ભગવાન બુદ્ધ વિહાર પર નીકળ્યા હતા. વિહાર કરતાં કરતાં એક ગામના પાદર પર તેમણે ઝાડ નીચે વિશ્રામ કરવાનું નક્કી કર્યું. થોડી વાર વિશ્રામ કર્યા બાદ તેઓ ત્યાં ધ્યાનમાં બેઠા. ભગવાન બુદ્ધ ધ્યાનમાં હતા અને આજુબાજુ ભાગદોડ-બૂમાબૂમ મચી ગઈ. બરાબર ભગવાન બુદ્ધની બાજુમાં એક ઝેરી સાપ હતો. ભગવાન બુદ્ધે શાંત ચિત્તે આંખો ખોલી અને ખૂબ જ શાંતિથી લોકોને શાંત રહેવા કહ્યું.
બે ચાર ગામલોકો હાથમાં લાકડી લઈ સાપને મારવા આગળ વધ્યા પરંતુ અહિંસાના ઉપદેશક એવા ભગવાન તથાગતે તેમને અટકાવ્યા. ભગવાન બુદ્ધે સ્મરણ ચાલુ કર્યું. સાપ થોડી ક્ષણોમાં ત્યાંથી ચૂપચાપ સરકીને ચાલી ગયો. સાપના ગયા પછી ભગવાન બુદ્ધના શિષ્યે કહ્યું,’ પ્રભુ, આ સાપ ખૂબ જ ઝેરી હતો. એનું ઝેર જીવલેણ હતું. તેને મારી નાખવાની જરૂર હતી.’ ભગવાન બુદ્ધે મલકીને કહ્યું, ‘સાપના ગળામાં ઝેરની કોથળી તો કુદરતે તેને આપી છે સ્વરક્ષણ માટે પરંતુ સાચું ઝેર એ નથી.’
શિષ્યે પૂછ્યું, ‘પ્રભુ, તો ઝેર શું છે?’ ભગવાન બુદ્ધે મલકીને જવાબ આપ્યો. સાપની કોથળીમાં ઝેર છે પણ એથી વધુ જીવલેણ ઝેર છે જિંદગીમાં. દરેક ચીજ જે આવશ્યકતા કરતાં તમારી પાસે વધારે છે, દરેક અતિ ઝેર સમાન છે. ભગવાન બુદ્ધના દરેક શિષ્યો અને ગામલોકો પ્રભુની આ વાત સમજી ન શક્યાં. તેમના મૂંઝાયેલા ચહેરા જોઈને સરસ મીઠું મલકી ભગવાન બુદ્ધ બોલ્યા,’ દરેક વસ્તુ જીવનમાં જરૂરી છે પરંતુ માફકસર આપણને આવશ્યક હોય એથી વધુ કોઈ પણ વસ્તુ ઝેર સાબિત થાય છે પછી તે તાકાત હોય, ધન હોય, ભૂખ હોય, લાલચ હોય, અભિમાન હોય, આળસ હોય, મહત્ત્વાકાંક્ષા હોય, પ્રેમ હોય, નફરત હોય, વેર હોય. બીજું કંઈ પણ જેટલું હોવું જોઈએ એથી વધારે હોય તો તે કોઈને કોઈ રીતે દુર્ગુણ, કુમતિ અને વિનાશ નોતરે છે અને તેથી તે ઝેર સમાન સાબિત થાય છે. કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી. દરેક વસ્તુનું જીવનમાં એક પ્રમાણ હોવું જરૂરી છે.’ દરેક અતિ દરેક વધારે છલકાતી વસ્તુ ઝેર સાબિત થાય છે તે વાત ભગવાન બુદ્ધે સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.