Comments

દુનિયાભરમાં લોકશાહી માત્ર એક ‘લેબલ’ બનીને રહી ગઈ છે

ગ્રીકમાં ઉદ્ભવ પામેલી અને દુનિયાભરમાં પ્રસરેલી, વિકસેલી તથા દુનિયાના તમામ ચિંતકો, નીતિ-નિર્ધારકોએ જેને સૌથી ઉપયોગી, વ્યવહારુ અને આદર્શ ગણી તે લોકશાહી શાસન વ્યવસ્થા સત્તરમી સદી પછી દુનિયાના તમામ અગ્રણી દેશોમાં સ્વીકારાઈ. દેશમાં સંસદીય લોકશાહી હોય, નાગરિકો દ્વારા સીધા જ પ્રમુખને ચૂંટતી પ્રમુખશાહી પધ્ધતિ હોય કે અન્ય સ્વરૂપ હોય પણ મૂળત: પ્રજા જાતે જ પ્રતિનિધિની ચૂંટણી કરે અને આ પ્રજાના પ્રતિનિધિ, પ્રજાના બદલે રાજ્ય-વહીવટ ચલાવે જ્યાં નીતિ-વિષયક નિર્ણયો ચર્ચા દ્વારા બહુમતના નિયમથી ઘડવામાં આવે અને રોજિંદો વ્યવહાર કાયદાના શાસનથી ચાલે! કાયદો ઘડાય પછી તેના અમલ, વ્યવહારમાં ભૂલ હોય તો કાયદો બદલવો પણ તોડવો નહીં! આવું ‘સોક્રેટીસ’ કહેતા હતા. ટૂંકમાં તલવારના જોરે શાસનના યુગનો અંત આવ્યો. મનઘડત તુક્કાઓનું કાયદામાં રૂપાંતર કરનાર રાજાશાહીનો અંત આવ્યો અને નેતા-પ્રજાના પરસ્પર સંવાદ, ચર્ચા અને તજજ્ઞોના અભિપ્રાયથી કાયદાના શાસનની શરૂઆત થઈ.

લોકશાહીમાં કેન્દ્રસ્થાને છે લોકોનો ‘મત’ પ્રજાના પ્રતિનિધિએ સતત લોકોના સંપર્કમાં રહેવાનું છે અને તેમની ઈચ્છાઓ, અપેક્ષાઓ, જરૂરિયાતો જાણવાની છે. તે મુજબ રાજ્ય-વહીવટ ચલાવવાનો છે અને માટે જ સ્થાનિક પ્રશ્નો જરૂરિયાત માટે સ્થાનિક સત્તામંડળ, પ્રદેશ અને રાજ્યની જરૂરિયાત, ખાસિયત માટે રાજ્ય અને રાષ્ટ્રિય જરૂરિયાત માટે રાષ્ટ્રિય સરકાર એમ નીચેથી ઉપર શંકુ આકારની ગતિશીલતા આ મોડલમાં જોવા મળે છે.

ઈંગ્લેન્ડની રાજ્યક્રાંતિ, ફ્રાન્સની રાજ્યક્રાંતિ, અમરેલીમાં લોકશાહી સરકાર… દુનિયાના તમામ અતિ વિકસિત દેશોમાં ક્રમશ: રાજાશાહીનો અંત આવ્યો અને લોકશાહી વિસ્તાર પામી. પોતાના દેશમાં લોકશાહીનો ઉદ્ભવ અને વિકાસ થયો છે તેનું કહેવામાં ગૌરવ રાખનારા બ્રિટીશરોએ પોતાના કાબૂમાં રહેલા નાના-નાના અનેક દેશોને સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્ર તરીકે વિકસવા દેવામાં ખૂબ ઠાગાઠૈયા કર્યા. પણ અંતે તે બધા દેશો પણ સ્વતંત્ર થયા અને લોકશાહી વ્યવસ્થાના શરણે ગયા.

ઓગણીસમી સદીમાં દુનિયાભરમાં જેનો જયજયકાર થયો તે લોકશાહી શાસનવ્યવસ્થા એકવીસમી સદીના પ્રથમ પચ્ચીસ વર્ષમાં  માત્ર કહેવા પૂરતી ‘લોકશાહી’ થઈ ગઈ છે. દુનિયાભરમાં રશિયા, કોરિયા, ચીન, અફઘાનિસ્તાન જેવા દેશોમાં તો પ્રમુખોની સીધી જ સરમુખત્યારશાહી ચાલે છે. જ્યારે બ્રિટન, જર્મની, ભારત, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં લોકપ્રતિનિધિત્વ છે પણ લોકોની ભાગીદારી ભાગ્યે જ છે. થોડાક યુરોપિયન દેશોને બાદ કરતાં ‘પ્રજામત’ની કોઈને હવે પડી નથી.

આફ્રિકાના ગરીબ દેશો, પાકિસ્તાન જેવા અંધાધૂંધીથી ભરેલા દેશોમાં તો શાસનવ્યવસ્થા જ નથી! માટે ત્યાં તો કોઈ શાહી છે જ નહીં! તો સરવાળે ચિત્ર એ છે કે દુનિયાની સાતસો કરોડની વસ્તીમાં ચારસો કરોડ લોકો તો અરાજકતામાં જીવે છે. બસો કરોડ લોકો કહેવાતી લોકશાહીમાં જીવે છે. માંડ પચ્ચીસ, ત્રીસ કરોડ લોકો લોકશાહી વ્યવસ્થાના ‘કાયદાના શાસન’માં જીવે છે જ્યાં વડા પ્રધાન પણ લાઈફ જેકેટ પહેર્યા વગર બોટ ચલાવે તો દંડ થાય છે! નેતાની પુત્રી વગર લાયસન્સે ગાડી ચલાવે તો દંડ થાય છે. દેશનો સુપરસ્ટાર પણ મહિલા છેડતીના આરોપમાં તત્કાલ જેલભેગો થઈ જાય છે.

બ્રિટન પહેલાં યુરોપિયન યુનિયનનો ભાગ હતું. બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું કે અલગ થવું તેનો નિર્ણય કરવાનો હતો. એટલે બ્રિટનમાં સંસદે સીધો જ કાયદો પસાર ન કર્યો. પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ બહુમતીથી નક્કી ન કરી નાખ્યું પણ બ્રિટનમાં જાહેર મતદાન થયું અને પ્રજાએ જ મતદાન દ્વારા નક્કી કર્યું કે બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી નીકળી જશે અને પછી બ્રિટનની સંસદે ‘બ્રેકમીટ’ સ્વીકાર્યુ્ં! યાદ કરો, બ્રિટનમાં જ ઋષિ સુનક વડા પ્રધાન થયા તે પહેલાંના વડા પ્રધાન પર આરોપો મૂકાયા, આક્ષેપો થયા તો બ્રિટનની કેબિનેટે જ પોતાના જ પક્ષના નેતાનું રાજીનામું માગીને બીજા નેતાને વડા પ્રધાન બનાવેલા!

લોકશાહીનું સાચું હાર્દ જ આ છે. તમામ મોટા નિર્ણયો માટે લોકોને સાથે રાખો. ‘પક્ષ’ એ તો વ્યવસ્થા છે. ચુંટાયેલા તમામ સાંસદો પ્રજાના પ્રતિનિધિઓ છે. રોજ સવાર પડે તમામ બાબતના નિર્ણય માટે પ્રજા પાસે જઈ શકાય નહીં એ વાત સાચી પણ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિને તો પૂછી શકાય ને! હવે પ્રજાને તો ઠીક તેમના પ્રતિનિધિઓને પણ કોઈ પૂછતા નથી! પૂછતું નથી ત્યાં સુધી તો ઠીક પણ ‘સાંભળતું પણ નથી’’ આવી લોકશાહી વ્યવસ્થામાં લોકોના મત માટે એક માત્ર ‘ચૂંટણી’ થાય છે જે પાંચ વર્ષે થાય છે. એક વાર ચૂંટણી પૂરી પછી પ્રજા કોણ? અને નેતા કોણ? ન શિક્ષણ નીતિમાં ના વહીવટમાં ન લગ્ન અંગેના કાયદામાં ન નાગરિક અધિકારીઓ! ક્યાંય પ્રજાને કશું પૂછવામાં જ નથી આવતું! કાયદા, નિયમો, વ્યવસ્થાઓ સીધી માથે મારવામાં આવે છે!

અમે આ નક્કી કર્યું છે! તમારે આનો અમલ કરવાનો છે! એટલું જ નહીં! તેની વાહવાહ કરવાની છે! ઈઝરાઈલે ગાજા પટ્ટીમાં કરેલા હુમલામાં નાગરિકો માર્યા ગયાં, શાળા- હોસ્પિટલો તબાહ થઈ ગઈ. ઈઝરાઈલની પ્રજાએ વારંવાર તેમના પ્રમુખ વિરુધ્ધ દેખાવો કર્યા પણ સરવાળે પરિણામ શૂન્ય. પ્રજા ઈચ્છે કે ન ઈચ્છે! નેત્યનાહૂ ન ઈચ્છે ત્યાં સુધી યુધ્ધ બંધ થવાનું નથી! આવું જ યુક્રેન, રશિયાનું છે! યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હોય કે રશિયાના પુતિન પ્રજાને તો પૂછતા જ નથી કે હવે યુદ્ધ બંધ કરવું છે કે ચાલુ રાખવું છે?

એક સમયે રાજ્યશાસ્ત્રીઓ વિચારતા કે અમેરિકા જેવા દેશોમાં કાયદાનું શાસન રોજિંદા જીવનમાં એવું રૂઢ છે કે ચૂંટણી પછી સત્તા પરિવર્તન થાય તો પણ રોજબરોજના જીવનમાં કાયદાનું શાસન માનવમૂલ્યોના રક્ષણ સાથે ચાલ્યા કરશે અને માટે જ અમેરિકા જેવા દેશોમાં પ્રજા સીધા રાજકારણથી દૂર રહેતી અને પોતાનું કામ કર્યા કરતી. પણ ટ્રમ્પની નવી ઈનીંગે આ વિશ્વાસ પણ તોડી નાખ્યો છે! હાર્વર્ડ યુનિવર્સિટીમાં કોણ ભણશે તે અત્યાર સુધી યુનિવર્સિટી નક્કી કરતી હતી પણ હવે તે ટ્રમ્પ નક્કી કરી રહ્યા છે. મૂડીવાદી, અમેરિકા કદી કહેતું ન હતું કે તેમના ઉદ્યોગપતિ ક્યા દેશમાં ઉત્પાદન કરશે અને કયામાં નહીં કરે? પણ હવે ટ્રમ્પ કરે છે! દુનિયાભરમાં લોકશાહી દેશોમાં એ સ્વીકૃત પરંપરા હતી કે આગળની સરકારે કરેલા કાયદાથી જેને લાભ મળ્યો એ નાગરિકોના લાભ નવી સરકાર પાછા નહીં ખેંચે. હવે એ સાચું નથી.

આપણા ગુજરાતી કવિ સ્વ. બાલુ પટેલનો એક શેર છે કે લોકસભામાં લોકો ક્યાં છે? બધે નેતા છલોછલ. ટૂંકમાં માત્ર ચૂંટણી થાય છે એટલે દેશમાં લોકશાહી છે એ માનવું ભ્રમ છે. એક કટાક્ષ જે સાચો પડવાની હદે પહોંચ્યો છે તે એ છે કે ‘ચૂંટણી એટલે આવનારાં પાંચ વર્ષ માટે મારે કોની ગુલામી કરવી તે નકકી સ્વતંત્રતા આપતી વ્યવસ્થા!’’ તો જેમ ખોખા ઉપર નામાંકિત કંપનીનું લેબલ લગાવી સ્થાનિક કંપનીઓ પોતાનો માલ ભરી દે તેમ વ્યક્તિવાદી, સામંતશાહીના માલ ભરેલા ખોખા પર ‘‘લોકશાહી’’  લેબલ લગાવી દેવું તે છેતરપિંડી છે દુનિયાભરમાં આ લેબલ’’ ચાલે છે. મૂળ માલ તો ક્યાંય ગાયબ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top