Comments

ખટમલ આદમીકો વોચમેન બના દેતા હૈ..!

કંજૂસો ભલે માખીમાંથી ચરબી કાઢતા હોય, મને ખટમલમાંથી હાસ્ય કાઢવાનું (હ)સાહસ સૂઝ્યું. (જે આંટીમાં આવે એનું જ કરી નંખાય ને ભૂરા..?) ઓઈઇમા..!! ખટમલને જોયા પછી, મગજમાં એવો ભડકો થયો કે, સાલું, કેવું ‘ડેન્જર’કીટાણું.? સોતા ભી નહિ, ઔર સોને દેતા ભી નહિ..! નર્યું આતંકવાદી..! આતંકવાદીની માફક જ છુપાઈ છુપાઈને ધડાધડી બોલાવે. ફાલુદો પીતા હોય એમ, ડાયરેક્ટ લોહી પીવામાં જ માહિર..! એવા ચટકા ભરે કે, એના કપાળમાં કાંદા ફોડું, ઊંઘવા નહિ દે. એક ખટમલ સાલા આદમીકો વોચમેન બના દેતા હૈ..! થયું એવું કે, હાસ્યલેખ લખવા માટે હું વિષય શોધતો હતો ને અચાનક એક માંકડ મારી સામે પ્રગટ થયો.

તમને તો ખબર જ છે કે, ભગવાનનાં દર્શન કરવા હોય તો લખ્ખ્ણ સારા હોવા જોઈએ. આદ્ય કવિ નરસિંહ મહેતા, તુકારામ, જલારામ બાપા કે મીરાંબાઈ જેવાં લખ્ખણ તો આપણામાં હોય નહિ, એટલે ભગવાન તો ક્યાંથી પ્રગટ થાય..? માંકડ જ પ્રગટ થાય..! પણ મુસીબતમાં કામ આવે એ જ આપણો ભગવાન, એમ સમજી મનને મનાવી લેવું પડે. આપણને એટલો જ આનંદ કે, ખટમલ તો ખટમલ લેખનો વિષય તો મળ્યો..! વળી ખાતરી પણ થઇ કે, ભગવાન સાથેનો આપણો ટાવર ઘોંચમાં નથી..! હજી વાઈ-ફાઈ પકડાય છે…!

 સાલ્લા માંકડના રૂઆબ શું..? વજીરે આઝમ અહમદશાહ બાદશાહ જેવી તો એની મદમસ્ત ચાલ..! શિકાર શોધવા માટે નીકળે ત્યારે Night walkingમાં એકલો નહિ નીકળે. પñરા કાફલા સાથે જ નીકળે..! આપણને વિચાર આવે કે, જેમણે PHD કરવી હોય એ લોકો, શા માટે આ માંકડ સાથે આભડછેટ રાખતા હશે? એના ઉપર ખાસ્સી PHD થાય યાર..? મચ્છર સાથે તો આંતર જાતીય વેવાઈવાડો હોય એમ, બંને જણા માણસમાંથી લોહીની નહેર જ પકડે. ફેર એટલો કે, વગર મચ્છર ખુલ્લેઆમ હુમલા કરીને લોહી પીએ ને માંકડ ઊંઘતા હોય ત્યારે જ હથિયાર કાઢીને આતંકવાદીની માફક છુપાઈને વગર સ્ટ્રોએ લોહી ચૂસવા માંડે. ઈડિયટ..!

 અમારો ભૂરિયો ભણેલો નહિ પણ, ક્યારેક વાત અક્કલવાળી કરે. મને કહે કે, જે શબ્દને કાનો-માત્રા-રસવાવાળું-રસ્વઈ-દીર્ઘઈ કે, અનુસ્વારની લપ ના હોય, ઉસકો કભી કમજોર નહિ સમજના..! એમની પ્રકૃતિ ને વિકૃતિમાં ભેદ ના હોય. જેમ કે ખટમલ..! ખટમલની જાત એટલે, ક્યારેય પોતાનો ખોરાક ખાઈને પોતાનું લોહી નહિ બનાવે. તૈયાર પકવાન ઉપર જ તરાપ મારે..! લોહી પીવાની જીદે ચઢ્યા પછી, એ ચમરબંધીની પણ શરમ નહિ રાખે. (મારા જેવા સજ્જન (?) ની પણ નહિ..!) રખે એવું માનતા કે, બેડરૂમમાં આપણે એકલા જ હોઈએ છીએ. ખટમલો પાસે તમારો બધો જ પ્રવાસ કાર્યક્રમ હોય. CCTV ની માફક પલંગની ફાંસમાં કે તકિયા નીચે ભરાઈને એ તમારી ચહલપહલ ઉપર ધ્યાન રાખતા જ હોય.

આતંકવાદીની માફક રાહ જ જોતા હોય કે, બંદો ક્યારે ખાટલે આડો પડવા આવે ને આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરીએ. સાલું, આપણું શરીર જ એવું લોહિયાળ, એટલે કે, લોહીથી ભરેલું કે, એમને આપણું જ લોહી કીડી-મંકોડા-મચ્છર-માંકડને આપણું જ લોહી રસમલાઈ જેવું સ્વાદિષ્ટ લાગે.એમાં હાસ્યકારનું લોહી પીવા આવે એ તો, અમારું અહોભાગ્ય કહેવાય, બાકી એને પૂછે કોણ..? અમારે તો એટલો જ આનંદ લેવાનો કે, બિચારાંઓએ મોક્ષની પ્રાપ્તિ માટે અમારા ઘરની પસંદગી કરી..! વસ્તીના મામલે માંકડમાં કોઈ નિયંત્રણ નહિ. એમનામાં ‘ઓછા બાળ જય ગોપાળ’જેવું નહિ આવે, ‘ઝાઝા બાળ ઝાઝા રખેવાળ’જેવું આવે..!

ખટમલનાં ઈંડાં હોય તો રાઈના દાણા જેવા, પણ ચટકા ભરવા બેઠો તો, રાઈનો પર્વત કરી નાંખે..! સાલા ભણેલા નહિ, પણ સંતાકૂકડી રમવામાં માહિર..! ગમે એટલી સર્જીકલ સ્ટ્રાઈક કરો, સરળતાથી હાથમાં નહિ આવે..! ખટમલોની પહોંચ પણ ઊંચી..! ઘણાને ખબર ના હોય કે, ૯ મી જૂન એટલે ‘નેશનલ બેડ બગ્સ પ્રિવેન્શન ડે….!”વળી આપણે પણ ખડ્ડૂસ, માંકડ-મચ્છર લોહી ચૂસે તો ભલે ચૂસે, પણ રક્તદાન કેન્દ્રને લોહી નહિ આપે. સારું છે કે, માંકડ-મચ્છર સાથે ‘સેલ્ફી’ લેતા નથી..! આ તો એક વાત..!

 પેટછૂટી વાત કરું તો, લોહી પીવાના મામલે ‘વાઇફો’તો ખોટી જ બદનામ થાય છે હંઅઅકે..? એ નરી અંધશ્રદ્ધા છે. મારી શૈલીએ મારું લોહી ઉકાળ્યું હશે, બાકી પીધું નથી. પીતી હોય તો આજે એ સુકલકડી ના હોય..? લગનનાં ૫૩ વરસે પણ મારા વજનને એ આંબી શકી નથી બોલ્લો..! આનાથી સારો પુરાવો બીજો શું આપું..? વજન કાંટાના હવાલે જાય ત્યારે, કાંટો પણ ત્રીસના આંકડા સુધી પહોંચતાં-પહોંચતાં હાંફવા માંડે. હું ને વજન કાંટો બંને શૈલીથી ધ્રૂજીએ..! જો શૈલીને ધ્રુજાવવી હોય તો, વંદો-છીપકલી કે માંકડ બતાવવો પડે તો જ થથરે.! ભગવાન પૂછે કે, તારે આવતો જનમ શેનો જોઈએ છે તો, માંકડનો જ માંગુ..! શૈલી નહિ ને બીજી કોઈ સાટું તો વળે..? બીજું શું..? “

 ભૂરો ઘણી વાર મને કહે કે, આ માંકડ-મચ્છર વગેરેની આયાત પાકિસ્તાનથી થયેલી હોવી જોઈએ. એટલા માટે કે બંનેના ગુણધર્મો મોટા ભાગે મળતા આવે. જુઓ ને, પાકિસ્તાન જન્મ્યું ત્યારથી લોહી પીએ, કે કાશ્મીર અમારું છે. આઝાદીનાં ઝાડવાં પાકટ થયાં, પણ કાશ્મીરનું પૂંછડું હજી છોડતાં નથી. અલ્યા ગરબો ગાઈને જે ગુજરાતી માતાજીને ગગલાવે કે, “પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી, પાવાગઢવાળી મને દર્શન દે, દર્શન દે, નહિ તો મારી પાવલી પાછી દે..!” માતાજી જેવાં માતાજી પાસેથી પાવલી પાછી માંગે, એ ગુજરાતી પાકિસ્તાનને કાશ્મીર આપે ખરો..?

લાસ્ટ બોલ
ભરેલી પડી જેના મનમાં, નફરત કેરી ખાણ
ઈસર એ નહિ સુધરે ભલે પાથરો તમે પ્રાણ
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top