ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત “ઓપરેશન શિલ્ડ”નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.
તે અંતર્ગત સુરત જિલ્લામાં ફરી એકવાર તા. 31 મે ને શનિવારની સાંજે 5 કલાકે મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. આ મોકડ્રીલ સુરત શહેરના સ્મીમેર હોસ્પિટલની બાજુમાં આવેલી ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ તથા માંડવી તાલુકાના કાકરાપાર એટમીક પાવર સ્ટેશન ખાતે 5થી 8 વાગ્યા દરમિયાન યોજાશે. આ ઉપરાંત સુરત જિલ્લા કલેક્ટર દ્વારા સાંજના 8 થી 8.30 દરમિયાન શહેર અને જિલ્લાના નાગરિકોને લાઈટ ઓફ કરી બ્લેક આઉટમાં સહભાગી બનવા અપીલ કરાઈ છે.
સુરત શહેર-જિલ્લામાં 31મીએ મોકડ્રીલ
ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશાનુસાર સુરત શહેર તથા જિલ્લામાં આવતીકાલ તા. 31 મે, શનિવારના રોજ સાંજે 5 વાગે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. નાગરિકોની સુરક્ષા માટે વહીવટીતંત્રની તૈયારીઓ તથા કોઈ પણ પ્રકારની ઈમરજન્સી સર્જાય ત્યારે શું કરવું તેની જાગૃતિ માટે ઓપરેશન અભ્યાસ હાથ ધરવામાં આવશે. જેમાં કોઈ પણ બનાવ બને ત્યારે બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવાની કામગીરી, ફસાયેલા વ્યકિતઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
ઓપરેશન સિંદૂરની વિગતે દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે સુરત શહેર-જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, NCC, NSS, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ જેવા યુવા વોલીન્ટીયર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રુમ વચ્ચે હોટલાઈન ઉભી કરવાની, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત સંભવિત હુમલા બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મેડિકલ ટીમ અને રકતદાન સંદર્ભે જરુરી કાર્યવાહી કરવા તેમજ સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં બોર્ડર વિંગના હોમ ગાર્ડ્સ, આર્મ્ડ વિંગના જવાનોનું તાત્કાલિક ડીપ્લોયમેન્ટ કરવા સંદર્ભે જરુરી એક્શન પ્લાન બનાવવા સંદર્ભે પણ જિલ્લા કલેકટરશ્રીઓને જરુરી સૂચનાઓ આપવામાં આવી છે.
સુરતમાં ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં મોકડ્રીલ યોજાશે
સુરત શહેરની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ, સ્મીમેર હોસ્પીટલની બાજુમાં, બોમ્બે માર્કેટની સામે, ઉમરવાડા, સુરત ખાતે તેમજ કાકરાપાર એટમીક પાવર સ્ટેશન, તા.માંડવી, જી. સુરત ખાતે 5 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે. મોકડ્રીલ સમયે સાંજે 5 કલાકે અમુક સ્થળોએ મોકડ્રીલના ભાગરૂપે સાયરન વાગશે. જયારે 8 થી 8.30 વાગ્યા દરમિયાન સમગ્ર શહેર-જિલ્લામાં બ્લેક આઉટ(અંધાર પટ) કરાશે. જેમાં નાગરિકોએ સ્વયંભુ ઘર, ઓફિસની ટયુબલાઈટો તથા બલ્બ બંધ રાખવાનો સૌ શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. બ્લેક આઉટ(અંધાર પટ) મોકડ્રીલ દરમ્યાન પંખા, એસી, ફ્રિઝ, લીફ્ટ વગેરે ચાલુ રહેશે. મોકડ્રીલ દરમિયાન સ્ટ્રીટ લાઇટો પણ બંધ રહેશે. સમગ્ર વાહન વ્યવહાર તથા ઇમરજન્સી સર્વિસ યથાવત રહેશે. હોસ્પિટલો મોકડ્રીલનો ભાગ નથી.