Dakshin Gujarat

વાપીમાં કોરોનાની એન્ટ્રીઃ વિરમગામ શંખેશ્વર ફરી આવેલા વૃદ્ધ પોઝીટીવ

વલસાડઃ સમગ્ર દેશ દુનિયા સાથે વલસાડમાં પણ હવે કોરોના પોઝીટીવના દર્દી જોવા મળ્યા છે. વાપીના 75 વર્ષના એક વૃદ્ધ કોરોના પોઝીટીવ આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગની ટીમ ફરીથી સક્રિય થઇ ગઇ છે.

વલસાડ આરોગ્ય વિભાગ પાસેથી મળતી વિગત મુજબ વલસાડ જિલ્લાના વાપીમાં દેસાઇવાડ ખાતે રહેતા 75 વર્ષના એક વૃદ્ધ વિરમગામ અને શંખેશ્વર ફરીને આવ્યા હતા. ત્યારબાદ તેઓ તાવમાં પટકાતા તેમનો કોવિડ-19 ટેસ્ટ કર્યો હતો. જેના માટે તેમના સેમ્પલ સુરતની લેબોરેટરીમાં મોકલી અપાયું હતું. ત્યાંથી તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેના પગલે તેમને ક્વોરેન્ટાઇન કરી દેવાયા છે.

વાપીમાં કોરોનાનો કેસ આવતા આરોગ્ય વિભાગે તુરંત તેમની આજુ બાજુના વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ શરૂ કરી દીધું હતુ. તેમજ જરૂર જણાય ત્યાં ક્વોરેન્ટાઇન એક્ટિવિટી પણ શરૂ કરી દેવાઇ છે.

દેશમાં કોરોના દર્દીની સંખ્યા 1000ને પાર
દેશમાં છેલ્લા એક અઠવાડિયામાં કોવિડ-19 ના પોઝિટિવ કેસની સંખ્યા 1,000 ને વટાવી ગઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે.

દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 1047 પર પહોંચી ગઈ છે. કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ 430 છે. મહારાષ્ટ્રમાં 208, દિલ્હીમાં 104 અને ગુજરાતમાં 83 કેસ છે. કર્ણાટકના 80 કેસોમાંથી 73 કેસો એકલા બેંગલુરુમાં છે.

દેશમાં કોરોનાથી 11 દર્દીના મોત થયા
જ્યારે મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં કુલ 11 દર્દીઓના મોત થયા છે. આમાંથી, નવ લોકો એક અઠવાડિયામાં મૃત્યુ પામ્યા. કોરોનાને કારણે સૌથી વધુ પાંચ મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. સોમવારે થાણેમાં એક મહિલાનું મોત થયું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં 787 નવા દર્દીઓ નોંધાયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 4 પ્રકારો મળી આવ્યા છે. આમાં LF.7, XFG, JN.1 અને NB.1.8.1 પ્રકારોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top