સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ એક અનોખી પહેલ કરી છે. રાણાએ રાજ્ય સરકારને પત્ર લખી પોતાની ગ્રાન્ટમાંથી 50 લાખની રકમ ફાળવવા વિનંતી કરી છે. આ રકમનો ઉપયોગ ધારાસભ્ય કેચ ધ રેઈન પ્રોજેક્ટના અમલ માટે કરવા ઈચ્છે છે. ધારાસભ્યએ સરકારને વિનંતી કરી છે કે તેઓ પોતાના મત વિસ્તારમાં વોટર રિચાર્જિંગ કરી વરસાદી પાણીને બચાવવા માંગે છે, જેથી તેમને તેમની ગ્રાન્ટ પૈકી 50 લાખની રકમ ફાળવવામાં આવે. આ સાથે ધારાસભ્યએ જ્યાં જ્યાં રિચાર્જિંગ બોરવેલ લગાડવાની જરૂરિયાત છે તેવા 50 સ્થળોની યાદી પણ રજૂ કરી છે.
- કોટ વિસ્તારમાં 50 રિચાર્જિંગ બોરવેલ માટે ધારાસભ્ય અરવિંદ રાણાએ ગ્રાન્ટમાંથી 50 લાખ ફાળવવા માંગ કરી
રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી વર્ષ 2025-26ની ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાંટમાંથી 50 લાખની ગ્રાન્ડની રકમ ફાળવવા ધારાસભ્યએ સરકારને પત્ર લખ્યો છે. અરવિંદ રાણાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, નવસારી લોકસભાના સાંસદ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વરસાદી પાણીનું ટીપે ટીપુ બચાવી નદી મારફત દરિયામાં વહી ન જાય તે માટે ઠેર-ઠેર વોટર રીચાર્જીંગ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેચ ધ રેઈન ના પ્રોજેક્ટને એક જનઆંદોલન બનાવ્યું છે. જેના ભાગ રૂપે મારા મત વિસ્તારમાં પણ નીચે વોટર રીચાર્જીંગના બોર બનાવી પાણીને ભૂગર્ભમાં સમાવવાની જરૂરિયાત છે.
સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં તેમના 159 સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી જાળીયા મારફત વરસાદી પાણી મુખ્ય નળીકા દ્વારા તમામ ક્ષેત્રમાંથી પસાર થઈને છેલ્લે તાપી નદીમાં પાણી છોડવામાં આવે છે.
સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકામાં જ આવી પાણીની (સ્ટ્રોમ વોટર ટ્રેઈન) ની સુવિધા અદ્ભુત રીતે બનાવવામાં આવી છે. જેથી વરસાદી પાણી તાપી નદીમાં ઠલવાઈને દરિયામાં સમાય જાય તેવી વ્યવસ્થા છે.
સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં જે જગ્યાએ વરસાદી જાળીયાની કેપેસીટી ઓછી છે. વરસાદના પાણી ભરાય છે. તેવા 50 જેટલા સ્થળોની મોજણી કરી છે. આ તમામ જગ્યાએ બોરીંગ કરી વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવાથી ભુગર્ભમાં પાણીનો સંગ્રહ થશે. સાથે સાથે ઉકાઈથી પાણી છોડવામાં આવે ત્યારે સેન્ટ્રલ ઝોનમાં રેલની આવશ્યકતા વખતે પણ આવા બોર દ્વારા પાણી ભૂગર્ભમાં જવાથી રેલ વખતે પણ રાહત થશે.
ઉપરવાસમાં વરસાદ આવે અને તાપી નદીના ઈનલેટ દરવાજા બંધ કરવામાં આવે ત્યારે પણ આટલા મોટા પ્રમાણમાં બોર થવાથી ગટરીયા પાણીના પ્રશ્નનો હલ થશે અને પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ થવાથી ભૂગર્ભ પાણીનું લેવલ પણ ઉંચુ આવવાથી શહેરની પ્રજા અને ભવિષ્યની પેઢીને પણ ખૂબ ફાયદો થશે. ધારાસભ્યએ તેમના મતક્ષેત્ર વિસ્તારમાં નિયમોનુસાર જરૂરિયાત મુજબની સાઈઝમાં બોરીંગ કરી વરસાદી પાણીને ભૂગર્ભમાં લઈ જવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી છે.
આ સ્થળો પર બોરવેલ લગાડવા રજૂઆત
- ચૌટાપુલ બ્રિજ નીચે સાંઈબાબા મંદિરથી ચૌટાબજાર વચ્ચે
- લાલગેટ પોલીસચોકીથી મોતીવાળા પરફ્યુમ
- માછલીપીઠથી ડો. ભક્કા દવાખાના ત્રણ રસ્તા પાસે.
- ડબગરવાડ ચુનાવાલા પાસે.
- સૈયદવાડા જંકશનથી તાંતવાડા.
- વલ્ભેશ્વર મહાદેવ મંદિરની ગલી.
- વૈદભાઈની શેરીના નાકે, નરેન સ્ટેશનરીની ગલીમાં.
- ખોજા કબ્રસ્તાન ગેટ, કાદરશાની નાળ.
- કમળ શા દરગાહ (નવો રોડ)
- સિમ્ગા સ્કુલ, રૂદરપુરા.
- સલાબતપુરા પોલીસ સ્ટેશન સર્કલ.
- રૂપમ સિનેમા.
- રેશમવાડ કબ્રસ્તાન.
- પ્રકાશ બેકરી, સિંગાપુરી પાડી.
- ભાતની પીઠ પાસે, નવાપુરા ગોલવાડ.
- વાંસફોડા પુલ, સલાબતપુરા.
- હુસૈની ચોક આંગણવાડી, મોમનાવાડ.
- લીમડાચોક, કબૂતરખાના.
- ચકાવાલાની શેરીના નાકે, વાડીફળિયા.
- સાહેલીદુકાન, ચટપટિયા હનુમાન પાસે.
- હિંગરાજ માતા મંદિર, વાડીફળિયા.
- 24 કેરેટ દુકાન, ચૌટાપુલ.
- ખપાટિયા ચકલા.
- નવાપુરા કાંટાની વાડ, ઝોલાણ શેરી, હનુમાન ટેકરા નીચે.
- રૂદરપુરા છપ્પન ચાલ.
- રાધાક્રિષ્ણા હોટલ પાસે મજૂરાગેટ.
- ક્ષેત્રપાલ હેલ્થ સેન્ટર.
- નવસારી બજાર સર્કલ.
- કૈલાશનગર, પંચશીલ બેન્ક.
- સિંગાપુરી વાડી, રિંગરોડ.
- અનાવીલ શેરી, સ્વાગત એપાર્ટમેન્ટ.
- ભંડારીવાડ, ઉધના દરવાજા.
- નવસારી બજાર રોડ, છાજેડ પાસે.
- તલાવડી રોડ, ટપાલ મંડપ ઓફિસ.
- લાલવાડી સેન્ટર પોઈન્ટની પાછળ.
- કૈલાશદીપ રીંગરોડ ચામુંડા પાસે.
- દેસાઈ પોળ, સોનિફળીયા.
- હીરા પન્ના એપાર્ટ. કાજીનું મેદાન. ગોપીપુરા.
- એલઆઈસી સ્ટાફ ક્વાર્ટસ, ટીમલીયાવાડ.
- શ્રી એપાર્ટમેન્ટ, મક્કાઈપુલ.
- ગીતા એપાર્ટમેન્ટ.
- સીતા એપાર્ટમેન્ટ.
- મહાવીર એપાર્ટમેન્ટ, અઠવાગેટ.
- ઋષિકેશ ત્રિવેણી એપાર્ટમેન્ટ, ટીમલીયાવાડ.
- રાજેશ્વર એપાર્ટમેન્ટ, ટીમલીયાવાડ.
- ગુજરાતમિત્ર પ્રેસ પાસે, સોનીફળિયા.