Comments

વિશ્વ પર્યાવરણ દિવસ : પ્લાસ્ટિક પ્રદૂષણમુક્ત બનવાનું ભારતનું લક્ષ્ય સિદ્ધ થશે?

આજે ૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ. આ વર્ષની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્લાસ્ટિક પ્રદૂષણ વિશ્વના ખૂણેખૂણામાં ફેલાયેલું છે. આપણે જે પાણી પીએ છીએ, જે ખોરાક ખાઈએ છીએ તેના દ્વારા તે આપણા શરીરમાં પ્રવેશે છે. પ્લાસ્ટિક પ્રદૂષણ આજની એક મોટી ચિંતા બન્યું છે, પરંતુ આ એવો પર્યાવરણીય પડકાર છે જેનો ઉકેલ આપણા હાથમાં છે.

પ્લાસ્ટિક પ્રદૂષણ મુખ્યત્વે ત્રણ ઘાતક અસરોમાં યોગદાન આપે છે: જળવાયુ પરિવર્તનનું સંકટ; પ્રકૃતિ-જમીન-જૈવ વિવિધતાને નુકસાન તેમજ પ્રદૂષણ અને કચરામાં વધારો. વૈશ્વિક સ્તરે, દર વર્ષે અંદાજે ૧૧ મિલિયન ટન પ્લાસ્ટિક કચરો જળચર ઇકો સિસ્ટમમાં ભળે છે, જ્યારે કૃષિ ઉત્પાદનોમાં પ્લાસ્ટિકના ઉપયોગને કારણે ગટર અને લેન્ડફિલ્સમાંથી માઇક્રોપ્લાસ્ટિક જમીનમાં ભળે છે.

યુએન એનવાયરમેન્ટ પ્રોગ્રામ અનુસાર પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે વાર્ષિક ૩૦૦ બિલિયન ડોલરથી ૬૦૦ બિલિયન ડોલર વચ્ચેનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશ્વના દેશો દરિયાઈ પર્યાવરણ સહિત પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવા માટે વૈશ્વિક સંધિ કરવા તરફ આગળ વધી રહ્યા છે. નવેમ્બર ૨૦૨૪માં, દક્ષિણ કોરિયાએ પ્લાસ્ટિક પ્રદૂષણ સંધિની વાટાઘાટો માટે પાંચમા સત્રનું આયોજન કર્યું હતું. આગામી સત્ર ઓગસ્ટમાં જીનીવામાં યોજાશે.

ભારતની વાત કરીએ તો લગભગ ત્રણ વર્ષથી દેશવ્યાપી સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં, ભારતનો શહેરી વિસ્તાર પ્લાસ્ટિકના કચરાથી ઉભરાઇ રહ્યો છે. શાકમાર્કેટથી લઈને ફુડ સ્ટોલ સુધી, સિંગલ-યુઝ પ્લાસ્ટિક બેગ, રેપર્સ અને પેકેજિંગ હજુ પણ જોવા મળે છે, જે પર્યાવરણ બચવાના મિશનમાં જાહેર ભાગીદારીની અસરકારકતા અંગે ચિંતા ઊભી કરે છે.

ભારત પ્લાસ્ટિક કચરાના ઉત્પાદનમાં વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ છે અને વાર્ષિક આશરે ૩.૫ મિલિયન ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરે છે. આ કચરામાં નોંધપાત્ર પ્રમાણમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક ધરાવતી પાતળી બેગ, સ્ટ્રો, સૅસે, પ્લાસ્ટિક કટલરી અને પેકેજિંગનો સમાવેશ થાય છે. આ કચરો સામાન્ય રીતે લેન્ડફિલ્સ, જળાશયો અથવા અનૌપચારિક ડમ્પસાઇટ્સમાં જાય છે. આ કચરો ઘણી વાર માઇક્રોપ્લાસ્ટિક્સમાં વિઘટિત થાય છે, જે ખાદ્ય પદાર્થોને દૂષિત કરે છે અને લાંબા ગાળાના આરોગ્ય અને પર્યાવરણીય જોખમો ઊભાં કરે છે.

કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ ૨૦૨૨માં અમલમાં આવેલા સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને ભારતની ગ્રીન પોલિસી માટેનો એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવવામાં આવ્યો હતો. કાર્બન ઉત્સર્જન ઘટાડવા, સર્ક્યુલર ઈકોનોમી તરફ પ્રયાણ અને પર્યાવરણ પ્રત્યે સભાનતા સાથેના વપરાશને પ્રોત્સાહન આપવાની દેશની પ્રતિબદ્ધતાઓ આ સાથે વ્યક્ત થતી હતી. જો કે, શહેરી વિસ્તારોમાં તેનું અસરકારક અમલીકરણ થઈ શક્યું નથી જેનું કારણ સરકાર અને પ્રજા બંને તરફની ખામીઓ છે. સ્થાનિક બજારો, કરિયાણાની દુકાનો અને ખાણીપીણીની દુકાનો આ પ્રતિબંધનો સતત ભંગ કરતાં રહ્યાં છે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ચાલુ છે જેનું કારણ ઘણાં રાજ્યોમાં નિયમનકારી દેખરેખનો અભાવ અને આ પ્લાસ્ટિકના ઉત્પાદન સાથે જોડાયેલા નાના વ્યવસાયોને ગ્રીન વિકલ્પો તરફ વાળવા આર્થિક પ્રોત્સાહનોનો અભાવ દર્શાવે છે. વિક્રેતાઓની દલીલ છે કે બાયોડિગ્રેડેબલ અથવા કમ્પોસ્ટેબલ પેકેજિંગ કાં તો ખૂબ ખર્ચાળ છે અથવા જરૂરી માત્રામાં સરળતાથી ઉપલબ્ધ નથી, જેના કારણે કાયદાનું પાલન આર્થિક રીતે શક્ય નથી.

મોટી બ્રાન્ડ્સ માટે તો રિસાયકલ અને કમ્પોસ્ટેબલ વિકલ્પો પ્રમાણમાં સરળતાથી ઉપલબ્ધ છે પરંતુ ભારતના રિટેલ ક્ષેત્રની કરોડરજ્જુ સમાન નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) માટે આ ખૂબ મુશ્કેલ છે. પરિણામે ગેરકાયદેસર પ્લાસ્ટિક ઉત્પાદન અને વેચાણનું સમાંતર અર્થતંત્ર ઊભું થયું, જે પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવાના ભારતના લક્ષ્યને નબળું પાડે છે. રિસાયક્લિંગને ભારતના પ્લાસ્ટિક સંકટના ઉપાય તરીકે જોવામાં આવે છે, પરંતુ તેની પોતાની મર્યાદાઓ છે. સત્તાવાર માહિતી અનુસાર, હાલમાં ફક્ત ૬૦ ટકા પ્લાસ્ટિક કચરો રિસાયકલ કરવામાં આવે છે અને આ રિસાયક્લિંગનો નોંધપાત્ર હિસ્સો અનૌપચારિક રીતે કોઈ નિયમનકારી ધોરણો વિના થાય છે. બાકીના પ્લાસ્ટિક કચરામાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક હોવાને કારણે રિસાયકલ કરવું આર્થિક રીતે પોષાય એમ નથી એટલે તેનો અયોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે.

એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી (EPR) એક નીતિગત માળખું છે જે અંતર્ગત પ્લાસ્ટિક ઉત્પાદકો બજારમાં જેટલું પ્લાસ્ટિકને મૂકે તેટલું તેમણે એકત્રિત અને રિસાયકલ કરવાનું હોય છે. આ નિયમ અંતર્ગત થોડી પ્રગતિ જોવા મળી છે પરંતુ તેનું અમલીકરણ હજુ પણ, ખાસ કરીને સ્થાનિક ઉત્પાદકો અને અનરજિસ્ટર્ડ સપ્લાયર્સમાં અસરકારક નથી. નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી EPR માળખું સાર્વત્રિક રીતે લાગુ નહીં થાય, ત્યાં સુધી સર્ક્યુલર પ્લાસ્ટિક ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય પૂર્ણ નહીં થાય.

શહેરી વિસ્તારને ઝીરો-વેસ્ટ ઈકોનોમી બનાવવા માટે મજબૂત રાજ્યસ્તરીય અમલીકરણ, કચરો અલગ પાડવાનું અસરકારક માળખું, જાહેર જાગૃતિ અભિયાન અને સૌથી મહત્ત્વનું પેકેજિંગની નવી વ્યવસ્થા માટે નાણાંકીય સહાય જેવાં પગલાંની ખાસ જરૂર છે. વિકસતાં જતાં શહેરી વિસ્તારો અને વધતાં વપરાશ સાથે પ્લાસ્ટિકના સસ્તા વિકલ્પોની જરૂરિયાત મહત્ત્વપૂર્ણ બની જાય છે. આ આપણી અવગણી ન શકાય એવી પર્યાવરણીય નિષ્ફળતા છે. પ્લાસ્ટિક કચરો જળને પ્રદૂષિત કરે છે, ગટરોને બ્લોક કરે છે ઉપરાંત શહેરી ઢોર અને શેરી પ્રાણીઓના પેટમાં પણ જાય છે. આ કચરો શહેરોની સુંદરતાને બગાડે છે અને ઘણી વાર ડમ્પિંગ ગ્રાઉન્ડ્સની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આરોગ્યને લગતી સમસ્યાઓ પેદા કરે છે. ગરીબ શહેરી નાગરિકો આનો ભોગ બને છે.

પ્લાસ્ટિક પ્રદૂષણ ભારતની શહેરી જીવનશૈલી પર પુનર્વિચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. પેકિંગ, વપરાશ, કચરાનું એકત્રીકરણ અને પ્રક્રિયા વિષે આપણે સભાન બનવું પડશે. પ્લાસ્ટિક પ્રદૂષણના અંત માટે અમલીકરણની સાથે નવી ટેકનોલોજી અને સામુહિક જવાબદારી પણ અગત્યનાં છે. જ્યાં સુધી સરકાર અને નાગરિકો પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી ભારતનું પ્લાસ્ટિક-પ્રદૂષણમુક્ત બનવાનું લક્ષ્ય ફક્ત સ્વપ્ન જ બની રહેશે.
ડૉ.જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top