Charchapatra

વોટ્સઅપ યુનિવર્સિટી

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની વેબસાઈટ પ્રમાણે આપણા દેશમાં 1074 જેટલી યુનિવર્સિટીઓ છે. પરંતુ યુજીસીની વેબસાઈટ પર એક યુનિવર્સિટી નજરે પડતી નથી અને તે છે whatsapp યુનિવર્સિટી! આ યુનિવર્સિટીમાં કોઈ ડિગ્રી મળતી નથી પરંતુ આ વિશ્વવિદ્યાલયમાં  કહેવાતા યુદ્ધ શાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, પરમાણુ વૈજ્ઞાનિકો જેવી અઘરી નોટો તમને જ્ઞાન પીરસે છે.  દેશની બોર્ડર નકશામાં પણ નહીં જોઈ હોય એવી વ્યક્તિઓ બોર્ડર પર જઈને પોતે લડતા હોય એવી રીતે વાતોના વડા કરે છે. પાનના ગલ્લે માવો ચાવતા ચાવતા એ મિસાઈલ અને રોકેટની ઇમેજ વોટ્સએપ યુનિવર્સિટી પર ફટકારે છે. આપણા દેશના અને દુશ્મન દેશના શસ્ત્રાગારમાં કયા કયા હથિયારો છે એની પણ શસ્ત્રાગારના મેનેજર હોય એ રીતે ફેંકમફેંક કરે છે.

આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પલ પલ કી ખબર ફટકારતા રહે છે. મેદાની યુદ્ધ લડવામાં એઓ માહેર હોય તેમ ઠોકમઠોક કરતા રહે છે. આ યુનિવર્સિટીના પ્લેટફોર્મ પર ખોટી માહિતી અને નકલી સમાચારો સતત પીરસાતા રહે છે. ઘણા લોકો મેસેજિસ અને વીડિયોની  સત્યતાની ખાતરી કર્યા વિના ફોરવર્ડ કરતા રહે છે. પરિણામે વ્યાપક ગેરમાન્યતાઓ સમાજમાં ફેલાતી રહે છે. સમાજમાં સાંપ્રદાયિક તણાવ , હિંસા અને ગભરાટનો માહોલ ઉભો થાય છે. અતિ સંવેદનશીલ મુદ્દા અંગે સોશિયલ મીડિયા પર ચર્ચાની સમાજ પર નકારાત્મક અસર પડે છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી દૂર કરવા માટે આપણા દેશની સરકાર  સત્વરે પગલા તે દેશ માટે ખૂબ જ આવશ્યક છે.
નવસારી – ડૉ. જે.  એમ.  નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top