સફાઈ કામદારોનો સંઘર્ષ યથાવત રહેતા, શહેરમાં ઠેર ઠેર ગંદકી
EXCLUSIVE:નડિયાદમાં સફાઈ કામદારોએ શરૂ કરેલી લડત તેના ચરમ પર પહોંચી છે. બે દિવસથી નડિયાદમાં સફાઈની કામગીરી બંધ કરતા અનેક ડમ્પીંગ પોઈન્ટમાં કચરાના ઢગ વાગ્યા હતા. આ વચ્ચે આજે સવારે ડે. કમિશ્નર સ્થળ પર કેટલાક સફાઈ કામદારોને લઈ કચરો ભરાવવા પારસ સર્કલ પાસે પહોંચ્યા હતા. જ્યાં હડતાલી સફાઈ કામદારો અને સંગઠનના અગ્રણીઓએ તેમનો વિરોધ કર્યો હતો.

મળતી માહિતી મુજબ કરારી કર્મચારીઓને મોર્ડન એજન્સીમાં આઉટસોર્સથી લેવા મનપાએ નિર્ણય કર્યા બાદ તેનો કર્મચારીઓ દ્વારા ભારોભાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સફાઈ કામદારો પોતાના હક્ક માટે બે દિવસથી સતત લડત આપી રહ્યા છે અને કામગીરીથી અડગા થઈ ગયા છે. આ વચ્ચે નડિયાદમાં કચરાના ઢગ વાગી ગયા હતા.

આજે ડે. મ્યુનિસિપલ કમિશ્નર રૂદ્રેશ હુદળ કેટલાક સફાઈ કર્મચારીઓ અને મશીનરી સાથે પારસ સર્કલ પાસેના ડમ્પીંગ પોઈન્ટમાંથી કચરો ઉપાડાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં કામગીરી શરૂ કરતા જ હડતાલી સફાઈ કર્મચારીઓ અને તેમના યુનિયનના અગ્રણીઓ આવી પહોંચ્યા હતા અને કામગીરી કરતા અટકાવ્યા હતા.

આ વખતે ટાઉન પોલીસના જવાનો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને સતત 1 કલાક સુધી સફાઈ કામદારો અને ડે. કમિશ્નર વચ્ચે કચરો ઉપાડવાની બાબતે તીખો વાર્તાલાપ ચાલ્યો હતો. ડે. કમિશ્નર દ્વારા 11.30 કલાકે સફાઈ કામદારોની બેઠકમાં નિર્ણયની રાહ જોવા જણાવ્યુ હતુ. જ્યાં કામદારોએ ત્યાં સુધી તો સફાઈ નહીં જ કરવા દેવાની હઠ પકડી હતી.
આ વચ્ચે પોલીસ પણ સફાઈ કામદારોને સમજાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ સફાઈ કામદારો એકના બે થયા નહોતા. અંતે લાંબી ચર્ચાઓ પછી અંતે કર્મચારીઓ પોતે હાલ કોઈ કામ નહીં કરે અને કચરો ઉપાડવા દેવા માટે શરતોનો આધિન રાજી થયા હતા. જો કે, કર્મચારીઓની હડતાલના પગલે આખા નડિયાદ શહેરના તમામ બજારો અને જાહેર વિસ્તારોમાં કચરો કચરો થઈ ગયો છે.