આતંકવાદીઓના પાકિસ્તાન સ્થિત ઠેકાણાઓ પર હુમલો કરી એને નષ્ટ કર્યા એને મોટા વિજય તરીકે ગણાવી એની ઉજવણી કરવા ત્રિરંગા યાત્રાઓ યોજાઇ રહી છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ દ્વારા થયેલ આ હુમલો પહેલી ઘટના નથી. આ હુમલાનો જવાબ આપવાની તૈયારી કરતી વેળા દેશના પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર પાછુ મેળવવા સહિત એની શાન ઠેકાણે લાવવા આરપારની લડાઇ લડવા સહિતના ઘણા દાવા થયેલ પરંતુ અચાનક આ લડત બંઘ કરવાની જાહેરાત થઇ ગઇ.
કયા સંજોગોમાં અને કોના કહેવાથી કે દબાણથી બંન્ને દેશો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો એ તો બંને દેશોના મુખ્યાઓ જ જાણે પરંતુ ત્રિરંગીયાત્રા રૂપે વિજયની ઉજવણી કરવામાં લોકોને વ્યસ્ત કેમ કરી દીધા એ સવાલ લોકોના મનમાં ઘર કરી ગયો છે. આટલુ ઓછુ હોય એમ દેશના વિવિઘ પક્ષોના નેતાઓની ટુકડી બનાવી દુનિયાના દેશોને ભારતનો પક્ષ સમજાવવા મોકલી આપી દેશ શું પ્રાપ્ત કરી શકશે એ તો સમય જ બતાવશે. પાકિસ્તાન સાથેની કોઇપણ અથડામણમાં ચીનની સંડોવણીની શક્યતાને નજરઅંદાજ ન કરી શકાય અને આ શક્યતાને આધારે જ આપણે તૈયારી કરવી પડશે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિશ્વ ગુરુ તરફ વધતા દેશને અનાજ પલળે તે કેમ પોસાય?
વિશ્વની સહુથી ઊંચી પ્રતિમા અને વિશ્વનું સહુથી મોટું સ્ટેડિયમ મારા ગુજરાતમાં હોય અને તેમ છતાં અનાજ રાખતા ગોડાઉનની અછતથી મંડળી અને ખેડૂતોનું અનાજ રસ્તા પર પલળે, લાખો કરોડોનું નુકસાન થાય એ દુઃખદ અને શરમજનક છે. આપણે ગામેગામ લાખો, કરોડોના વિશાળ મંદિરો, મસ્જિદો બનાવી શક્યા પણ શું એની સાથે સાથે ગામમાં અનાજનાં ગોડાઉન ન બનાવી શક્યા? સરકાર અને લોક ભાગીદારીથી ગોડાઉનો બનાવવાનો સંકલ્પ સમાજે લેવો જોઈએ. સરકારે વિશ્વ પ્રસિદ્ધ મેદાનો અને પ્રતિમા સાથે અનાજ ગોડાઉનનું મોટાપાયે નિર્માણ કરી કરાવડાવી તેમાં વિશ્વ પ્રસિદ્ધિ મેળવવી જોઈએ જેથી આપણે ખેતી પ્રધાન દેશ છીએ એવું ખરેખર લાગે. કેમકે હજારો, લાખો ટન અનાજ દર વર્ષે પલળી જાય એ વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહેલા ભારતને કેમ પોસાય?
કીમ – દત્તરાજસિંહ ઠાકોર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.