Charchapatra

એ વેપારી સંગઠનને સલામ

ઓપરેશન સિંદૂર દરમિયાન લોકોએ શું ભૂમિકા ભજવી? એના ઘણા ઘણા જવાબો અને પ્રતિભાવો હવે શમવા આવ્યા છે. પ્રજા મતભેદો ભૂલી, વિપક્ષો પણ સરકાર સામેના પ્રહારો બાજુએ મૂકી સરકારની પડખે ઊભા રહ્યા. મોકડ્રીલ અને બ્લેકઆઉટ જેવા પ્રયોગો પણ જો કદાચ યુદ્ધ આગળ વધે તો પ્રજાને માનસિક રીતે તૈયાર કરવામાં સફળ રહ્યા. રોડ શો અને ત્રિરંગા યાત્રા પણ લોક જુવાળને સમજવામાં કામ લાગી. હાલ કેટલાંક રાજ્યોમાં આવી રહેલી વિધાનસભા અને જિલ્લા ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઓપરેશન સિંદૂર કેટલું ફળશે એના ગણિત મંડાઈ રહ્યાં છે.

ત્યારે એક માસ પહેલાંના માહોલમાંની એક ઘટના અહીં ઉજાગર ન કરું તો હું એક નાગરિક તરીકે નગુણો ગણાઉં. હાલ નામ અને વિસ્તાર યાદ નથી પણ એક વેપારી સંગઠને એ પરિસ્થિતિમાં એક ઠરાવ સર્વાનુમતે તેમની મિટીંગમાં પસાર કર્યો જેની ટૂંકી વિગત એમ હતી કે દેશના કપરા કાળમાં અમે સરકારની પડખે રહીશું. ભાવવધારો, સંગ્રહખોરી, કૃત્રિમ અછત ઊભી નહિ કરીએ અને પ્રજાને શકય તેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડવા તત્પર રહીશું. એક વેપારી કે જેનું ધ્યેય કમાઈને ધંધામાં નફો કરવાનું જ છે. તેની આ વાત નાની સૂની નથી જ
સુરત     – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ખાવી છે ઘારી આઈસ ડિશ
તાપના દિવસોમાં બજારમાં હરતા ફરતા ઠંડી ઠંડી આઈસ ડીશના ભાવ સાંભળી લાગ્યું કે આઈસ ડીશનું બજાર ખૂબ ગરમ છે! જાતભાતના સુકામેવા, શરબત, મલાઈ વગેરે અનેક જાતના પદાર્થો નાખીને આઈસ ડીશ તૈયાર કરવામાં આવે અને રૂપિયા 500થી 700 સુધી એની કિંમત વસૂલવામાં આવે છે! સારી વાત છે, હજી આ ડિશને વૈભવી બનાવી શકાય એમ લાગે છે કે આઈશ ડીશ પર આઇસ્ક્રીમ સાથે વધારાની એક ટોપિંગ સોનાના વરખવાળી ઘારીનું પણ હોય તો આઈસ ડિશની કિંમત હજારો રૂપિયામાં બોલાતી થઈ જાય! હજી ચોમાસું આવી રહ્યું છે. ગરમી વિદાય થતા વાર લાગશે ત્યારે આ કામ કયો વીરલો કરશે!
સુરત     – સુનીલ બર્મન– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top