શહેરમાં રસ્તાઓ ઉપર ભારે ભરખમ મિક્ષર મશીન બેફામ દોડતા દેખાતા હોય છે. આવા ટ્રકોને લીધે ઘણીવાર ગંભીર જીવલેણ અકસ્માતો થતા હોય છે. આજે એવો જ એક અકસ્માત શહેરના ડુમસ એરપોર્ટ રોડ નજીક થયો છે, જેમાં એક આશાસ્પદ 22 વર્ષીય યુવતીનું કરૂણ મોત નિપજ્યું છે.
ડુમસ એરપોર્ટ નજીકથી મોપેડ પર પસાર થતી યુવતીને મિક્સર મશીનના ટૂંક ચાલકે અડફેટે લેતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું કરૂણ મોત નીપજયું હતું. જેને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડુમસ આસપાસ સ્ટ્રીટમાં 22 વર્ષીય યુક્તા જયેશભાઈ ભગત પરિવાર સાથે રહેતી હતી અને વેસુ ખાતે આવેલ કારની કંપનીના શો-રૂમમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. ગઈ કાલે યુક્તા રોજની જેમ પોતાની મોપેડ પર નોકરીએ જવા નીકળી હતી. દરમિયાન ડુમસ એરપોર્ટ કોવાળા ત્રણ રસ્તા પાસેથી પસાર થતી હતી. ત્યારે મિક્સર મશીનના ટ્રક ચાલકે યુક્તાની મોપેડને ટક્કર મારી અડફેટે લેતા તેને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે 108 એમ્બુલેન્સ દ્વારા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
યુક્તાના મૃત્યુના સમાચાર સાંભળી પરિવાર આઘાત પામ્યો હતો. પરિવારજનોના આંસુ અટકી રહ્યાં નહોતા. દરમિયાન ગ્રામજનો અને સ્થાનિકોએ આ રસ્તા પર ભારે ભરખમ મિક્ષર મશીનો ફૂલસ્પીડમાં દોડતા હોવાની ફરિયાદ કરી હતી. આ ભારે વાહનોને દોડતા અટકાવવા માંગ કરી હતી, તેમજ કસૂરવાર ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. બનાવ અંગે ડુમસ પોલીસે મિસ્કર મશીનના ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.