Gujarat

અમદાવાદમાં તાજું જન્મેલું બાળક કોરોના પોઝિટિવ, માતાથી ચેપ લાગ્યો

ફરી એકવાર દેશ-વિદેશમાં કોરોનાની બિમારીએ માથું ઊંચક્યું છે. હોંગકોંગ, સિંગાપોર, થાઈલેન્ડ બાદ ભારતમાં ધીમે ધીમે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. દેશમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોનાનો વાવર ફેલાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં એક નવજાત બાળકનો ટેસ્ટ કોવિડ પોઝિટિવ નોંધાયો હોવાની ઘટનાએ આરોગ્ય તંત્રને દોડતું કરી દીધું છે.

અમદાવાદમાં તાજાં જન્મેલા બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બાળકને NICUમાં તબીબી નિગરાની હેઠળ રાખવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે બાળકની માતા કોરોનામાં સપડાઈ હતી. હાલમાં બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ છે. બાળક જન્મ્યું ત્યારે માતા પોઝિટિવ હતી. બાળક અત્યારે બે દિવસનું છે. બાળકનું વજન ઓછું હોવાથી તેને NICUમાં રાખવામાં આવ્યું છે.

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ બે કોરોનાના દર્દી સારવાર લઈ રહ્યાં છે. એક 23 વર્ષીય મહિલા મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહી છે. આ ઉપરાંત અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દી છે, તેમાં એક બાળક 8 મહિનાનું કોરોના પોઝિટિવ છે. તે બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે.

રાજકોટમાં અચાનક કેસમાં ઉછાળો
દરમિયાન રાજકોટમાં અચાનક જ કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક હદે ઉછાળો નોંધાોય છે. રાજકોટમાં એક જ દિવસમાં વધુ 8 કેસ નોંધાયા છે. 2 મહિલા અને 6 પુરુષ સહિત વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યારસુધીના કુલ કેસની સંખ્યા 24 પર પહોંચી છે. છેલ્લા 3 દિવસમાં જ 19 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળ્યો છે. ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.

સુરતમાં ગુરુવારે 4 કેસ નોંધાયા
આ સિવાય સુરત શહેરમાં ધીમે ધીમે કેસની સંખ્યા વધી રહી છે. અહીં હવે રોજ એકાદ-બે કેસ નોંધાઈ રહ્યાં છે. ગઈકાલે કોરોનાના વધુ ચાર કેસ સુરતમાં નોંધાયા છે. જેમાં 44થી 75 વર્ષના લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. આ ચાર પૈકી બેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ મળી છે.

Most Popular

To Top