આખરે એ ક્ષણ આવી ગઈ, જેની રાહ વિરાટ કોહલી 18 વર્ષથી જોઈ રહ્યો હતો. મેદાન પર વિરાટની આંખોમાંથી વહેતા આંસુ એ કહેવા માટે પૂરતા હતા કે આ જીત કેટલી મોટી છે. RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની પહેલી IPL ટ્રોફી જીતી લીધી છે.
3 જૂનની રાત્રે RCB એ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને છ રનથી હરાવીને તેના તમામ ચાહકોને ખુશ થવાની તક આપી, જે ખૂબ જ ખીચોખીચ ભરેલું હતું.ત્રણ ફાઇનલ હાર્યા બાદ, RCB આખરે ચેમ્પિયન બન્યું.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ પહેલા ત્રણ વખત ફાઇનલ રમી ચૂક્યું છે, પરંતુ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કરવા છતાં તે ફાઇનલમાં હારી જતું હતું. 2009માં ડેક્કન ચાર્જર્સ, 2011માં ચેન્નાઈ સુપર કિંગ્સ, 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદ હાર્યા બાદ આખરે 2025માં ફાઇનલ RCB ખેલાડીઓએ જીત મેળવી.
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નવ વિકેટે 190 રન બનાવ્યા. વિરાટ કોહલીએ 35 બોલમાં 43 રન, ફિલ સોલ્ટે નવ બોલમાં 16 રન, મયંક અગ્રવાલે 18 બોલમાં 24 રન, રજત પાટીદારે 16 બોલમાં 26 રન અને લિયામ લિવિંગસ્ટોને 15 બોલમાં 25 રનની ઝડપી ઇનિંગ રમી. પંજાબ તરફથી કાયલ જેમીસન અને અર્શદીપે ત્રણ-ત્રણ વિકેટ લીધી.
જવાબમાં પંજાબની ટીમની શરૂઆત સારી રહી હતી, પરંતુ નવ ઓવરમાં 74/2નો સ્કોર 13 ઓવર પછી 101/4 અને 18 ઓવર પછી 149/7 થઈ ગયો. જેમ જેમ રન રેટ વધી રહ્યો હતો તેમ તેમ બેટ્સમેન પર દબાણ પણ વધી રહ્યું હતું. RCB માટે કૃણાલ પંડ્યાએ ચાર ઓવરમાં 17 રન આપીને બે વિકેટનો મેચ વિનિંગ સ્પેલ ફેંક્યો.