Sports

”શ્રેયસ મેચ હાથમાંથી ખેંચી ગયો”, હાર બાદ હાર્દિક પંડ્યાનું દર્દ છલકાયું, પંજાબ IPLની ફાઈનલમાં પહોંચ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની ક્વોલિફાયર-2 મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) એ મુંબઈ ઇન્ડિયન્સ (MI) ને 5 વિકેટથી હરાવ્યું. 1 જૂન (રવિવાર) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચમાં, પંજાબને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે 6 બોલ બાકી રહેતા પ્રાપ્ત કર્યો.

આ જીત સાથે પંજાબ કિંગ્સ ફાઇનલમાં પ્રવેશ્યું જ્યાં તેનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થશે. મુંબઈ ઈન્ડિયન્સનું છઠ્ઠી વખત ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. ફાઇનલ મેચ 3 જૂને સાંજે 7.30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

ક્વોલિફાયર 2 મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. હાર્દિક પંડ્યાએ પંજાબ કિંગ્સની જીતનો શ્રેય શ્રેયસ ઐય્યરને આપ્યો. ઐય્યરે જેણે અણનમ 87 રન બનાવીને મેચને સંપૂર્ણપણે મુંબઈના હાથમાંથી ખેંચી લીધી હતી. હાર્દિક પંડ્યાએ ટીમની હાર માટે બોલરોને જવાબદાર ઠેરવ્યા.

મેચ પછી હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘શ્રેયસ ઐય્યરે ખરેખર સારી બેટિંગ કરી. તેણે ચાન્સ લીધા. તેના કેટલાક શોટ્સ ખરેખર અદ્ભુત હતા. સંપૂર્ણ શ્રેય પંજાબના બેટિંગ યુનિટને જાય છે. તેઓએ ખરેખર શાનદાર બેટિંગ કરી. મને લાગે છે કે અમે એવરેજ ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ અમને વધુ સારા બોલિંગ પ્રદર્શનની જરૂર હતી, ખાસ કરીને આટલી મોટી મેચમાં.

હાર્દિક પંડ્યા કહે છે, અમે અમારી યોજનાઓને અમારી ઇચ્છા મુજબ અમલમાં મૂકી શક્યા નહીં. વાત પિચ વિશે નહોતી. તે યોગ્ય લેન્થ બોલિંગ કરવા અને યોગ્ય સમયે યોગ્ય બોલરને લાવવા વિશે હતું. જો અમે તેમાં વધુ સારા હોત, તો કદાચ પરિણામ અલગ હોત. પાછળ ફરીને જોતાં પરિસ્થિતિ અલગ થઈ શકી હોત. અમે હંમેશા માનીએ છીએ કે જો 18 બોલ બાકી હોય તો પણ જસ્સી (બુમરાહ) કંઈક ખાસ કરી શકે છે. આ મેચમાં એવું બન્યું નહીં.

‘મને આવા મોટી તકો ગમે છે….’
વિજેતા ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું, ‘મને આવા મોટી તકો ગમે છે. હું હંમેશા મારી જાતને અને મારા સાથી ખેલાડીઓને કહું છું કે જેટલો મોટી તક હશે ત્યારે તમે જેટલા શાંત રહેશો તેટલા મોટા પરિણામો તમને મળશે. આજે એક સંપૂર્ણ ઉદાહરણ હતું. હું ત્યાં પરસેવા કરતાં મારા શ્વાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો.

શ્રેયસ ઐયરે કહ્યું, મેચ પહેલા મેં કહ્યું હતું તેમ બધા ખેલાડીઓએ પહેલા જ બોલથી જ ઇરાદો બતાવવાની જરૂર છે. બીજા છેડેથી બેટ્સમેન ખૂબ સારી બેટિંગ કરી રહ્યા હતા. હું જાણું છું કે હું મેદાનમાં જેટલો વધુ સમય વિતાવું છું, તેટલો જ હું વધુ સારો બનીશ. પહેલી મેચથી જ ઇરાદા અને સકારાત્મકતાની જરૂર હતી. એક મેચ (RCB સામેની હાર) આપણને એક ટીમ તરીકે વ્યાખ્યાયિત કરી શકતી નથી.

Most Popular

To Top