National

સાપ 19 વખત કરડ્યો છતાં 70 વર્ષના વૃદ્ધ જીવે છે, મધ્યપ્રદેશના આ વિચિત્ર કિસ્સાની હકીકત જાણો..

મધ્યપ્રદેશના સિઓની જિલ્લાના મલારી ગામમાં 70 વર્ષીય વૃદ્ધને એક બે નહીં 19 વખત સાપ કરડ્યો છતાં તેઓ જીવતા છે. આ વિચિત્ર કિસ્સાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. શું છે સર્પદંશના આ કિસ્સાની હકીકત ચાલો જાણીએ..

ખરેખર વૃદ્ધને કોઈ સાપ કરડ્યો નહોતો. પરંતુ આ એક આખું સુવ્યવસ્થિત કૌભાંડ છે. મધ્યપ્રદેશના સિઓની જિલ્લામાં સર્પદંશના નામે 11 કરોડ 26 લાખ રૂપિયાનું સનસનાટીભર્યું કૌભાંડ ચર્ચામાં છે. આ કૌભાંડમાં 279 વખત કાગળ પર 47 લોકોને મૃત બતાવીને વળતરની રકમ હડપ કરવામાં આવી હતી.

તેમાંથી એક મલારી ગામના 70 વર્ષીય ખેડૂત સંત કુમાર બઘેલ છે, જેમને કાગળ પર 19 વખત સાપ કરડવાથી મૃત દર્શાવવામાં આવ્યા હતા અને તેમના નામે 76 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે સંત કુમાર જીવે છે અને સ્વસ્થ છે.

સંત કુમાર બઘેલે કહ્યું, મને ચાર દિવસ પહેલા ખબર પડી કે સાપ કરડવાથી મૃત્યુ દર્શાવીને મારા નામે પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. મને ક્યારેય સાપ કરડ્યો નથી. છેલ્લાં 60-70 વર્ષમાં ગામમાં સાપ કરડવાથી મૃત્યુના ફક્ત એક કે બે કેસ જ બન્યા છે.

સંત કુમારે કહ્યું કે તેઓ 1994 થી 1998 સુધી મલારી ગામના સરપંચ હતા પરંતુ તેમનો તહસીલ કચેરી સાથે કોઈ સંપર્ક નહોતો. તેમને આ કૌભાંડ વિશે તાજેતરમાં જ ખબર પડી. તે કહે છે, ન તો કોઈ પત્ર આવ્યો કે ન તો કોઈ અધિકારી મને મળ્યો. પોલીસે પણ મારી પૂછપરછ કરી નહીં.

ખેડૂત સંત કુમાર વધુમાં ઉમેરે છે કે આ ઘટનાથી મારી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. કેટલાક લોકો એવું માની રહ્યા છે કે મેં પૈસા લીધા હશે, જ્યારે મને કોઈ રકમ મળી નથી. હૃદય રોગથી પીડિત વૃદ્ધ સંત કુમારે કહ્યું, હું આ કેસમાં માનહાનિનો દાવો દાખલ કરીશ અને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરીશ.

ચાર વર્ષમાં 11.26 કરોડનું કૌભાંડ થયું
આ કૌભાંડ કેવલારી તાલુકામાં 2019 થી 2022 ની વચ્ચે થયું હતું. મધ્યપ્રદેશ સરકારની યોજના હેઠળ, સાપ કરડવાથી, ડૂબવાથી અથવા વીજળી પડવાથી મૃત્યુના કિસ્સામાં પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. આ યોજનાનો દુરુપયોગ કરીને 279 નકલી કેસોમાં 11 કરોડ 26 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી.

શ્રી રામને પણ કૌભાંડીઓએ મૃત બતાવ્યા
તપાસમાં જાણવા મળ્યું કે બિચ્છુઆ રાયત ગામની ‘દ્વારકાબાઈ’ (જે ક્યારેય અસ્તિત્વમાં નહોતી) જેવા કેટલાક લોકોને 29 વખત મૃત બતાવવામાં આવ્યા હતા અને 1 કરોડ 16 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. તેવી જ રીતે શ્રી રામ નામના વ્યક્તિને 28 વખત મૃત બતાવીને વળતર પડાવી લેવામાં આવ્યું હતું, જેનું અસ્તિત્વ ગામમાં મળ્યું ન હતું.

કૌભાંડનો મુખ્ય આરોપી કેવલારી તહસીલ ઓફિસનો કારકૂન
આ કૌભાંડનો મુખ્ય આરોપી કેવલારી તહસીલ ઓફિસમાં કારકુન સચિન દહાયત હોવાનું કહેવાય છે, જેને બરતરફ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. વર્ષ 2022માં પોલીસે 37 લોકો પર આરોપ મૂક્યા હતા, જેમાંથી 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 20 લોકોને જામીન મળ્યા હતા.

ટ્રેઝરી અને એકાઉન્ટ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે સચિન દહાયતે તત્કાલીન એસડીએમ અને ચાર તહસીલદારોના લોગિન પાસવર્ડનો દુરુપયોગ કરીને આ કૌભાંડ આચર્યું હતું.

કલેક્ટરને સુપરત કરેલા અહેવાલમાં વિભાગે આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. આશ્ચર્યજનક રીતે મલારી ગામ કેવલારી તહસીલ કાર્યાલયથી માત્ર 3 કિલોમીટર દૂર છે, છતાં કોઈ અધિકારીએ પુષ્ટિ કરી નથી કે સંત કુમાર જીવિત છે. ત્રણ વર્ષ પછી પણ 11 કરોડ 26 લાખ રૂપિયાનો એક પણ રૂપિયો વસૂલ થયો નથી. કલેક્ટરે કહ્યું કે તેઓ ભલામણનો અભ્યાસ કરશે અને નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરશે.

Most Popular

To Top