ઘણા લોકો જેની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે, એ વેકેશનમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. હાલમાં આપણે વેકેશન મોડમાં છીએ અને આપણામાંના ઘણા વેકેશનની મજા માણી રહ્યા છે, જાતજાતનું પ્લાનીંગ કરી રહ્યા છે. પરંતુ કેટલીક ખાનગી શાળાના શિક્ષકો માટે વેકેશનની મજા કડવી બની જતી હોય છે. કેટલીક ખાનગી શાળાના શિક્ષકોને વેકેશન દરમિયાન પગાર મળતો નથી.
કેટલીક ખાનગી શાળાના સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી ફી તો આખા વર્ષની લે છે પરંતુ વેકેશનમાં શિક્ષકોને કાર્ય કરવાનું ક્યા હોય છે એવું કહીને એમને પગાર આપતા હોતા નથી. આ આખી વાત અમાનવીય છે. જે શિક્ષકોને વેકેશનમાં પગાર નથી મળતો એવા કેટલીક ખાનગી શાળાના શિક્ષકોને પણ વેકેશનમાં પગાર મળે અને જો શક્ય હોય તો વેકેશન એન્જોય કરવા થોડો વધુ પગાર મળે એવી અપેક્ષા. આવી ખાનગી શાળાઓ ખૂબ ઓછી છે, પરંતુ એકે ય શિક્ષક આવી માનસિકતાનો ભોગ બને એ જરૂરી છે.
નવસારી, ઈન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ફેક ન્યુઝની ફેક્ટરી
સોશ્યલ મીડિયાના મધ્યમથી લાખોની સંખ્યામાં ફેક ન્યુઝ ફેલાતા રહે છે. ખોટા કે બનાવટી સમાચારો લોકો કોઈપણ જાતની ખાતરી કર્યા વિના એક નહીં અનેકને ફોરવર્ડ કરતા રહે છે. કેટલીક વખત સાવ ખોટા પાયા વગરના અને પૂરેપૂરી તપાસ કે ખાતરી કર્યા વિનાના ફેક ન્યુઝ વાંચતા આપણી સંવેદના પર પ્રહાર થતો હોય એવું લાગે છે. લોકોમાં ઉન્માદ પેદા કરતા ફેક ન્યૂઝ આપણને હતાશાની ગર્તામાં ધકેલી દે છે. ટેલિવિઝન ઉપર પણ બૂમબરાડા પાડીને સમાચાર પ્રસારિત થતા હોય ત્યારે જાણે ભયનું વાતાવરણ ઊભું થઈ જાય છે.
વિસંવાદિતાથી ભરપૂર માહિતીના ફેક ન્યુઝ પ્રસારિત થતા રહે છે ત્યારે અચરજ થાય છે. ક્રમશઃ એટલું બધું જૂઠાણું ફેલાતું જાય છે કે સોશ્યલ મીડિયા ઉપર પણ વિશ્વાસ ઘટતો જાય છે. જુઠ્ઠા સમાચાર પીરસાતા રહેતા હોય ત્યારે લોકો શંકાની નજરે જ ન્યુઝને વાંચે છે. ફાલતુ મેસેજ, મીમ્સ, ફાલતુ ફેક ન્યુઝ તદ્દન નવરા માણસો ફોરવર્ડ કરતા રહેતા હોય છે. નકલી વસ્તુઓ, નકલી સંસ્થાઓની માફક જ નકલી કે ખોટા સમાચારનો પણ જાણે રાફડો ફાટી નીકળ્યો છે. સ્વસ્થ સમાજ રચના માટે આ સારી નિશાની નથી.
નવસારી -ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે