Columns

સુપ્રીમ કોર્ટે શકવર્તી ચુકાદામાં સગીર કન્યા સાથે લગ્ન કરનારની સજા માફ કરી

આપણા દેશના કાયદા ઘડનારા કથિત નિષ્ણાતો દ્વારા કેટલાક એવા કાયદાઓ ઘડાયા છે, જે સમાજને સ્વસ્થ બનાવવાને બદલે સમાજની સ્વસ્થતા જોખમમાં મૂકી દે છે. બાળલગ્ન પ્રતિરોધક કાયદો આવો એક કાયદો છે. આપણા દેશમાં લગ્ન માટે પુરુષની ઉંમર ૨૧ વર્ષની અને સ્ત્રીની ઉંમર ૧૮ વર્ષની નક્કી કરવામાં આવી છે. જો કોઈ સ્ત્રી કે પુરુષ સંસદ દ્વારા નક્કી કરવામાં આવેલી ઉંમર કરતાં પહેલાં લગ્ન કરે તો તેને બાળલગ્ન ગણવામાં આવે છે અને લગ્નમાં સહાયક બનનારાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

હવે ભારતમાં બહુમતી કન્યાઓ ૧૮ વર્ષની ઉંમરે પહોંચે તે પહેલાં તેમનાં લગ્ન થઈ જતાં હોય છે અને તે બાળકની માતા પણ બની જતી હોય છે. ઘણી વખત ૧૮ વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓ પોતાના પ્રેમી સાથે ભાગી જાય છે અને લગ્ન કરી લે છે. જો કન્યાનાં માતા કે પિતા આ લગ્નના વિરોધી હોય તો તેઓ કન્યાના પ્રેમી સામે કેસ કરે છે અને તેમને જેલમાં નખાવે છે. ઘણી વખત આ રીતે ભાગીને લગ્ન કરનારી કન્યા બાળકને જન્મ પણ આપે છે. પોતાના પતિને જેલમાંથી છોડાવવા માટે તેણે સંઘર્ષ કરવો પડે છે.

આપણા જરીપુરાણા કાયદા મુજબ જો ૧૮ વર્ષથી ઓછી ઉંમરની કોઈ કન્યા સાથે તેની સંમતિપૂર્વક જાતીય સંબંધ બાંધવામાં આવે તો તે પણ બળાત્કાર ગણાય છે, કારણ કે સગીર કન્યાઓ જાતીય સંબંધ માટે સંમતિ આપવા જેટલી પરિપકવ માનવામાં આવતી નથી. આવા કિસ્સામાં જો કન્યાનાં માતા કે પિતા તેના પ્રેમી પર બળાત્કારનો કેસ કરે તો તેને જેલમાં નાખવામાં આવે છે ત્યારે પેલી કન્યાને કોઈ પૂછતું નથી કે શું તું તારા પતિને જેલમાં નાખવા માગે છે? આવી સ્ત્રીઓના હજારો પતિઓ આજે જેલમાં સબડી રહ્યા છે.

આ પરિસ્થિતિમાં સ્ત્રીએ એકલા હાથે પોતાના બાળકનો ઉછેર કરવો પડે છે અને પોતાના પતિને જેલમાંથી છોડાવવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. આવાં હજારો યુગલો માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આશીર્વાદ સમાન પુરવાર થશે. દેશની સર્વોચ્ચ અદાલતે આવા કિસ્સામાં સગીર કન્યાના પતિને નિર્દોષ છોડી દેવાનો આદેશ કર્યો છે, જેનો ફાયદો જેલમાં સબડતા હજારો પતિઓને થવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય ઓકાએ નિવૃત્ત થતાં પહેલાં અંતિમ ચુકાદો આપીને ઇતિહાસ બદલી નાખ્યો છે.

પશ્ચિમ બંગાળના આ કેસમાં ૨૫ વર્ષીય યુવકે ૧૪ વર્ષની કન્યા સાથે તેના માતાપિતાની મરજીથી વિરુદ્ધ જઈને લગ્ન કર્યાં હતાં. કન્યાની માતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના પગલે કન્યાના પતિની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે તેને POCSO એક્ટ હેઠળ ૨૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. કેસનાં તથ્યો અનુસાર કન્યા યુવકના પ્રેમમાં હતી અને તે પોતે ઘરેથી ભાગી ગઈ હતી. આ કેસ ચાલતો હતો તે દરમિયાન કન્યાએ પુત્રીને જન્મ આપ્યો હતો. એક બાજુ તેના પર પોતાની પુત્રીના ઉછેરની જવાબદારી આવી ગઈ હતી તો બીજી બાજુ પોતાના પતિને જેલમાંથી છોડાવવા માટે તેણે ટ્રાયલ કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી સંઘર્ષ કર્યો હતો.

આ કેસમાં કોલકાતા હાઈકોર્ટે સગીર પર બળાત્કાર કરવા બદલ POCSO એક્ટ હેઠળ નીચલી અદાલત દ્વારા આરોપીને આપવામાં આવેલી ૨૦ વર્ષની કેદની સજા રદ કરી હતી, પરંતુ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે છોકરીઓએ તેમની જાતીય ઇચ્છાઓને નિયંત્રિત કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી રદ કરી હતી અને ૨૦ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ વિગતવાર ચુકાદો આપ્યો હતો, જેમાં સજા રદ કરવાના હાઇકોર્ટના આદેશને ફગાવી દીધો હતો અને નીચલી અદાલતના સજાના આદેશને પુનઃસ્થાપિત કર્યો હતો, પરંતુ સજાને સ્થગિત રાખી હતી અને ત્રણ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી હતી અને તેની પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. સમિતિના અહેવાલ અને એમિકસ ક્યુરીનાં સૂચનો જોયા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો કે કન્યાના પતિની સજા માફ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આ બધું એટલા માટે થયું કારણ કે પીડિતાને શરૂઆતમાં તમામ માહિતી આપવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસની તપાસ કર્યા પછી એવું લાગે છે કે જો આરોપીને જેલમાં મોકલવામાં આવશે તો પીડિતાને સૌથી વધુ નુકસાન થશે. ૨૦૧૮ માં જ્યારે આ ઘટના બની હતી તેના કરતાં હવે તેની હાલત સારી છે અને તે તેના નાના પરિવાર સાથે આરામદાયક છે. તે આરોપી સાથે તેની પુત્રીની સંભાળ રાખી રહી છે અને તેને સારું શિક્ષણ આપવા માંગે છે. પીડિતાએ શાળાએ જવાનું શરૂ કરી દીધું છે અને તે આગળ અભ્યાસ કરવા માંગે છે.

કોર્ટે પીડિતાના પુનર્વસનનો આદેશ આપ્યો અને આરોપીની વધુ સજા માફ કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં લખ્યું છે કે ‘‘જો કાયદાનો વિચાર કરવામાં આવે તો કન્યાના પતિને જેલમાં જ રાખવો પડે તેમ છે, પરંતુ આ કેસમાં કન્યાને તેના પરિવારે, સમાજે અને કાનૂની વ્યવસ્થાએ ભારે અન્યાય કર્યો છે. કન્યા ભારે પીડા અને આઘાતમાંથી પસાર થઈ છે. અમે તેના પતિને જેલમાં મોકલીને તેને થયેલા અન્યાયમાં વધારો કરવા માંગતા નથી. અમે જજો તરીકે આ કઠોર વાસ્તવિકતા પ્રત્યે આંખમિંચામણાં કરી શકીએ નહીં. હવે કન્યાને સાચો ન્યાય કરવો હોય તો અમારે જોવું પડશે કે કન્યા તેના પતિથી અલગ ન થાય. સરકારે અને સમાજે હવે આ પરિવારને સ્થિર થવામાં મદદરૂપ બનવું જોઈએ.’’

આ કેસમાં સુપ્રીમ કોર્ટે બહુ જલદ ટકોર કરી છે કે ‘‘આ કિસ્સો આપણા સમાજની અને આપણી કાનૂની પદ્ધતિની નિષ્ફળતાનું જ્વલંત ઉદાહરણ છે.’’આ ટકોર બહુ ઓછા શબ્દોમાં ઘણું બધું કહી જાય છે. સગીર બાળકોનાં પ્રેમપ્રકરણ અને લગ્નની બાબતમાં બ્રિટીશ કાળમાં ઘડવામાં આવેલા કાયદાઓ હવે જમીનમાં દાટી દેવાની જરૂર છે. આજે કન્યાઓ ૧૨ વર્ષની ઉંમરે પ્રેમમાં પડતી થઈ જાય છે અને ૧૪ વર્ષની ઉંમરે જાતીય સંબંધો બાંધતી થઈ જાય છે. કેટલીક કન્યાઓ તો ૧૬ વર્ષની ઉંમરે બાળકને જન્મ આપે છે. તેમ છતાં આપણો કાયદો તેને લગ્ન કરવાની મંજૂરી આપતો નથી, કારણ કે તેને સગીર માનવામાં આવે છે. જે કન્યા બાળકને જન્મ આપવા જેટલી પરિપક્વ હોય તેને સગીર કેવી રીતે ગણી શકાય? વળી કોઈ ૧૬ વર્ષની કન્યા પોતાના પ્રેમી સાથે પરણીને સેટલ થવા માગતી હોય તો કાયદા દ્વારા તેના પર પ્રતિબંધ કેમ રાખી શકાય? દેશના કોઈ પણ નાગરિકે ક્યારે પ્રેમ કરવો અને ક્યારે પરણવું, તેનો નિર્ણય સરકાર કેવી રીતે કરી શકે?

આપણું કાનૂની તંત્ર ટીનએજરોની લાગણીઓ સમજવામાં તદ્દન જડ પુરવાર થયું છે. પોક્સોના કાયદા મુજબ કિશોરો દ્વારા બાંધવામાં આવતા જાતીય સંબંધોને અપરાધ ગણવામાં આવતો હોવાથી સમાજમાં મોટા પાયે વિસંવાદિતા પેદા થાય છે. જો કોઈ સગીર કન્યા તેના માતાપિતાની મરજી વિરુદ્ધ કોઈ પુરુષ સાથે પરણી જાય તો માતાપિતાનો અહં ઘવાતાં તેઓ પોક્સોના કાયદાનો ઉપયોગ કરીને પોતાની પુત્રીના પતિને જેલમાં બંધ કરાવી દે છે. આ માતાપિતા એ વાત ભૂલી જાય છે કે તેઓ પોતાની પુત્રીને અને પોતાના જમાઈને જ સજા કરી રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા ભારત સરકારને તાકીદ કરવામાં આવી છે કે પોક્સોના કાયદામાં ફેરફાર કરવા માટે સરકારે તાત્કાલિક પગલાં ભરવાં જોઈએ.

એક હેવાલ મુજબ દિલ્હીની જિલ્લા અદાલતોમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન બળાત્કારના જેટલા પણ કેસો આવ્યા હતા તેના ત્રીજા ભાગના કેસોમાં બળાત્કારનો ભોગ બનેલી કન્યા અને બળાત્કાર કરનારા યુવકો એકબીજા સાથે પરણી ગયાં હતાં; તો પણ તેમના કેસો ચાલતા હતા. તેનું કારણ એ હતું કે કન્યાનાં માતાપિતાને તે લગ્ન મંજૂર નહોતા, જેને કારણે તેઓ બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવા તૈયાર નહોતાં.

આ માતાપિતાને સમાજમાં નીચું જોવું પડ્યું હોવાથી તેઓ પોતાની દીકરી અને જમાઈ પર વેર વાળવા માટે આ કાયદાનો ઉપયોગ કરતાં જોવા મળે છે. આવા કિસ્સાઓમાં પોલીસ અને અદાલતો પણ કન્યાનાં માતાપિતાની જ મદદ કરતાં હોય છે. આ કાયદાના મૂળમાં કાયદાની એવી ધારણા છે કે બાળલગ્ન દૂષણ છે, માટે કાયદા દ્વારા તેને રોકવા જોઈએ. તેની સામે વાસ્તવિકતા એ છે કે આપણો સમાજ બાળલગ્નને દૂષણ માનતો નથી. તેમાં પણ કાળના પ્રભાવે આજની કન્યાઓ બહુ ઝડપથી પુખ્ત થઈ જતી હોય છે. આ કન્યાઓ દુરાચારના પંથે ન ચડી જાય તે માટે પણ તેમને સમયસર પરણાવી દેવી જરૂરી છે.

Most Popular

To Top