Columns

રાખોડી વનકૂકડો(Grey junglefowl)

પક્ષીઓ આપણા પરિસરનાં અભિન્ન અંગ છે. પક્ષીઓ માનવજાતનાં મિત્રો છે. પક્ષીઓ આપણને ખરેખર ઘણાં ઉપયોગી છે. પક્ષીઓ સફાઈ કરવાનું, કીટકોનો નાશ કરવાનું, પરાગનયન કરવાનું અને વનસ્પતિની જાતિનો ફેલાવો કરવાનું મહત્ત્વનું કાર્ય કરે છે. ઉંદર જેવા ઉપદ્રવી જીવોનું નિયંત્રણ પક્ષીઓ દ્વારા સારી રીતે થાય છે, છતાં આવાં ઉપયોગી પક્ષીઓ વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. એ એક કરુણતા જ કહેવાય ને!

આપણે ત્યાં જાતજાતનાં ને ભાતભાતનાં પંખીઓ હોય છે. જંગલમાં તો પંખીઓની વિવિધતા અને વિપુલતા અપાર માત્રામાં હોય છે. જંગલનાં પંખીઓ ગામ-સીમમાં ભાગ્યે જ દેખાય. આવું જ એક જંગલનું પંખી એટલે રાખોડી વનકૂકડો. ઘરઆંગણાની પાલતુ મરઘી કરતાં રાખોડી વનકૂકડો દેખાવે જુદો છે. નર ધોળાશપડતા ભૂરા રંગનો છે. તેની પૂંછડી ધાતુ જેવા ચળકતા કાળા રંગની અને દાતરડા જેવી છે. તેના શરીરે રેખાઓ છે. આ બધા રંગો અને માથાં પરની લાલ કલગીથી નર બહુ શોભે છે. માદાનું પેટાળ ધોળું હોય છે. એમાં ભીંગડાં જેવી કાળી આકૃતિઓ હોય છે.

તે ગુજરાતમાં ડાંગ અને ઉત્તર ગુજરાતના જંગલવાળા વિસ્તારમાં જોવા મળે છે. ભારતના પશ્ચિમ ભાગમાં તેની સારી એવી સંખ્યા છે. ખડકાળ પ્રદેશ અને વાંસના જંગલમાં તે એકલો, જોડીમાં કે નાના ટોળામાં જોવા મળે છે. તે ઘણું શરમાળ અને બીકણ પંખી છે. માણસને જોતાં જ તે ડોક આગળ લંબાવીને અને પૂંછડી નીચી કરીને ઝાડીમાં ભાગી જાય છે. ખોરાકમાં તે અનાજના દાણા, કૂણું ઘાસ, બોર જેવાં ફળો તેમ જ પેપડાં, ઉમરા ખાય છે. જીવાતો, ઇયળો અને કીડા પણ તેને ભાવે છે.

તે આપણા સામાન્ય કૂકડાની જેમ ‘કૂકકે કૂક’ એમ નથી બોલતો, પરંતુ ‘કુક્ ક્યા… ક્યા કૂકૂ…’ એવો અવાજ કરે છે. બોલતાં પહેલાં તે જોરથી પાંખો વીંઝીને પટપટાવે છે. સૂકાં ઝાડના ઠૂંઠા પર કે કોઈ ઊંચાઈ પર ચડીને તે બોલે છે ત્યારે તેનો અવાજ જંગલ પરિસર સાથે ભળીને મજાનું વાતાવરણ ખડું કરે છે. એ વખતે જંગલના બીજા મરઘા તેનો સામે જવાબ આપે છે. ગીચ ઝાડીમાં છીછરો ખાડો કરીને માદા માળો બનાવે છે. માળો સૂકાં પાંદડાંનો હોય છે. માદા તેમાં ચારથી આઠ જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાંનો રંગ મેલો ધોળો હોય છે. બીજો એક લાલ જંગલી મરઘો આપણે ત્યાં બહુ જૂજ માત્રામાં જોવા મળે છે. તેનું અંગ્રેજી નામ Red Junglefowl છે. ઉત્તર ભારતના જંગલોમાં તે બહુ વ્યાપક છે. આ કૂકડો આપણા પાળેલા કૂકડાનો પૂર્વજ ગણાય છે, તેથી તે પાળેલા મરઘાને ઘણો મળતો આવે છે.

સામાન્ય મરઘાથી સહેજ જુદો પડતો જંગલી મરઘો જોનાર તરત ઓળખી લે છે. તેની પાંખો નબળી હોવાથી બહુ ઊડી શકતો નથી પણ પગ મજબૂત હોવાથી ઝડપથી ઘણું સારું દોડી શકે છે. જંગલમાં જ જોવા મળતાં પંખીઓ કોઈ વાર ગામ-પાદરમાં કે વન-વગડામાં જોવા મળી જાય તો આવાં પંખીઓનાં દર્શન મન ભરીને કરી લેવાં. પ્રકૃતિના ખોળે ઊછરતાં આવાં પક્ષીઓના નિરીક્ષણથી તેમની સાથે આત્મીયતા બંધાય છે. પક્ષીદર્શનનાં અભ્યાસ અને નિરીક્ષણ થકી એક અનોખો આનંદ મળે છે, જે જિંદગી જીવવાનું નવું જોમ પૂરું પાડશે.
પ્રવીણ સરવૈયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top