Editorial

હાર્વર્ડ યુનિવર્સિટીને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા અટકાવીને ટ્રમ્પ અમેરિકાનું પણ અહિત કરી રહ્યા છે

અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી એ વિશ્વની ટોચની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે. દુનિયાભરના વિવિધ ક્ષેત્રના અનેક વિદ્વાનો આ યુનિવર્સિટીમાં ભણ્યા છે. જો કે હાલના  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ પ્રતિષ્ઠિત વિશ્વ વિદ્યાલય સાથે વાંકુ પડ્યું છે. વ્હાઇટ હાઉસમાં પ્રવેશ્યા ત્યારથી તેઓ આ યુનિવર્સિટી સામે બખાળા કાઢી રહ્યા છે. તેમણે આ યુનિવર્સિટી  સામે જાત જાતની શરતો અને માગણીઓ મૂકી, યુનિવર્સિટીનું તંત્ર આ માગણીઓને તાબે નહીં થયું એટલે પછી તેને ભીંસમાં લેવાના પ્રયત્નો ટ્રમ્પે શરૂ કરી દીધા.

પહેલા તો ટ્રમ્પે આ  યુનિવર્સિટીની ગ્રાન્ટ બંધ કરી દીધી. હવે ટ્રમ્પ વહીવટીતંત્રે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની હાર્વર્ડ યુનિવર્સિટીની લાયકાત પાછી ખેંચી લીધી છે, જેના પરિણામે હજારો વિદ્યાર્થીઓના  કાનૂની દરજ્જા અંગે ચિંતાઓ ઉભી થઇ છે જેમાં 800 ભારતીય વિદ્યાર્થીઓનો પણ સવાવેશ થાય છે, જેઓ હાલમાં આ યુનિવર્સિટીમાં નોંધાયેલા છે.એક અભૂતપૂર્વ ઘટનાક્રમમાં, ટ્રમ્પ  વહીવટીતંત્રે ગુરુવારે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ (SEVP) સર્ટિફિકેશનને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. 

આનો  અર્થ એ છે કે હાર્વર્ડ હવે વિદેશી વિદ્યાર્થીઓને નોંધણી કરાવી શકશે નહીં અને હાલના વિદેશી વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવા પડશે અથવા તેઓ તેમનો કાનૂની દરજ્જો ગુમાવવો પડશે,” આ ઘટના વિકાસ ભારતના વિદ્યાર્થીઓને પણ અસર કરવાનો ભય રાખે છે, જેઓ હાર્વર્ડ  યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં, હાર્વર્ડ તેની શાળાઓમાં વિશ્વભરના કુલ 10,158 વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓ ધરાવે છે.

વિશ્વભરના અભ્યાસુઓ, જ્ઞાનપિપાસુઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ઇચ્છુક હોય છે. અને વિદેશી વિધાર્થીઓ માટે આ યુનિવર્સટીના દરવાજા બંધ કરી દેવાના ટ્રમ્પના પગલાની વિશ્વભરમાં ટીકા થઇ રહી છે. આ નીતિ હાર્વર્ડમાં 500 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પણ સીધી ધમકી આપે છે, તેમને આગામી શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલાં અન્યત્ર ટ્રાન્સફર કરવા અથવા દેશ છોડી દેવાની ફરજ પડે છે.

સાઉથ એશિયન વિદ્યાર્થીઓના સંગઠન અને ચીને પણ ટ્રમ્પના આ પગલાની ટીકા કરી છે. હાર્વર્ડ યુનિવર્સિટીની વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની લાયકાત રદ કરવાના ટ્રમ્પ પ્રશાસનના પગલાથી યુનિવર્સિટી પર નોંધપાત્ર અસર પડી શકે છે, જે લગભગ 6,800 આંતરરાષ્ટ્રીય  વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે, જેમાંથી મોટાભાગના સ્નાતક કાર્યક્રમોમાં છે. તે વિદ્યાર્થીઓને હવે તેમના આગામી પગલાં નક્કી કરવા માટે ઝઝૂમવું પડી શકે છે.હાર્વર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં ઇઝરાયેલ વિરોધી ઉગ્ર દેખાવો થયા હોવાને કારણે તેમણે આ પગલું ભર્યું છે.

પરંતુ આવા દેખાવો તો અનેક યુનિવર્સિટીઓના કેમ્પસોમાં થયા હતા. હાર્વર્ડ સામે જ પગલામાં ટ્રમ્પનોૅ કંઇક પૂર્વગ્રહ પણ જણાય છે. હાર્વર્ડ યુનિવર્સિટી એ એક એવી સંસ્થા છે કે જેણે શિક્ષણના ક્ષેત્રે વિશ્વભરમાં અમેરિકાને પણ પ્રતિષ્ઠા અપાવી છે. આ યુનિવર્સિટીને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધિત કરીને ટ્રમ્પ આ યુનિવર્સિટીની વૈશ્વિક પ્રતિષ્ઠા ખતમ કરી રહ્યા છે અને સાથે જ અમેરિકાને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. હાલ તો એક અદાલતે ટ્રમ્પના આ પગલા સામે મનાઇ ફરમાવી છે પણ હવે આગળ શું થાય છે તે જોવાનું રહે છે.

Most Popular

To Top