ગુરુજીએ પ્રાર્થના બાદ શિષ્યોને પ્રશ્ન પૂછ્યો કે, ‘તમારા જીવનને ઉન્નત અને ઉજ્જવળ બનાવવું હોય તો શું કરવું જોઈએ?’ શિષ્યો એક પછી એક જવાબ આપવા લાગ્યા કે આપણે આપણા જીવનને ઉન્નત ઉજ્જવળ બનાવવું હોય તો આપણે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. ખૂબ ભણવું જોઈએ, ખૂબ મહેનત કરવી જોઈએ. ઘણા બધા પૈસા કમાવા જોઈએ. આવા કંઈક કેટલા જવાબો આવ્યા. બધા જવાબોના મૂળમાં પૈસા કમાવા અને પૈસા ભેગા કરવાની વાત હતી. ગુરુજીએ કહ્યું,’ તમારા બધાનો જવાબ મને જે જવાબ જોઈએ છે તે નથી.’
ગુરુજીના પટ્ટશિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, જીવનને ઉન્નત ઉજજવળ સફળ પ્રકાશિત કરવા માટે શું કરવું જોઈએ તે તમે સમજાવો કારણ કે અમારા મત મુજબ તો ખૂબ ભણી ગણી મહેનત કરીને પૈસા કમાવાથી જ જીવન ઉન્નત અને ઉજજવળ બની શકે તો શું આ વિચાર ખોટો છે?’ ગુરુજીએ કહ્યું ,’ના વિચાર ખોટો છે એમ તો નહીં કહું પણ મને જે જવાબ જોઈએ છે તે આ જવાબ નથી.’ બધા શિષ્ય મૂંઝાયા. કોઈ કંઈ ન બોલ્યું.ધીમેથી એક શિષ્યે પૂછ્યું,’ ગુરુજી, તમે જ અમને સમજાવો કે તમે કેવા જવાબની આશા રાખો છો.’ ગુરુજીએ કહ્યું,’ જીવનને ઉન્નત ઉજજવળ અને પ્રકાશિત બનાવવા માટે આપણે જાતે બળવું પડે!’
આ સાંભળીને બધા મૂંઝાયા. કોઈને આ વાક્ય સમજાયું નહીં.એક શિષ્યે કહ્યું, ‘ગુરુદેવ, જાતે બળી જઈએ તો જીવન કેવી રીતે પ્રકાશિત બને.’ ગુરુજીએ કહ્યું,’ જાતે બળી જવું એટલે અન્યને મદદ કરવી, જાતને ભૂલીને બીજાની સેવા કરવી. જે વ્યક્તિ પોતાના જીવનમાં અન્યને મદદરૂપ થાય છે, અન્યના જીવનમાં રોશની ફેલાવે છે, તેનું જીવન આપોઆપ પ્રકાશિત થઈ જાય છે. જે વ્યક્તિ પોતાની જાતને ભૂલીને, સ્વાર્થને ભૂલીને સમાજને પ્રેમ કરે છે તેનું જીવન ઉજજવળ બને છે.જીવનમાં સંબંધોમાં, કુટુંબમાં, સમાજમાં,જે વ્યક્તિ સ્નેહ અને સેવાની સુગંધ ફેલાવે છે તેનું જીવન સદા ઉજ્જવળ અને પ્રકાશિત રહે છે.’ ગુરુજીએ પોતાના શિષ્યોને જીવનની ઉજ્જવળતા અને સફળતાનો સાચો અર્થ સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.