Editorial

લગ્નની લાલચે બળાત્કારની ફરિયાદ કરાય તે ખોટું, સુપ્રીમનો સીમાચિન્હરૂપ ચુકાદો

લગ્નની લાલચ આપી બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદોમાં સુપ્રીમ કોર્ટે શકવર્તી ચુકાદો આપ્યો.. સુપ્રીમ કોર્ટએ કહ્યું કે સંબંધ તૂટ્યા પછી બળાત્કારનો કેસ કરવામાં આવે છે તે ખોટું છે. તેને કારણે જેને આરોપી બનાવવામાં આવે છે તેની ઈમેજ બગડવાની સાથે જ્યુડિશિયલ સિસ્ટમ પર પણ નવો બોજો ઊભો થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો પુખ્તવયના સ્ત્રી અને પુરૂષ વચ્ચે સંમતિથી બંધાયેલો સંબંધ પાછળથી તૂટી જાય અથવા તો આ સંબંધમાં અંતર ઊભું થાય તો લગ્નનું ખોટું વચન આપીને બળાત્કાર કરવામાં આવ્યો તેવો કેસ બનાવી શકાય નહીં.

અત્યાર સુધી એવું થતું હતું કે પુખ્તવયના સ્ત્રી અને પુરૂષ વચ્ચે એકબીજાની સંમતિથી સંબંધ બંધાતો હતો. વર્ષો સુધી બંને સાથે રહેતા હતા અને જ્યારે બંનેના સંબંધમાં વાંકુ પડે ત્યારે સ્ત્રી દ્વારા પુરૂષ પર લગ્નની લાલચે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવતી હતી. પોલીસ પણ પુરૂષની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતી હતી અને કોર્ટ દ્વારા આ પુરૂષને સજા કરવામાં આવતી હતી. જોકે, આ જ પ્રકારની એક ફરિયાદમાં મહારાષ્ટ્રના અમોલ ભગવાન નેહુલ નામના આરોપીએ સુપ્રીમ કોર્ટમાં ઘા નાખી હતી.

મુંબઈ હાઈકોર્ટે નેહુલ સામે થયેલી ફરિયાદ રદ કરવાનો ઈન્કાર કર્યો હતો. નેહુલે મુંબઈ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારી પોતાની સામે નોંધાયેલી ફોજદારી કાર્યવાહીને રદ કરવાની દાદ માંગી હતી. સુપ્રીમ કોર્ટએ મુંબઈ હાઈકોર્ટના આદેશને રદ કરી દીધો હતો અને નેહુલ સામેની ફોજદારી કાર્યવાહીનો અંત લાવવામાં આવ્યો હતો. આ આદેશ આપતી વખતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે જણાવ્યું હતું કે, લગ્નના વચનનો ભંગ કરવો એ ખોટા વચન તરીકે ગણી શકાય નહીં, સિવાય કે સંબંધની શરૂઆતથી જ આરોપી તરફથી છેતરપિંડીનો ઇરાદો હોય.

બેન્ચે કહ્યું કે લગ્નના વચન તોડવાને ખોટો વચન કહીને કલમ 376 હેઠળ બળાત્કારનો કેસ દાખલ કરવો ખોટું છે. આ વલણ અંગે અગાઉ પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બે પુખ્તવયની વ્યક્તિ વચ્ચેના સંમતિથી બંધાયેલા સંબંધમાં બળાત્કારનો ગુનો બનતો નથી તેવું સુપ્રીમ કોર્ટનું વલણ અગાઉ પણ રહ્યું છે. અગાઉ માર્ચ માસમાં સુપ્રીમ કોર્ટે એક કેસમાં એવું કહ્યું હતું કે, 16 વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા પછી કોઈ પણ મહિલા પુરુષ પર બળાત્કારનો આરોપ લગાવી શકતી નથી. ફક્ત લગ્નનું વચન તોડવાથી બળાત્કારનો કેસ બનતો નથી.

આ કેસ એવો હતો કે 2022માં મહિલાએ તેના ભૂતપૂર્વ લિવ-ઇન પાર્ટનર સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. તેણીનો આરોપ હતો કે 2006માં તેના જીવનસાથીએ બળજબરીથી તેના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં, તેણે લગ્નના બહાને 16 વર્ષ સુધી તેનું શોષણ કર્યું. પછી તેણે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ કેસમાં પણ ચુકાદો આપતી વખતે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે, જો કોઈ મહિલા આટલા લાંબા સમય સુધી સંબંધમાં રહે છે, તો તેને છેતરપિંડી કે બળજબરી કહી શકાય નહીં.

આ બળાત્કારનો નહીં પણ લિવ-ઇન રિલેશનશિપ ખરાબ થવાનો કિસ્સો છે. તે સમયે સુપ્રીમ કોર્ટે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે એક શિક્ષિત અને આત્મનિર્ભર મહિલા આટલા વર્ષો સુધી કોઈના છેતરપિંડીમાં કેવી રીતે રહી શકે? એ કેવી રીતે શક્ય છે કે જ્યારે તેનો જીવનસાથી અચાનક બીજા કોઈ સાથે લગ્ન કરે છે, ત્યારે તે કેસ દાખલ કરે? કોર્ટે કેસ બંધ કરી દીધો, એમ કહીને કે કેસ ચાલુ રાખવો એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ હશે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી યોગ્ય જ હતી. હાલમાં એવું થઈ ગયું છે કે જ્યાં સુધી ફાવ્યું ત્યાં સુધી સંબંધ રાખ્યો અને બાદમાં સમસ્યા ઊભી થતાં પુરૂષને ફસાવી દેવાનો કારસો કરાઈ રહ્યો છે. આ રીતે અનેક સ્ત્રીઓ દ્વારા હનીટ્રેપ પણ કરવામાં આવી રહી હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પગલે અનેક નિર્દોષ દંડાતા બચી જશે તે નક્કી છે.

Most Popular

To Top