રહેશે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે બકરી ઇદના તહેવારને લઇને જણાવ્યું હતું કે, ઈદની ઉજવણીને લઈને પોલીસ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. વડોદરાના ઈદગાહ મેદાનમાં બકરી ઈદની ઉજવણી ધામધૂમથી થવાની છે. આ ઉજવણીને લઈને સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. જેમાં એડિશનલ પોલીસ કમિશન, ડીસીપી, 13 એસીપી, 150 થી વધારે પીઆઇ અને પીએસઆઇ, 2000 થી વધુ પોલીસ કર્મીઓ સંવેદનશીલ વિસ્તારમાં ખડેપગે રહેશે. દરમિયાન ધાબા પોઇન્ટ અને ડીપ પોઇન્ટ પર પોલીસ કર્મચારીઓ ગોઠવી દેવાશે. એસઆરપીની 5 કંપની સહિત 700થી વધુ હોમગાર્ડના જવાન પણ ખડેપગે તૈનાત કરાશે. ઉપરાંત સાઇબર ક્રાઇમ સહિતની ટીમો દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. કોમ્યુનલ સેન્સિટીવ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય માટે તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યાથી પોલીસ બંદોબસ્તમાં જોતરાશે અને શહેરીજનોને કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન નહી આપવા સાથે કોઇપણ વસ્તુ તમારા ધ્યાનમાં આવે તો 100 અને 112 નંબર ઉપર કે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટેની પણ પોલીસ કમિશનર દ્વારા અપાઇ કરવામાં આવી છે.