પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. જેમાં બલુચિસ્તાન પ્રાંતના સુરાબ જિલ્લામાંથી મોટી માહિતી પ્રકાશમાં આવી છે. જ્યાં બલોચ લિબરેશન આર્મી (BLA)ના સશસ્ત્ર લડવૈયાઓએ શહેર પર કબજો કરવાનો દાવો કર્યો છે. પ્રારંભિક અહેવાલો અનુસાર બીએલએ સભ્યોએ સ્થાનિક લેવિજ પોલીસ સ્ટેશન અને એક બેંક પર કબજો કર્યો છે. આ વિસ્તાર સંપર્કથી કપાયો માહિતી અનુસાર, મોટી સંખ્યામાં સશસ્ત્ર લડવૈયાઓએ સુરાબ શહેરના મુખ્ય વિસ્તારો કબજે કર્યા છે. ક્વેટા-કરાચી અને સુરાબ-ગિડર હાઇવે પર તપાસ અને કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ જિલ્લામાં અને તેની આસપાસ કડક નાકાબંધી કરવામાં આવી છે અને દરેક આવતા-જતા વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે.આ વિસ્તારમાં હાલ પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે અને આ વિસ્તાર લગભગ સંપર્કથી કપાયેલો છે. જોકે,અત્યાર સુધી સરકાર કે સુરક્ષા એજન્સીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ દરમિયાન, બીએલએ પ્રવક્તા જિયાંદ બલોચે એક નિવેદનમાં દાવો કર્યો છે કે તેમના લડવૈયાઓએ સુરાબ શહેર પર સંપૂર્ણ કબજો કરી લીધો છે.
તેમણે કહ્યું કે સ્થાનિક બેંકો, લેવિજ પોલીસ સ્ટેશન હવે તેમના નિયંત્રણમાં છે. સંગઠન દ્વારા ટૂંક સમયમાં વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવશે. એડિશનલ ડેપ્યુટી કમિશનર હિદાયત ઉલ્લાહનું ગુંગળામણથી મૃત્યુ થયું હતું. તેમને સશસ્ત્ર હુમલાખોરોએ એક રૂમમાં બંધ કરી દીધા હતા. હાલમાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ તો વાત થઈ બલુચિસ્તાનની પાકિસ્તાન માટે હવે અફઘાનિસ્તાન પણ સારા સંબંધની શ્રેણીમાં આવતું નથી. ભારત, બલોચ વિદ્રોહી, અફઘાનિસ્તાન અને તહેરીકે તાલિબાન પાકિસ્તાન આમ ચારે તરફથી પાકિસ્તાન ઘેરાયેલું છે. એટલે જ બલોચ પાકિસ્તાન પર હાવી થઈ રહ્યા છે એમ કહીએ તો પણ ખોટું નથી.
અફઘાનિસ્તાનમાં તખ્તાપલટ થયા પછી પાકિસ્તાન પ્રથમ દેશ હતો, જેણે 2021 માં તાલિબાનને માન્યતા આપવા પ્રયાસ કર્યો હતો. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વાસ્તવમાં પાકિસ્તાન એરફોર્સે અગાઉ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને તહરિક-એ-તાલિબાન પર હુમલો કર્યો, જેના કારણે તાલિબાન આક્રમક મૂડમાં છે. એવું લાગે છે કે તાલિબાન હવે પાકિસ્તાનને છોડી દેવાના મૂડમાં નથી. હવે તાલિબાન પાકિસ્તાનના એ જ હાથ કરડવા તૈયાર છે, જેણે તેને ખાવા-પીવાનું આપ્યું અને પાલન-પોષણ કર્યું છે. પાકિસ્તાની વાયુસેનાના હુમલાથી તાલિબાન ગુસ્સે થયું અને હવે તેણે પાકિસ્તાન પાસેથી બદલો લેવા 15,000 લડવૈયા મોકલ્યા છે. અફઘાનિસ્તાને કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસના પ્રભારીને બોલાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
નારાજ તાલિબાને જાહેરાત કરી કે તેના 15,000 લડવૈયાઓ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મીરા અલી સરહદ તરફ કૂચ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ પાકિસ્તાની એરફોર્સના હુમલામાં અફઘાનિસ્તાનમાં 46 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાને પક્તિકા પ્રાંતમાં સશસ્ત્ર જૂથો પર હુમલા કર્યા હતા. તાલિબાન સરકારે પાકિસ્તાન પર નાગરિકોને નિશાન બનાવીને મારવાનો આરોપ લગાવ્યો અને આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની ધમકી આપી હતી.
આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન સરકારે પાકિસ્તાની સરહદ તરફ ટેન્ક અને અન્ય ખતરનાક હથિયારોની તૈનાતી વધારી દીધી છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. સરહદ પર હથિયારો તૈનાત અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી મુહમ્મદ યાકુબ મુજાહિદે પાકિસ્તાનને ચેતવણી આપ્યા બાદ કરવામાં આવ્યા છે. ભારતે પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ શરૂ કરેલા ઓપરેશન સિંદૂરને પગલે હવે પાક.ના કબજાવાળા પીઓકેમાં આઝાદીની ચળવળ વધુ ઉગ્ર બની રહી છે. પાકિસ્તાની સરકાર અને સૈન્યના અત્યાચારોનો ભોગ બનેલા બલુચિસ્તાનને સ્થાનિક નેતાઓ અને જનતાએ સ્વતંત્ર જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત પાક. સામેની આ લડાઇમાં ભારત ઉપરાંત વિશ્વભરના દેશોની મદદ પણ માગી છે.
બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે બુધવારે સત્તાવાર રીતે બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી હતી. સાથે જ તેમણે પાક.ને ચેતવણી આપતા કહ્યું હતું કે જો અમને કબજામાંથી મૂક્ત ના કર્યા તો ૧૯૭૧માં જેવા હાલ થયા હતા તેનો સામનો કરવો પડશે. બલુચિસ્તાનની જનતા અને તેમના નેતા મીર યારે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)ને પાકિસ્તાનથી સ્વતંત્ર કરાવવાની માગણીને પુરુ સમર્થન આપ્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય, સંસ્થાઓ અને વિવિધ દેશોની સરકારને અપીલ કરી હતી કે તેઓ બલુચિસ્તાનને પાકિસ્તાનથી મૂક્ત કરાવવામાં સ્થાનિકોને મદદ કરે અને આ મામલે પાકિસ્તાન પર દબાણ કરે.
આ સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન આ વાતનો સ્વીકાર કરવા તૈયાર ના હોય તો પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોએ ઢાકામાં જે હારનો સામનો કર્યો હતો તેવી જ હારનો સામનો કરવો પડશે. જેના માટે પાકિસ્તાનના લાલચી જનરલ પણ જવાબદાર ગણાશે. બલુચિસ્તાનના લોકોએ ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયે બાંગ્લાદેશની રચના થઇ તેનો ઉલ્લેખ કરીને આ ચેતવણી પાક. સૈન્ય અને સરકારને આપી હતી. તે સમયે પાકિસ્તાનના ૯૩ હજાર જેટલા સૈનિકોએ ભારતીય સૈન્ય સામે સરેન્ડર કરવુ પડયું હતું.
ફરી આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ બલુચિસ્તાનને લઇને થઇ શકે છે તેવી ચેતવણી તેમણે આપી હતી. હાલમાં એક તરફ બલુચિસ્તાનના નેતાઓ આઝાદીની ગુહાર લગાવી રહ્યા છે જ્યારે બીજી તરફ બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)એ પાકિસ્તાન સૈન્યને આકરા જવાબ આપવાનું શરૂ કરી દીધુ છે. બલુચિસ્તાનમાં બીએલએએ બહારના લોકોનું અપહરણ કરીને પાક. સૈન્ય પર દબાણ વધાર્યું છે. મૂળ પાક.ના પંજાબના વતની ચાર ટ્રક ડ્રાઇવરોનુ બલુચિસ્તાન લિબરેશન આર્મીએ અપહરણ કરી લીધુ હતું, અને પોતાની માગણીઓ સરકાર સમક્ષ મુકી હતી, જેનો સ્વીકાર ના કરાતા આખરે આ ચાર ટ્રક ડ્રાઇવરોની હત્યા કરી દેવામાં આવી હતી.
આ ટ્રક ડ્રાઇવરોનું અપહરણ નવમી મેના રોજ કરી લેવામાં આવ્યું હતું. આ ટ્રક ડ્રાઇવરો ઇરાનથી પાકિસ્તાન માટે એલપીજી લઇને આવી રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી પાક.ના પંજાબી મૂળના લોકોને બલુચિસ્તાન આર્મી ટાર્ગેટ કરી રહી છે. આ ઉપરાંત પાક. સૈન્ય પર પણ હુમલા વધારી દીધા છે. જેને પગલે હાલ બલુચિસ્તાનની સ્વતંત્રતાનો મુદ્દો ભારે ચર્ચામાં છે. બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્ય, પોલીસ અને એજન્સીઓ સ્થાનિકો પર ભારે અત્યાચાર કરી રહ્યા છે. જેને પગલે હવે મહિલાઓ પણ ઘરોની બહાર નીકળીને સ્વતંત્રતાની ચળવળની નેતાગીરી લેવા લાગી છે. આ મુદ્દો આગામી દિવસોમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.