ગઈકાલે સોમવારે રાતે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ હતી. વલસાડ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. દરમિયાન કેટલાંક ઠેકાણે વીજળી પણ પડી હતી. ત્યારે પારડીમાં વીજળી પડતા ઘાસચારો બળી ગયો હોવાની ઘટના બની છે.
પારડીના સુખેશ રામપોર ખાતે ગઈકાલે રાત્રે કમોસમી વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા થયા હતા ત્યારે ગાયના કોઢારમાં વીજળી પડતા અહીં મુકેલા ઘાસચારામાં આગ લાગી હતી, જેના પગલે રાત્રિના સમયે દોડધામ મચી ગઈ હતી.
વધુમાં મળતી માહિતી અનુસાર પારડી તાલુકાના સુખેશ રામપોર માધવ નગર ફળિયા ખાતે રહેતા સુભાષ ઈશ્વરભાઈ પટેલ અને જયેશ ઈશ્વરભાઈ પટેલના ઘરે કોઢમાં ગાય ભેંસ બાંધેલા હતા. તે દરમિયાન રાત્રિના અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે ગાય ભેંસને ખાવા માટે મુકેલા ઘાસચારામાં રાત્રિના 12:30 વાગ્યાના સુમારે અચાનક વીજળી પડતા ઘાસચારોમાં આગ લાગી હતી. અને પતરાંઓ તૂટી ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવાર અને સ્થાનિક લોકો દોડી જઈ પાણી નાખી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં પશુઓને નાની ઇજા પહોંચી હતી.
આ અંગે પરિવારના દક્ષાબેન અને જયમીન પટેલે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ખૂટે નહીં તે માટે ગાય ભેંસ માટે ઘાસચારો એકઠો કરી ભર્યો હતો. પરંતુ વીજળી પડતા ઘાસચારામાં આગ લાગતા તે બળીને ખાખ થઈ ગયો હતો અને અંદાજે રૂ. 3 લાખ જેટલું નુકસાન થયા હોવાનું પરિવારે જણાવ્યું હતું. વર્ષોથી પશુઓ રાખી જીવન નિર્વાહ કરતા દક્ષાબેન પટેલ નુકસાનને પગલે ભાવુક થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સરપંચ પુનિત પટેલ, તલાટી શીતલબેન ટંડેલ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને પરિવારને વળતર મળે તેવી આશા વ્યક્ત કરી હતી