શું તમારે સાચે જ શિક્ષક બનવું છે? બાળકોનું ભાવિ ઘડી, તેમને ગૌરવપ્રદ રાષ્ટ્રનિર્માતા બનાવવા છે? કાર્યક્ષમ, સફળ વ્યાવસાયિક બનાવવા છે? જો ‘હા’ તો આ લેખ માર્ગદર્શન પૂરું પાડશે.NEP-2020ના ખરડાથી, શિક્ષણના નીતિ-નિર્ધારણ ક્ષેત્રે ઘણા બદલાવ આવ્યા. હજુ આવતા રહેશે. જેમાં શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો ધોરણ-12 પછી ચાર વર્ષના ઈન્ટિગ્રેટેડ બી.એડ.ના અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો. ભારતનાં ગુજરાત સહિત અન્ય રાજ્યોની કેટલીક યુનિવર્સિટીઓમાં તે કાર્યરત પણ છે. જેને ITEPથી ઓળખવામાં આવે છે. અહીં વિદ્યાર્થીએ ધોરણ-12 પછી જ નક્કી કરી લેવાનું હોય છે કે તે શિક્ષક બનવા માંગે છે.
હાલમાં ફેબ્રુઆરી- 2025માં NCTE (નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન) એ એક નવો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. જે અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં બી.એડ્.ના અધ્યાપકો અને શિક્ષણશાસ્ત્રીઓનો કાર્યશિબિર યોજાઈ ગયો. આ લખનાર NCTE નાં વર્ષો સુધી સભ્ય રહી ચૂક્યા હોવાથી બી.એડ, એમ.એફ.ના ભાવિ અભ્યાસક્રમ અને પ્રશિક્ષણના માળખા બાબતે ઝીણવટભરી, પ્રમાણભૂત માહિતી પૂરી પાડવાનું યોગ્ય માન્યું છે.
પ્રશિક્ષણના તાજેતરના ખરડામાં શિક્ષક-પ્રશિક્ષણની ચર્ચા ત્રણ તબક્કાઓમાં કરવામાં આવી છે.
(1) ચાર વર્ષનો ઈન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ
(ITEP):
ધોરણ-12 પછી, શિક્ષક બનવા માટેનો આ કોર્ષ ચાર વર્ષનો છે. આ કોર્ષમાં ગ્રેજ્યુએશન સાથે જ બી.એડ. એક સાથે કરી શકાય છે. ગાંધીનગરમાં આવેલી IITE (ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટિચર એજ્યુકેશન) માં આ પ્રકારનો કોર્ષ ઉપલબ્ધ છે.
(2) બે વર્ષનો ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ:
જે વિદ્યાર્થીએ ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન (B.Sc., B.com., B.A) પૂર્ણ કર્યું હોય તેમને આ કોર્ષમાં પ્રવેશ મળી શકે છે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન જરૂરી નથી. પ્રવેશ માટે ગ્રેજ્યુએશનમાં 50 ટકા ગુણ અનિવાર્ય છે.
(3) એક વર્ષનો ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ:
જે વિદ્યાર્થીએ ગ્રેજ્યુએશન બાદ, પોસ્ટ ગ્રેજ્યુએશન (M.A., M.Sc., કે M.com.) કર્યું હોય તેઓ આ કોર્ષ માટે એપ્લાય કરી શકે છે. અહીં પણ પ્રવેશ માટે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 50 ટકા ગુણ અનિવાર્ય છે. ઉપરોક્ત તબક્કાઓનો અભ્યાસ કરતાં જણાય છે કે હવે બી.એડ.નો અભ્યાસક્રમ માત્ર, પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક, શિક્ષણ પૂરતો મર્યાદિત રહ્યો નથી. તેનું ફલક શિક્ષણના વિવિધ તબક્કાઓમાં વિસ્તરણ પામ્યું છે. ફેબ્રુઆરી-2025ના NCTEના નવા ડ્રાફ્ટમાં તેને ચાર કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યો છે:
(1) ફાઉન્ડેશન: બાલમંદિરથી ધોરણ-2 માટેનો અભ્યાસક્રમ અને પ્રશિક્ષણ.
(2) પ્રિપેરેટરી: ધોરણ-3 થી ધોરણ-5 માટેનો અભ્યાસક્રમ અને પ્રશિક્ષણ.
(3) મિડલ: ધોરણ 6 થી 8 માટેનો અભ્યાસક્રમ અને પ્રશિક્ષણ
(4) સેકન્ડરી: ધોરણ-9 થી 12 માટેનો અભ્યાસક્રમ અને પ્રશિક્ષણ.
ઉપરોક્ત કેટેગરીમાં સમજવા જેવી મહત્ત્વની બાબત એ છે કે, હવે બી.એડ્.માં પ્રવેશ લેતાં પહેલાં વિદ્યાર્થીએ પૂર્વ નિર્ધારિત કરવું પડશે કે તેને કઈ કેટેગરીનાં બાળકોને ભણાવવામાં રસ છે. આ બાબતને ધ્યાનમાં રાખી તેણે પ્રવેશ મેળવવાનો રહેશે. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેને પસંદ કરેલી જે તે કેટેગરીના કોર્ષની ડિગ્રી આપવામાં આવશે. વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં બાળકની શારીરિક અને માનસિક વયને ધ્યાનમાં રાખી તેના વિકાસના વિવિધ તબક્કાઓ પાડવામાં આવ્યા છે. આ તબક્કાઓને કેન્દ્રમાં રાખી હવે ચાર કેટેગરીનો અભ્યાસક્રમ અને માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
અહીં વિદ્યાર્થીને પસંદગીની વિશાળ તક મળશે. શિક્ષણની નીતિ-નિર્ધારકોનો દાવો છે કે આને પરિણામે શિક્ષકને તેની ક્ષમતા મુજબ સ્પષ્ટ, ઘનિષ્ઠ અને પ્રતિબદ્ધ તાલીમ મળશે.ડ્રાફ્ટનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે સમગ્ર ભારતમાં બી.એડ્.નો એક જ અભ્યાસક્રમ અને માળખું હશે. જો કે યુનિવર્સિટીઓને પોતાની જરૂરિયાત અને માંગ મુજબ તેમાં 30 ટકા ફેરફાર કરવાની છૂટ રહેશે. પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે, જેના ગુણાંકનને આધારે પ્રવેશ મળશે.
પ્રવેશ મેળવી લીધા બાદ પ્રવેશાર્થી માટે કોલેજમાં 80 ટકા હાજરી ફરજિયાત રહેશે. જ્યારે શાળાની ઈન્ટર્નશીપમાં 90 ટકા હાજરી અનિવાર્ય રહેશે. આ જોતાં ઘેર બેઠાં બી.એડ.ની પદવી પ્રાપ્ત કરવાનું ચલણ દૂર થશે એવી આશા સેવવામાં આવી છે. NCTEના આ નવા ડ્રાફ્ટમાં વર્ષ :2028 સુધીમાં બી.એડ.ની તાલીમી કોલેજોએ અન્ય વધારાના કોર્ષ પણ શરૂ કરવા પડશે. જેને મલ્ટી-ડિસિપ્લિનેરી ઈન્સ્ટિટ્યૂટનું સ્ટેટસ આપવામાં આવશે. અંતે વર્ષ: 2030 સુધીમાં સમગ્ર ભારતમાં ચાર વર્ષનો ઈન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ લાગુ પાડવામાં આવશે.
હવે NCTE અને ભારત સરકાર બી.એડ.ને એક ડિગ્રી તરીકે જોવા માંગતી નથી. પરંતુ રાષ્ટ્રના ભવિષ્યની એક જવાબદારી તરીકે જોવા માંગે છે. કાર્યક્ષમ અને પ્રતિબદ્ધ ગુણવત્તાવાળાં શિક્ષકો તૈયાર કરવાની ખેવના રાખે છે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ થકી શિસ્ત અને પ્રેમના ભાવાવરણમાં બાળકોની સમસ્યાઓના સંદર્ભમાં, સતત-સર્વગ્રાહી-સર્વાંગી શિક્ષણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા સાથે રિસ્પોન્સીબલ પ્રશિક્ષણ પૂરું પાડવાનું વિઝન ધરાવે છે.
પ્રશિક્ષણાર્થીના ગુણ કે ગ્રેડને તેની કાર્યક્ષમતા, ગુણવત્તા અને પ્રતિબદ્ધતા સાથે સાંકળીને સમર્પિત શિક્ષકોની ફોજ તૈયાર કરવાનો પ્રમુખ હેતુ આ નીતિમાં ગર્ભિત છે. હવે શિક્ષકે બાળકોને માત્ર ભણાવવાનાં નથી, તેને ભણતાં કરવાનું ભાવાવરણ સર્જવાનું છે. આવા ક્રાંતિકારી, ધરખમ ફેરફારો શિક્ષક-પ્રશિક્ષણ ક્ષેત્રે આવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓએ થોડું ચિંતન-મનન કર્યા બાદ જ પ્રવેશ લેવો હિતાવહ છે. શું આ પ્રકારના ફેરફારો અને બદલાવથી શિક્ષક-પ્રશિક્ષણમાં ક્રાંતિ આવશે? એ તો આવનારો સમય જ કહેશે.
વિનોદ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.