વોર્ડ: 30, બેઠક: 120, ઉમેદવાર: 484 ભાજપ: 120 કોંગ્રેસ: 117 આપ: 114 અન્યો: 133
દેશની સૌથી વધુ ઝડપથી વિકસતા શહેરોમાં અગ્રક્રમે મનાતાં સુરત શહેરમાં મહાનગર પાલિકાની ચૂંટણી માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ વખતે મનપાની ચૂંટણીમાં પ્રચાર માટે ઉમેદવારોને ખૂબ જ ઓછો સમય મળ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે તમામ 120 બેઠકો પર, કોંગ્રેસે 117 બેઠકો પર અને આપએ 114 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ વખતની ચૂંટણીમાં એટલો હુંસાતુંસીનો માહોલ નથી.
શરૂઆતમાં ઉમેદવારોની પસંદગી બાદ ભારે માથાકૂટ ચાલી હતી. પરંતુ બાદમાં રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા હતાં. એકમાત્ર પાસને બાદ કરતાં આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે એટલી માથાકૂટ પણ જોવા મળી નથી. કોરોનાને કારણે પણ આ વખતની ચૂંટણીમાં પ્રચારનો સુસ્ત માહોલ જોવા મળ્યો હતો. મોટાભાગનો પ્રચાર સોશિયલ મીડિયા પર જ ચાલી રહ્યો હોવાથી લોકો પણ એટલા તેમાં જોડાયા નથી.
આ વખતના પ્રચારમાં સુરતમાં ભાજપ હોય કે કોંગ્રેસ, કોઈના જ મોટા રાષ્ટ્રીય નેતાઓ એટલા પ્રચારમાં આવ્યાં નથી. જોકે, ગૃપ મીટિંગ અને ડોર ટુ ડોર સંપર્ક પર આ વખતે વધારે ભાર આપવામાં આવ્યો છે. ધીરેધીરે ચૂંટણી પ્રચાર હાઈટેક પણ બની રહ્યો છે. ભાજપે વર્ચુઅલ મીટિંગનો સહારો લીધો છે. તો કોંગ્રેસે સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાંથી નેતાઓ બોલાવીને અહીંયા રહેતા મતદારોને લોભાવવાનો પ્રયાસ કર્યો છે. આ વખતના પ્રચારમાં કતારગામમાં પ્રજાપતિ સમાજમાં પક્ષને બાજુ પર મુકીને સમાજના ઉમેદવાર માટે પ્રચાર કરવામાં આવતાં વિવાદ પણ ઉભો થવા પામ્યો છે. આ વખતે મતદારોને લોભાવવા માટે ઉમેદવારો દ્વારા જાતજાતના ગતકડાંઓ પણ કરવામાં આવ્યાં હતાં.
હવે મતદાન આડે બે જ દિવસ બાકી છે ત્યારે ઉમેદવારો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ભાજપ દ્વારા બુધવારે જ વરાછા રોડ પર સાત વોર્ડની એકસાથે વાહન રેલી કાઢવામાં આવી હતી. જ્યારે આવતીકાલે કતારગામમાં વિશાળ રેલી કાઢવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પણ ભાજપની સમાંતર રેલીના આયોજનો કરવામાં આવ્યા છે.
સુરતમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આપ પણ પ્રચાર ઝુંબેશ ચલાવી હોવાથી ભાજપ અને કોંગ્રેસને ઉમેદવારોને એ ધ્રાસ્કો પડ્યો છે કે આપ કોના મત કાપશે. આ વખતે ઉમેદવારો દ્વારા પોતાના સમાજ, પોતાના વતનના ગામડાઓના મંડળો, પરપ્રાંતિયો દ્વારા પોતાની ભાષામાં પેમ્ફલેટ છપાવીને પ્રચાર કરવામાં આવ્યો. કેટલાક ઠેકાણે મત માટે વતનના ગામડાઓમાં પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.
મતદાનના 48 કલાક પહેલા પ્રચાર બંધ કરવાનો હોવાથી આવતીકાલે શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. બાદમાં છેલ્લી ઘડીની તડજોડની નીતિ પક્ષો અને ઉમેદવારો દ્વારા અપનાવવામાં આવશે ત્યારે કોને કોર્પોરેટર બનવાની સૌભાગ્ય પ્રાપ્ત થશે તે મતદાન બાદ જ ખબર પડશે.