Charchapatra

સુરતીલાલાનો કેરીગાળો હવે ભુલાઈ ગયો છે

ખાવાપીવાના શોખીન સુરતીલાલાઓની કેરીગાળાની ઘર આંગણાની ઉજવણી પણ યાદગાર બની જતી. મનપસંદ મનભાવન વાનગી ઘરની મહિલાઓ હોંશેહોંશે બનાવતી. ત્યારે સંયુકત કુટુંબમાં કામ સરખે ભાગે વહેંચાઈ જતું. એની કોઇ ફરિયાદ નહોતી. બજારની પાકી કેરી નહીં પરંતુ ઘરમાં પકવવામાં આવતી. રાજાપુરી, કેસર અને હાફુસ કેરીનું સૌથી વધારે ચલણ હતું. બેન, બનેવી, ભાણેજ, દીકરી, જમાઇને આમંત્રણ આપીને બોલાવવામાં આવતાં. ઘરના વડીલ આ બાબતનું પૂરતું ધ્યાન રાખતા. મોટે ભાગે શનિ રવિવારનો દિવસ નક્કી કરવામાં આવતો.

ફરસાણમાં એ દિવસે દાળના પાંતરાં, ઇંદડાં, સમોસા અને કેરીના રસ સાથે પુરી, વેઢમી, માલપુડા, બજારના મોળા મીઠાં ખાજા, મેંગો ખાજા, ઘેબર, સુતરફેણી અને ખાસ યાદ રાખીને મલાઇ મંગાવતા, ખાતા અને ખવડાવતા. સૌથી પહેલાં ઘરનાં ભૂલકાંઓ, ત્યાર બાદ ઘરના વડીલ સાથે યુવા વર્ગ અને છેલ્લે મહિલા વર્ગ એક સાથે જમવા બેસતી. ઘરનાં કેટલાંક સભ્યોને હાફુસ કેરીના ટુકડા અને રસ સાથે મલાઇ નાંખીને ખાવાની બહુ મજા આવતી. મહિલાઓ માટે વિશેષ કહેવું પડે. તેઓ સંયુકત કુટુંબની જવાબદારી પૂરેપૂરી પ્રેમથી અદા કરતી.

ખેર, સમયની સાથે સંયુકત કુટુંબમાંથી બધા અલગ થયાં. દૂર દૂર સુધી તેઓ રહેવા જતાં રહ્યાં. સુરતીઓથી ભરેલું આ શહેર ધીમે ધીમે ખાલી થઇ ગયું. પછી બધા પરિવારનાં મર્યાદિત સભ્યો ભેગાં થઇને કેરીગાળાની મજા લેતાં થયાં. એ પણ કાંઇ લાંબુ ચાલ્યું નહીં. એક રવિવારે હોટેલનો કાર્યક્રમ અમે ગોઠવી દઇએ છીએ. ફોરવ્હીલમાં લેવા આવીશું. કેરીગાળાને બદલે હોટેલ ગાળો ઉજવીશું. એવું લાગે છે સમયની સાથે ભુલાઈ ગયેલો કેરીગાળો હવે કદાચ ભુંસાઈ જશે. મનેકમને આ પરિવર્તન સ્વીકારવું પડે.
સુરત     – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top