Charchapatra

ધંધાકીય અપ્રમાણિકતા

૩ જૂન, ૨૦૨૫ના ગુજરાતમિત્રમાં ‘એ વેપારી સંગઠનને સલામ’ શિર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યુ. થોડું આશ્ચર્ય થયું. ચર્ચાપત્ર અંતર્ગત એવું જણાવાયું છે કે એક વેપારી સંગઠને એવો ઠરાવ પસાર કર્યો કે દેશના કપરા કાળમાં અમે સરકારની પડખે રહીશું. ભાવવધારો, સંગ્રહખોરી, કૃત્રિમ અછત ઊભી નહી કરીએ અને પ્રજાને શક્ય તેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડવા તત્પર રહીશું. આવો ઠરાવ એક પ્રકારનું કબૂલાતનામું કહેવાય કે જ્યારે દેશ કપરા કાળમાંથી પસાર નહી થતો હોય ત્યારે વેપારીઓ ગ્રાહકોને છડેચોક અપ્રમાણિક વહેવાર દ્વારા છેતરતા રહેશે.

આ તે કંઈ વાત થઈ. મતલબ વેપારીઓ ગ્રાહકોની સાથે જો આમ જ વ્યવહાર કરતા રહેવાના હોય તો પછી થઈ રહ્યું. વિદેશ અને આપણા દેશમાં અહીં જ બહુ મોટો ફરક હોય એવું લાગ્યા વગર રહેતું નથી. વિદેશમાં અપ્રમાણિક વેપારીઓ નહી હોય એવું માની લેવાની જરૂર નથી પરંતુ ત્યાં એ પ્રમાણ ઓછું ગણાય. ટૂંકમાં એક જ વેપારી સંગઠન જેણે ઠરાવ કર્યો છે તે અને તે સિવાયનાં વેપારીઓએ દેશ કપરા કાળમાંથી પસાર થતો હોય કે નહી પ્રામાણિકતાથી ધંધો કરીને ગ્રાહકોને છેતરવાનું બંધ કરવું જોઈએ અને કાયમી ધોરણે સરકારની પડખે રહેવું જોઈએ.જો તેમ થાય તો સૌથી વધુ ભલું ગ્રાહકોનું થશે એટલું જ નહી વિદેશમાં પણ આપણા દેશમાં પ્રામાણિક વેપારીઓ જ ધંધો કરે છે એવો ડંકો વાગશે અને વિદેશમાં દેશની છબી સુધરશે તે અલગ.
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top