Comments

પીગળતી જતી હિમ નદીનો રેલો ઘરઆંગણે આવી પહોંચશે

પર્યાવરણ બાબતે ચિંતા કરવાની પણ એક ફેશન બની રહી છે. એમ કરવાથી પોતાને સારું લાગે અને એવું અનુભવાય કે આપણે પર્યાવરણ બાબતે સજાગ છીએ. ફેશન તો ફેશન, એ બહાનેય પર્યાવરણ બાબતે ચર્ચા થાય એ જરૂરી છે. કેમ કે, પર્યાવરણને થઈ રહેલું નુકસાન એટલું આગળ વધી ગયું છે કે એમાંથી કયું ક્ષેત્ર બાકી હશે એ સવાલ છે. માનવવસવાટ હોય એવાં સ્થળોએ તો નુકસાન છે જ, પણ માનવવસવાટ ન હોય એવાં સ્થળોએ પણ પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.
એ બાબતથી હવે ભાગ્યે જ કોઈ અજાણ હશે કે વૈશ્વિક સ્તરે તાપમાનમાં થઈ રહેલા વધારાને કારણે સમુદ્રના પાણીનું સ્તર વધી રહ્યું છે, કેમ કે, ઠંડા પ્રદેશોમાં રહેલા ગ્લેશીઅર એટલે કે હિમ નદીઓ પીગળી રહી છે. આમ છતાં, ગ્લેશીઅરના પીગળવાની ઝડપે નવેસરથી ચિંતા ઊભી કરી છે.

‘નેચર’પત્રિકા દ્વારા કરાયેલા એક નવીનતમ અભ્યાસમાં જણાયું છે કે ઈ.સ.2000થી 2023 દરમિયાન ગ્લેશીઅરોએ દર વર્ષે 27,300 કરોડ ટન બરફ ગુમાવ્યો છે. આ સમયગાળામાં ગ્લેશીઅરોનો કુલ 6,54,00 ટન જથ્થો પીગળ્યો છે, જેને પરિણામે વૈશ્વિક સ્તરે સમુદ્રતળ 18 મિ.મી. ઉપર આવ્યું છે. એટલે કે ગ્લેશીઅર પીગળવાને કારણે પ્રતિ વર્ષ 0.75 મિ.મી. જેટલું જળસ્તર ઊંચું આવતું ગયું. વિશેષત: 2012-2023ના ઉત્તરાર્ધના સમયગાળા દરમિયાન બરફ પીગળવાનો દર પૂર્વાર્ધના એટલે કે 2000-2011ના સમયગાળા કરતાં 36 ટકા વધુ હતો.

યુનિવર્સિટી ઑફ ઝ્યુરીકના ગ્લેશીઅરનિષ્ણાત સેમ્યુઅલ નસબોમરના જણાવ્યા અનુસાર આ સદીની આખર સુધીમાં ગ્લેશીઅરનો જથ્થો ઘટતો જશે અને સંભવત: એનો દર વધશે. ગ્રીનલેન્‍ડ અને એન્‍ટાર્ક્ટિકાની હિમચાદરો કરતાં અલગ એવી હિમ નદી એટલે કે ગ્લેશીઅર ઈ.સ.2000 આસપાસ આશરે 7,06,000 ચો.કિ.મી. વિસ્તારમાં વિશ્વભરમાં પ્રસરેલી હતી. તેના પીગળવાથી અનેક બાબતો અસરગ્રસ્ત થાય છે. સ્થાનિક ભૂસ્તરથી લઈને દરિયાઈ જીવસૃષ્ટિ, પ્રાદેશિક જૈવપ્રણાલીઓ, પ્રાદેશિક જળસ્રોતો, વૈશ્વિક જળ ચક્ર તેમજ ઊર્જા ચક્રોનો તેમાં સમાવેશ થાય છે.

ઈન્‍ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (આઈ.પી.સી.સી.) દ્વારા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન અને ગ્લેશીઅરના પીગળવા સંબંધી ગરમી પેદા કરતી ગતિવિધિઓ બાબતે નક્કર અને તત્કાળ પગલાં લેવાની જે અપીલ કરેલી એનો અમલ હાથ ધરવાનો આ સમય છે. ગ્લેશીઅરના જથ્થાનો અંદાજ મેળવવા માટે સંશોધકોએ ક્ષેત્રિય તેમજ ઉપગ્રહ થકી વિવિધ અભ્યાસ હાથ ધરીને વિગતો એકઠી કરી હતી. ગ્લેશીઅરના અસ્તિત્વ પર તોળાઈ રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને આ વર્ષે સૌ પ્રથમ વાર 21 માર્ચના રોજ ‘વિશ્વ ગ્લેશીઅર દિવસ’ની ઉજવણીની ઘોષણા યુનેસ્કો દ્વારા કરવામાં આવી.

આપણી આ વિશેષતા રહી છે કે પહેલાં એક ચીજને મરણતોલ હાલતમાં લાવી મૂકવાની અને પછી એનો કોઈ દિવસ નક્કી કરીને દર વરસે એની ઉજવણી કરવાની. સીધો અર્થ એ કરી શકાય કે જેના દિવસની ઉજવણી કરવામાં આવે એનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું સમજવું. એક સમય એવો હતો કે એવું મનાતું કે ગ્લેશીઅરો આદિથી અનંત સુધી શાશ્વત રહેશે. આવા, ‘શાશ્વત’ મનાતા ગ્લેશીઅરનું હવે અસ્તિત્વ જોખમાઈ ગયું છે. સામાન્ય રીતે, લોકોની નજરથી દૂર રહેનારા આ ગ્લેશીઅર માનવજીવન માટે અત્યંત લાભદાયી છે. એ સતત પીગળતા રહે તો સમુદ્રનું સ્તર ભયજનક રીતે વધતું રહે અને તેના કાંઠે આવેલા વિસ્તારોને તે ડૂબાડી શકે. ગ્લેશીઅરની હવામાન પર અનેક અસરો છે. મોટા ભાગની નદીઓમાંની જળ રાશિ તેને આભારી છે તેમજ તાપમાનના નિયંત્રણ તથા સંતુલનમાં તેની મહત્ત્વની ભૂમિકા છે.

આપણી વિવિધ ગતિવિધિઓને કારણે વૈશ્વિક તાપમાનમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. વક્રતા એ છે કે આ ગતિવિધિઓ થકી ખાસ કશું મેળવી લેવાનું નથી, સિવાય કે સમૃદ્ધ અને વિલાસી જીવનશૈલી. ઝડપ, ટેક્નોલોજી અને સંપર્કક્ષમતા એવાં પરિબળો છે કે જેની કોઈ ટોચમર્યાદા નથી. એ જેટલાં પણ હોય, ઓછાં જ લાગે અને હંમેશાં એ વધુ ને વધુ મેળવવાની લાલસા જાગે. આને કારણે અનેક નૈસર્ગિક સંસાધનોનો સોથ વળી ગયો છે અને હવે એની ઝડપ ધાર્યા કરતાં અનેકગણી વધી છે. અશ્મિજન્ય ઈંધણનો વપરાશ બેકાબૂ બન્યો છે, જેની સીધી અસર વૈશ્વિક તાપમાન પર થાય છે.

ટેક્નોલોજીનો એક ઉપયોગ ગ્લેશીઅર પર થતી વિપરીત અસરના અભ્યાસનો અવશ્ય છે અને તેના થકી બરાબર જાણી શકાયું છે કે તે કેટલી ઝડપે સંકોચાઈ રહી છે પણ તેને લગતાં પગલાં આપણે ભરવાનાં છે. અહીં ફરી એક વાર એ સવાલ થાય કે એકલદોકલ નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? વ્યાપક સ્તરે પર્યાવરણનો પ્રશ્ન આવે ત્યારે આ મૂંઝવણ હંમેશાં થતી હોય છે, કેમ કે, તેમાં સામુહિક, નીતિગત પ્રયાસો વધુ કારગર નીવડે છે પણ એ યાદ રાખવું જરૂરી બની રહે છે કે સમૂહ આખરે વ્યક્તિઓનો બનેલો છે.

પર્યાવરણને હાનિ પહોંચે એવી અનેક ચીજવસ્તુઓ આપણે વાપરતા હોઈએ છીએ. એ આદત પર સહેજ નિયંત્રણ લાવીએ તો પર્યાવરણને થતું નુકસાન ઘટાડી શકાય. સીધેસીધું ગ્લેશીઅર પીગળતું અટકાવી ન શકીએ તોય શું? જે, જ્યાં અને જેટલું થઈ શકે એ કરીએ તો ઘણું. પ્રવાસે જતી વખતે જે તે સ્થળને આપણે કઈ હદે નુકસાન પહોંચાડીએ છીએ એ વિશે આપણે ભાગ્યે જ જાણતા હોઈએ છીએ. એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે ગમે એટલાં નાણાં કોઈની પણ પાસે હોય, પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઈ એનાથી થઈ શકવાની નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top