
વડોદરા તા.૨
કરજણ તાલુકાના કરમડી ખાતે રહેતા માલિકોની જમીન ગેરકાયદે પચાવી પાડી લેન્ડ ગ્રેબિંગ અને ઠગાઈના ગુનામાં 10 વર્ષથી ભાગતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડની ટીમે નડિયાદથી ઝડપી પાડ્યો હતો.
કરજણ તાલુકાના કરમડી ખાતે ચોખંડી ફળિયામાં રહેતા વિષ્ણુભાઈ ત્રિભોવનભાઇ પટેલ તથા તેમના ભાઈ જશુભાઈ પટેલની માલિકીની જમીન વિજયસિંહ ચંદ્રસિંહ રાજ (રહે. શુભ લક્ષ્મી બંગ્લોઝ, ઉન્નતિ વિદ્યાલયની સામે, ઝોટેશ્વર રોડ ભરૂચ)એ કોઈ પણ જાતની સંમતિ કે લેખિત કરાર,સમજુતી કરાર અને બાનાખત કે દસ્તાવેજ કર્યા વગર ગેરકાયદે દબાણ કરી મકાન નંબર એ 9 થી 13 અને બી-14 થી બી-45 સુધીના તમામ મકાનો બાંધી દીધા હતા. ઉપરાંત મકાનોમાં ગેરકાયદે એમજીવીસીએલ, કરજણ ખાતેથી વીજ કનેકશનો મેળવી તથા નગર પાલિકામાંથી ગટર જોડાણ તેમજ પાણી જોડાણ મેળવી તથા અને ગેરકાયદે માલિકીની જમીન ઉપર બનેલા મકાન અન્ય ગ્રાહકોને વેચાણ કરી આપી તેઓની પાસેથી રૂપિયા પડાવી લઈ મકાનનો કબ્જો તેઓને સોંપી દઇ તેમના ભાગની જમીન ઉપર કબ્જો કરી પચાવી પાડયો હતો. ત્યારે આ વિષ્ણુભાઈ પટેલે લેન્ડ ગ્રેબિંગની કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પરંતુ આરોપી છેલ્લા 10 વર્ષથી ભાગતો ફરતો હતો. દરમિયાન ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડની ટીમ આ આરોપી તપાસ કરી હતી ત્યારે આરોપી વિજયસિંહ રાજ નડિયાદ ખાતે રહેતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડની ટીમ નડિયાદ ખાતે પહોંચીને વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. પેરોલ ફર્લો સ્કોડ દ્વારા આરોપીને આગળની કાર્યવાહી માટે કરજણ પોલીસને સોંપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કરજણ પોલીસ સ્ટેશનમાં ઠગાઈ, લેન્ડ ગ્રેબિંગ તથા નેગોસીએબલ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો છે.