સિટી જીમખાના પાછળ કાચા, પાકા દબાણો દૂર કરાયા, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કોર્પોરેશને કરી કામગીરી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.30
નડિયાદમાં સતત બીજા દિવસે મુખ્ય કાંસને ખુલ્લા કરવા કોર્પોરેશનની કામગીરી શરૂ કરાઈ છે. શહેરના સીટી જીમખાના પાછળ વરસાદી કાંસ ઉપર કરેલા કાચાપાકા દબાણોને તોડવામાં આવી રહ્યા છે. આજે શુક્રવારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ અહીંયા સતત બીજા દિવસે કાંસને ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ચોમાસું શરૂ થાય તે પહેલા નડિયાદ કોર્પોરેશનને પ્રિમોન્સુન કામગીરીના પ્રયાસ શરૂ કર્યા છે. શહેરમાંથી પસાર થતા મુખ્ય કાંસ પર દબાણોને હટાવી કાંસને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને એ બાદ આ કાંસની સફાઈ કરવામાં આવશે. ગતરોજ કોર્પોરેશનની દબાણની ટીમે શહેરના ખાડ વાસમાં કાંસ પર બંધાયેલા નાના મોટા દબાણો, શૌચાલયો સહિતના દબાણો તોડી પાડ્યા હતા. આજે શુક્રવારે બીજા દિવસે પણ આ કામગીરી જોવા મળી છે. સીટી જીમખાના પાછળ કાચા, પાકા દબાણો જેસીબી મારફતે દુર કરવામાં આવી રહ્યા છે. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત હેઠળ કોર્પોરેશને આ કામગીરી કરી રહી છે. આ દબાણની કામગીરી દરમિયાન અહીયા કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ સામે આવી છે. જેમાં જમીનની અંદર સંતાડેલો દારૂ બનાવવા માટેનો વોસના પીપડા પણ મળી આવ્યા હતા. આથી પોલીસે કેસ કરવાની કામગીરી આરંભી છે. નડિયાદમાં આ મુખ્ય કાંસ પર અન્ય ઠેકાણે પણ દબાણો છે તેને આવનાર દિવસોમાં દુર કરવામાં આવશે. જેના કારણે દબાણકર્તાઓમાં વ્યાપક ફફડાટ જોવા મળી રહ્યો છે.